Homeગુર્જર નગરીસોનગઢઃ જાનૈયાઓ ભરેલી બસ ટોલ નાકા સાથે અથડાઈ, 15ને ઈજા, ચાર ગંભીર,...

સોનગઢઃ જાનૈયાઓ ભરેલી બસ ટોલ નાકા સાથે અથડાઈ, 15ને ઈજા, ચાર ગંભીર, દુર્ઘટના CCTVમાં કેદ

Team Chabuk-Gujarat Desk: તાપીના સોનગઢના માંડલ નાકા પર જાનૈયા ભરેલી બસને અકસ્માત નડ્યો. ફૂલ સ્પીડે જતી બસ ટોલનાકા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં જાનમાંથી પરત ફરી રહેલા જાનૈયા અને ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત કુલ 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 15 લોકોમાંથી 4 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ અકસ્માતના દ્રશ્યો ટોલ નાકા પર લગાવેલા CCTVમાં કેદ થઈ ગયા છે.

CCTVમાં જોઈ શકાય છે કે, ફૂલ સ્પીડે આવતી બસ પહેલાં કોરિડોર સાથે અથડાય છે બાદમાં ટોલ બૂથ સાથે ધડાકાભેર અથડાઈને રોકાઈ જાય છે. બસની સ્પીડ અંદાજે 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બસ અથડાયા બાદ જાનૈયાઓ જીવ બચાવવા માટે બસની બારીઓમાંથી કૂદી ગયા હતા. તો ટોલ બૂથમાં કામ કરતી મહિલાનો જીવ પણ માંડ માંડ બચ્યો હતો. બસને પોતાની તરફ આવતી જોઈએ મહિલાએ કેબિનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બસની સ્પીડ વધુ હોવાથી મહિલા બહાર નીકળે તે પહેલાં જ બસ કેબિન સાથે અથડાઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો સોનગઢના માંડલ ગામ પાસે આવેલા ટોલનાકા પર  શ્રી સમર્થ નામની એક બસ ફૂસ સ્પીડે આવી ગઈ હતી.. 11 વાગ્યાની આસપાસ ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ જાન મહારાષ્ટ્રના બુરહાનપુરથી પરત ફરી રહી હતી. આ દરમિયાન બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ટોલ નાકા સાથે અથડાઈ હતી. ધડાકાભેર બસ અથડાતા થોડીવાર માટે ચિચિયારી સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માતમાં બસમાં સવાર જાનૈયાઓ સહિત કુલ 15ને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 4 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તો બસને પણ ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત ટોલનાકા પર ઊભા કરવામાં આવેલા સાઈન બોર્ડ અને ડિવાઈડરને ટક્કર મારતાં ત્યાં નુકસાન થયું છે તો ટોલ બૂથની દીવાલ પણ તૂટી ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments