Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારીએ લોકોને પોઝિટિવ કરી તેમની અંદર નેગેટિવિટીના બીજનું સ્થાપન કરી દીધું. ઘણા લોકો રસ્તે આવી ગયા. ઘણા લોકોની દુનિયા છિનવાઈ ગઈ. આવા લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.
કેટલાક લોકો મહામારીમાં મર્યા તો કેટલાક લોકો મહામારીની અસરોના કારણે મર્યા. મહામારીની જે એક મોટી અને વ્યાપક અસર થઈ તે છે આર્થિક ભીંસની. લોકડાઉનમાં તો ઘણાએ ધંધા રોજગાર ગુમાવ્યા જ પણ મહામારીની થપાટ ઉપરથી ખેડૂતો માટે તો નબળું વર્ષ રહેતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું સર્જન થયું.
સુરેન્દ્રનગરના હળવદના ખેડૂતની પણ આવી જ સ્થિતિ થઈ. આત્મહત્યા પહેલા એમણે લખેલો પત્ર તો સોશિયલ મિડિયા અને અન્ય મિડિયાના માધ્યોમોમાં ખૂબ જ ફર્યો. આ ખેડૂતે આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા તો કરી જ પણ તેણે લખેલા એક એક શબ્દો રડાવી જાય છે. હચમચાવી જાય છે.
હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા ચાલીસ વર્ષીય ખેડૂત યુવાન રમેશભાઈ પ્રભુભાઈ લોરિયા આર્થિક ભીંસના કારણે કીડી નાલા પાસે આવેલી નર્મદા કેનાલમાં ઝંપ લાવી મોતને વ્હાલું કરી લીધું. રમેશભાઈ પાસેથી તેમણે લખેલી અને પાષાણ હ્રદયના માનવીને પણ પીગળાવી દે તેવી આત્મહત્યાની નોટ સામે આવી છે.
મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમના પર હવે બાપનો છાયો રહ્યો નથી. આત્મહત્યાની નોટમાં લખેલું છે કે, ખેતીમાં સતત નુકસાન આવતું હોવાના કારણે હવે આગામી સિઝનમાં ખેતી કરી શકે તેટલું નાણું નથી. ખેતીમાં દવા માટે પણ પૈસા નથી ને ઘરમાં બે ટક ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. તેમણે આ માટે અન્ય કોઈ જવાબદાર ન હોય તેનો પણ પોતાની સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
આ ખેડૂતે આત્મહત્યાની નોટમાં પોતે કાયર છે તેનો સ્વીકાર કર્યો છે. સાથે જ માતા પિતા અને પત્નીની પણ માફી માગી છે. તેમણે વધુમાં ઈશ્વરને પ્રાર્થના કરતાં લખ્યું છે કે, અલખધણી મારા પુત્રનું ધ્યાન રાખજો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત