Team Chabuk : રાજા વિક્રમાદિત્ય હવે વૃદ્ધ થવા લાગ્યા હતા. પોતાના યોગબળથી તેમણે એ પણ જાણી લીધું હતું કે તેમનો અંત હવે નજીક છે. એ રાજકાર્ય અને ધર્મકાર્ય બંનેમાં જીવ પરોવીને કામ કરતા હતા. તેમણે લોકોથી દૂર વનમાં પણ સાધના કરવા માટે ઝૂંપડી બનાવી રાખી હતી. એકાંતમાં તેઓ મન લગાવીને સાધના કરતા હતા. જ્યારે સાધનમાંથી ઊભા થાય ત્યારે આસપાસની પ્રકૃતિનું અને પ્રાણીઓનું ધ્યાનથી નિરીક્ષણ કરતા હતા.
એક દિવસ ઝૂંપડીની નજીક જ તેમને એક અલૌકિક પ્રકાશ દેખાયો. તેમણે ધ્યાનથી જોયું તો ખબર પડી કે પ્રકાશ તો સામેની પહાડીમાંથી આવી રહ્યો છે. આ પ્રકાશપૂંજની વચ્ચે તેમને એક સુંદર ભવન દેખાયું. તેમના મનમાં ભવનને જોવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ અને તેમણે કાલી દ્વારા પ્રાપ્ત થયેલા બે વેતાલોનું સ્મરણ કર્યું. તેમના આદેશ પર વેતાલ તેમને પહાડી પર લઈ ગયા. પહાડી પર ઉતરતા બોલ્યા, ‘મહારાજ, હવે અહીંથી આગળ અમે તમને નહિ લઈ જઈ શકીએ.’
‘કેમ?’
વિક્રમે પૂછતા વેતાલે જવાબ આપ્યો, ‘આ ભવનની ચારેબાજુ એક યોગીએ તંત્ર વિદ્યાથી ઘેરો ઘાલેલો છે. આ ભવનમાં તેનો નિવાસ છે. યોગીની તંત્રવિદ્યાથી તૈયાર કરેલા ઘેરામાં એ જ પ્રવેશ કરી શકે છે જેનું પુણ્યકાર્ય યોગી કરતા પણ વધારે હોય.’
વિક્રમે વેતાલ પાસેથી સત્ય જાણ્યા પછી ભવન તરફ પગ ઉપાડ્યા. એ જોવા ઈચ્છતા હતા કે તેમનું પુણ્ય એ યોગીનાં પુણ્ય કરતા વધારે છે કે નહિ. ચાલતા ચાલતા એ ભવનનાં પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયા. એકાએક ક્યાંકથી ચાલીને અગ્નિપિંણ્ડ આવ્યો અને તેમની પાસે આવી સ્થિર થઈ ગયો. એ જ સમયે અંદરથી કોઈનો આજ્ઞાભર્યો સ્વર સંભળાયો. અવાજ સંભળાતા જ અગ્નિપિણ્ડ પાછળ ચાલ્યો ગયો. વિક્રમ થોડા ડગ આગળ ચાલ્યા કે એ જ અવાજ તેમનો પરિચય પૂછવા લાગ્યો, ‘તું જે હોય તે સત્ય બતાવ, નહિ તો શ્રાપથી ભસ્મ કરી નાખીશ.’
વિક્રમ ત્યાં સુધીમાં ભવનનાં કક્ષમાં પહોંચી ચૂક્યો હતો. તેમણે જોયું કે યોગી ઊભો થયો છે. વિક્રમે તેને પોતાનો પરિચય આપ્યો તો તેણે કહ્યું, ‘હું તો ભાગ્યશાળી છું. મને તારા દર્શન થશે એવી આશા બિલકુલ નહોતી.’
યોગીએ વિક્રમાદિત્યનો ખૂબ આદર સત્કાર કર્યો અને વિક્રમને કંઈક માગવા માટે કહ્યું. રાજા વિક્રમાદિત્યએ તેમની પાસેથી એ ભવન માગી લીધું. યોગી હસ્યા અને પછી એ જ ભવન વિક્રમને સોંપીને જંગલમાં ચાલ્યા ગયા.
જંગલમાં ચાલતા ચાલતા એ ખૂબ જ દૂર પહોંચી ગયા તો તેમની ભેટ તેમના ગુરુ સાથે થઈ. તેનાં ગુરૂએ પૂછ્યું, ‘આવી રીતે ક્યાં ભટકી રહ્યો છો ?’
ગુરૂને પ્રણામ કર્યા પછી યોગીએ કહ્યું,‘મારા નિવાસસ્થાન પર વીર વિક્રમાદિત્યનું આગમન થયું હતું. એમનું પુણ્યકાર્ય મારાથી પણ મોટું હતું. મેં તો સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે મને એમના દર્શન થશે. મેં તેને કશુંક માગવાનું કહ્યું અને તેમણે એ ભવન જ માગી લેતા મેં તેમને ખુશીખુશી આપી દીધું.’
તેના ગુરૂ હસવા લાગ્યા અને બોલ્યા, ‘આ પૃથ્વીના સર્વશ્રેષ્ઠ દાનવીરને તું શું દાન કરીશ? એ તો આનાથી પણ મોટા મોટા ભવનો દાન કરી ચૂક્યો છે. નક્કી તેણે તારી પરીક્ષા લીધી હશે. તું એક કામ કર. યોગીમાંથી બ્રાહ્મણનું રૂપ ધારણ કરી લે અને એ જ ભવન પાછું માગી લે.’
ગુરૂની આજ્ઞાનું પાલન કરતા વેશપલટો કરી એ ઝૂંપડીમાં વિક્રમાદિત્યને મળવા માટે પહોંચ્યો. જ્યાં વિક્રમ રાજકાર્ય સમાપ્ત કરી સાધનામાં લીન રહેતા હતા.
બ્રાહ્મણના વેશમાં યોગીએ કહ્યું, ‘મને રહેવાની એક સુંદર જગ્યા જોઈએ છે.’
વિક્રમાદિત્યએ કહ્યું, ‘ભૂદેવ આપ આપની ઈચ્છિત જગ્યા માગી શકો છો. આ ધરતી પર જે કોઈ પણ જગ્યા આપને પસંદ આવશે હું તમને એ આપી દઈશ.’
‘ભવન…. મને એ ભવન જોઈએ છે.’
વિક્રમાદિત્ય તો ભૂદેવની વાત સાંભળીને હસવા લાગ્યા. ભૂદેવને પણ ભોઠા પડ્યા જેવું લાગ્યું. અંતરમનથી થવા લાગ્યું કે ક્યાંક વિક્રમને બધી વાતની ખબર તો નથી ને ?
વિક્રમાદિત્યએ કહ્યું, ‘ભવન ? ભવન તો હું એ જ સમયે છોડીને ચાલ્યો આવ્યો હતો. એ તો મેં યોગીની પરીક્ષા કરવા માટે જ માગ્યું હતું. મારે તેની કોઈ આવશ્યકતા નથી.’
આ કથા કહ્યા પછી એકત્રીસમી પુતળી કૌશલ્યાએ પોતાની વાર્તા પૂર્ણ ન કરી. એ વાર્તાને વિક્રમાદિત્યના અંત તરફ લઈ ગઈ.
રાજા વિક્રમાદિત્ય ભલે દેવતાઓથી પણ વધારે ગુણ ધરાવતા હતા અને ઈન્દ્રાસનના અધિકારી માનવામાં આવતા હતા, પણ એ હતા તો મનુષ્ય જ. મૃત્યુલોકમાં જન્મ લીધો હતો. એક દિવસ તેમણે જીવન ત્યાગી દીધું. તેમના મૃત્યુ પામતા જ સર્વત્ર હાહાકાર મચી ગયો. તેમની પ્રજા શોકાતુર થઈને રડવા લાગી. તેમની ચિતા તૈયાર થઈ તો તેમની તમામ રાણીઓ સતી થવા માટે એ ચિતા પર ચડી ગઈ. દેવતાઓએ ફૂલોની વર્ષા કરી દીધી.
વિક્રમ પછી તેમના સૌથી મોટા પુત્રને રાજા ઘોષિત કરવામાં આવ્યા. તેમનું ધામધૂમપૂર્વક રાજતિલક કરવામાં આવ્યું. એ સિંહાસન પર બેસવા ગયો પણ બેસી નહોતો શકતો. મોટી ઉલઝનમાં ફસાઈ ગયો.
એક રાતે સ્વપ્નમાં તેના પિતા વિક્રમાદિત્ય આવ્યા અને કહ્યું, ‘તારે દેવત્વ પ્રાપ્ત કરવું પડશે. જે દિવસે તું પુણ્ય-પ્રતાપ અને યશનો હકદારી બની જઈશ એ દિવસે તું સિંહાસન પર બેસવાને લાયક પણ થઈ જઈશ. આ વાત હું ખૂદ તને સ્વપ્નમાં આવીને જણાવીશ.’
દિવસો વિતતા ગયા. પુત્ર પુણ્ય અને પ્રતાપની પ્રાપ્તિમાં ખોવાઈ ગયો, પણ પિતા વિક્રમાદિત્ય તો તેના સપનામાં આવ્યા જ નહિ. હવે તેને ખબર નહોતી પડતી કે સિંહાસનનું શું કરવું જોઈએ. એક દિવસ પંડિતો અને વિદ્રાનોની સાથે પરામર્શ કરી પિતાનું સ્મરણ કરતા તે ઊંઘી ગયો. તેના ઊંઘતા જ વિક્રમાદિત્ય તેને સ્વપ્નમાં આવ્યા અને પુત્રને કહ્યું, ‘મારી વાત માન. તું એ સિંહાસનને જમીનમાં દાટી દે અને ઉજ્જૈન છોડી અમ્બાવતીમાં પોતાની નવી રાજધાની બનાવી લે. જ્યારે પણ પૃથ્વી પર સર્વગુણ સમ્પન્ન કોઈ રાજા કાલાન્તરમાં પેદા થશે તો આ સિંહાસન પોતે જ તેના અધિકારમાં ચાલ્યું જશે.’
પિતાના સ્વપ્નને આદેશ માનીને તેણે સવારે મજૂરોને બોલાવી એક ખૂબ ઊંડો ખાડો ખોદાવ્યો. તેમાં દોરડા વડે સિંહાસનને ધ્યાનથી નાખવામાં આવ્યું. તેના પર માટીના ઢગ નાખવામાં આવ્યા જેથી તે ટેકરી જેવું લાગે. આ પછી તેણે ઉજ્જૈન નગરી છોડી દીધી અને અમ્બાવતીને પોતાની નવી રાજધાની બનાવી લીધી.
(આવતીકાલે છેલ્લી વાર્તા સાથે સિંહાસન બત્રીસી સંપૂર્ણ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત