Homeગુર્જર નગરીસુરતના વરાછામાં પતિએ પત્નીને છૂટાછેડા આપ્યા વિના પાડોશીની પત્ની સાથે મૈત્રી કરાર...

સુરતના વરાછામાં પતિએ પત્નીને છૂટાછેડા આપ્યા વિના પાડોશીની પત્ની સાથે મૈત્રી કરાર કરી લીધા

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં પતિ,પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ ઘરેથી ગુમ થયાનું નાટક કરીને સોસાયટીની જ અન્ય એક મહિલા સાથે મૈત્રી કરાર કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. લગ્ન, છૂટાછેડા અને મૈત્રી કરારનો આ કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પત્નીને છૂટાછેડા આપ્યા વગર સોસાયટીની અન્ય મહિલા સાથે મૈત્રી કરાર કરી લેતાં પત્નીએ પતિ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિસ્તૃત વાત કરીએ તો, વરાછાની શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતી મહિલા જેને સંતાનંમાં 14 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો છે તેના લગ્ન વર્ષ 2006માં મૂળ અમરેલીના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના વતની અને હાલ સુરતમાં પરવત ગામ, રાધે રેસિડન્સી, ફ્લેટ નં.502 માં રહેતા રુચિત ધનજીભાઈ પાનસેરીયા સાથે થયા હતા.

મહિલાનો આરોપ છે કે તેનો પતિ રુચિત નાની નાની વાતમાં ઝઘડો કરતો હતો જેથી મહિલા પરેશાન હતી. પત્નીનો આરોપ છે કે, તેના પતિનો મોબાઈલ તપાસતાં સોસાયટીમાં જ રહેતા એક પાડોશીની પત્ની સાથે પતિની બિભત્સ તસવીરો મલી આવી હતી. જેથી આ અંગે પત્નીએ પતિને પૂછપરછ કરતાં પતિએ જણાવ્યું હતું કે, તે આ મહિલાને તેની પત્ની બનાવવા માગે છે. પત્નીની હાજરીમાં જ પતિ પાડોશીની પત્ની સાથે વીડિયોકોલ કરી વાતચીત કરતો હોવાનો પણ પત્નીએ આરોપ લગાવ્યો છે.

આ દરમિયાન પતિ રુચિત પાનસેરીયા ગત તારીખ 3 એપ્રિલના રોજ અચાનક ઘરેથી ગાયબ થઈ ગયો હોવાનું પત્નીએ જણાવ્યું છે. પતિ ગાયબ થતાં પત્નીએ તેની શોધખોળ શરૂ કરી હતી. પત્નીએ આ અંગે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી. ત્યારે અચાનક રુચિત પાનસેરીયા વરાછા પોલીસ સ્ટેશનમાં પાડોશીની પત્ની સાથે હાજર થયો હતો અને તેણે પાડોશીની પત્ની સાથે મૈત્રી કરાર કરી લીધા હોવાનું જણાવ્યું હતું.

આમ પત્નીને છૂટાછેડા આપ્યા વગર પતિએ આ પ્રકારનું પગલું ભરી લેતાં પત્નીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પતિ રુચિત પાનસેરીયાની ધરપકડ કરી લીધી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે. આમ ઘરેથી ગુમ થવાનું નાટક કરીને આ શખ્સે પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વિના અંધારામાં રાખીને પાડોશીની પત્ની સાથે મૈત્રી કરાર કરી લેતાં આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments