Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં મે મહિનામાં આકરો તાપ પડી રહ્યો છે. અસહ્ય ગરમીના કારણે લોકો હેરાન પરેશાન છે. ઘરમાં પણ લોકને અકળાવી મૂકતી ગરમી પરેશાન કરી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે લોકોએ હજુ પણ તપવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે ગુરુવારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં સરેરાશ મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું. સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ઉતરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો નોંધાતા રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સાથે કચ્છ, રાજકોટ, ભાવનગરમાં હિટવેવ જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં સતત બીજા દિવસે 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. જે આ સિઝનમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી 18 મે સુધી તાપમાન 43 ડિગ્રીથી નીચે જવાની સંભાવના ઓછી છે. અમદાવાદમાં સવારથી જ હિટવેવ શરૂ થઇ જાય છે અને બપોરે 2 થી 4 વચ્ચે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી જાય છે. જેના કારણે અમદાવાદવાસીઓ તોબા પોકારી ગયા છે.
રોગચાળો વધ્યો
હિટવેવને કારણે ડિહાઇડ્રેશન, ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવાથી પડી જવાના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં ગુરૂવારે સામાન્ય કરતા 4 ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું અને 3 ડિગ્રી વધુ લધુતમ તાપમાન રહ્યું હતું. લઘુતમ તાપમાન 29.6 ડિગ્રી તેમજ મહત્તમ 45.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આમ દર ત્રણ કલાકે પાંચ ડિગ્રી સુધીના તાપમાનમાં વધારો નોંધાયો હતો.

ગઈકાલે ગુરૂવારે પાટનગર ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાનની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, વડોદરા, ડીસા, પાટણમાં તાપમાન 43 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. રાજકોટમાં 44.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સાથે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છમાં ભારે ગરમીને કારણે યલો એલર્ટ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત