Team Chabuk-Gujarat Desk: સુરતમાં યુવકની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, યુવકને ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કરનારી વ્યક્તિ કોઈ યુવતી નહીં પરંતુ યુવક હતો. આ યુવકે યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યુ હતું. આ કેસના આરોપીને સાયબર ક્રાઈમે હરિયાણાથી ઝડપી લીધો છે. આરોપી યુવકનું નામ સાબાદ હોવાનું ખૂલ્યુ છે અને એમ ટેકનો અભ્યાસ કરે છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે, યુવકે કેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા છે અને અત્યાર સુધીમાં કેટલા યુવક સાથે છેતરપિંડી કરી છે.
શું હતો મામલો ?
સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક ઓનલાઈન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તેણે 31 ઓક્ટોબરે પોતાનો ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ કેસમાં રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ મૃતકના ભાઈએ મોબાઈલ ચેક કરતા ઘટસ્ફોટ થયો હતો કે, યુવકે નગ્ન ચેક વાયરલ થઈ જવાની બીકે આત્મહત્યા કરી લીધી હતી.
પ્રાથમિક તપાસમાં એક શ્રેયા નામની યુવતી સાથે તેણે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. યુવતીએ તેનો બિભત્સ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ હતું. યુવતીએ યુવકનો બિભત્સ વીડિયો તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી હતી. એટલુ જ નહિ, યુવતીએ બંને વચ્ચે થયેલી બિભત્સ વાતોની ચેટ પણ ખુલ્લી કરવી ધમકી આપી હતી. આ રીતે તેણે યુવક પાસેથી રૂપિયા પડાવવાનુ શરૂ કર્યુ હતું. યુવકે તેને 20 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. છતા તેણે વધુ રૂપિયાની માંગ કરી હતી.
સાયબર ક્રાઈમ અંગે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એક અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામ પર યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટમાંથી સુરતના રાંદેરમાં રહેતા યુવક સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વાતચીત કરી હતી. એટલું જ નહીં આ દરમિયાન બિભત્સ વાતચીત કરી યુવકનો બિભત્સ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો યુવકને વોટ્સએપ નંબર ઉપર મોકલી તેઓના સગા સંબંધી તથા મિત્રોને વાયરલ કરવાની ધમકી આપી હતી.
આ સાથે જ વીડિયો ડિલીટ કરવા બળજબરીથી રૂપીયાની માંગણી કરી હતી. જેથી યુવકે PAYTM એકાઉન્ટ દ્વારા રૂ.૨૦,૦૦૦ મોકલી આપ્યા હતા. છતાં સામેથી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેનાથી કંટાળી યુવકે પોતાના ફ્લેટમાં પંખાના હુક સાથે દોરી બાંધી આપઘાત કરતો હોવાનો ફોટો મોકલ્યો હતો. છતાં વીડિયો ડિલીટ કરવા માટે વધુ રૂ.૫,૦૦૦ની માંગણી કરી હતી, અને જો ૫,૦૦૦ નહીં મોકલે તો તેઓની બહેનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વીડિયો મોકલવાની ધમકી આપી હતી, જેથી યુવકે આત્મહત્યા કરી લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત