Homeગુર્જર નગરીહે ચાબુક આજ ગુજરાતના ત્રણ શહેરોએ મુખ્યમંત્રી વિજયભાઈને ખુશ કરી દીધા

હે ચાબુક આજ ગુજરાતના ત્રણ શહેરોએ મુખ્યમંત્રી વિજયભાઈને ખુશ કરી દીધા

ગોવાબાપા : હે ચાબુક ભાજપને ખબર છે કે કેરળમાં સાક્ષરતા વધારે છે. એને જો કાબુમાં કરવું હોય તો હોશિયાર માણહ જ ખપે, બાકી કંઈ ન ખપે અને એટલે જ આજે દેશના સૌથી હોશિયાર વ્યક્તિ એવા મેટ્રો મેન ઈ શ્રીધરન કેરળમાં ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર બન્યા છે. કેરળનાં લોકોને જેવી સાક્ષરતા જોઈએ બસ એવી જ સાક્ષરતાના ધની છે મેટ્રોમેન.

કેરળ ભાજપના અધ્યક્ષ સુરેન્દ્રને આ વાતની પુષ્ટી કરી હતી. અટાણે તો ઈ શ્રીધરન આખા રાજ્યમાં ઘુમી ઘુમીને એક એક જગ્યાએ મત માગી રહ્યા છે. બીજી બાજુ ભાગ્યમાં કઠણાયુંના કડુહલા લઈને આવેલા રાહુલ ગાંધી જો ત્યાં કોંગ્રેસનો પ્રચાર કરશે તો ધડાકો થવાની એંધાણીયું દેખાય છે. કોંગ્રેસ સાટુ તો વીજળીને ચમકારે મોતીળા પરોવો પાનબાય!!! ટૂંક સમયમાં જ ભાજપ ત્યાં ઉમેદવારોની આખી સૂચી સામે રાખશે.

ગુરૂવારે તો શ્રીધરને ચોખ્ખે ચોખ્ખુ કહી દીધું કે, ‘કેરળની કોઈ પણ સીટ પર હું લડવા માટે તૈયાર છું. મારી જીત પાક્કી છે. મને પાક્કો ભરોસો છે કે ભાજપ સત્તામાં આવશે.’

મારે તો મેટ્રો મેનને ખાલી એટલું જ કહેવાનું થાય, આ વાત તમે જો કોંગ્રેસમાં ઊભા રહીને કહી હોત, તો એ આખા ભારતમાંથી હારે છે એટલી ન હારેત, કારણ કે શ્રીધરનજી આપની પ્રતિભા તો ઊંચી છે પણ કોંગ્રેસના ભાઈઓની નથી. અહીં ગુજરાતમાં તો જે કોંગ્રેસી નેતાઓની પ્રતિભા ઊંચી હતી એ કૂદકો મારી ગયા. હવે બાકીના જીતતા નથી.

તો ચાબુક કેરળમાં 140 સીટો પર ચૂંટણી થવાની છે અને આ વખતે ગમે તે ભોગે ભાજપને દક્ષિણનું એક રાજ્ય જોઈએ છે. આ એ વિસ્તાર છે ચાબુક જ્યાં હજુ સુધી ભાજપનો ભગવો નથી લહેરાયો. કમળ નથી ખીલ્યું અને એમને લાગે છે કે વિકાસેય નથી થ્યો!!  એમાં શ્રીધરનને સાથે રાખે અને ભગવો લહેરાવાય જાય તો પછી થઈ રહ્યું.

50 ટકા આરક્ષણનો દાવ

આ બાજુ ચાબુક આસામમાં જ કોંગ્રેસે નવો દાવ અજમાવ્યો છે. કોંગ્રેસનું મહાગઠબંધન સત્તામાં આવે છે તો આ લોકો મહિલાઓને 50 ટકા આરક્ષણ આપશે. આ અંગે આસામ કોંગ્રેસના પ્રમુખ સુષ્મિતા દેવ કહે છે કે, આસામમાં હવે મહિલાઓ પણ નોકરીઓ કરશે. અર્થવ્યવસ્થામાં પોતાનું યોગદાન આપશે. વાત તો સાચી પણ કોંગ્રેસ જેટલા મોટા વાયદાઓ કરે છે એટલી ઓછી સીટ આવે છે. આ દુર્ઘટના ઉપર ઠંડુ પાણી રેડવા માટે એમણે હવે ચિંતન શિબીરો કરી નાખવી જોઈએ.

રહેવા લાયક

ચાબુક તને તો ખબર છે કે દુનિયાનો છેડો એ ઘર હોય અને હવે તો આખુ ગામ બસ એક જ વાતું કરતું હોય છે કે, ઓલા મેગા સિટીમાં રહ્યા હોય તો કેવું લાગે ? વા રેઈ તો કેવું લાગે ? એને કયે પેલા ગામડે ર્યો એટલે પોદરો શું એની તમને ખબર પડે. આ જોઈ લ્યો.

Podara

હવે ચાબુક મૂળ મુદ્દા ઉપર આવું. ઈઝ ઓફ લિવિંગે રહેવા લાયક કેટલાક શહેરોની લિસ્ટ બહાર પાડી છે. જેમાં આપણું અમદાવાદ ત્રીજા નંબર પર છે. ગુજરાતમાંથી જ સુરત પાંચમું અને વડોદરા આઠમું શહેર છે. પહેલા નંબરે તો દેશમાં સૌથી ઓછી વસતિ ધરાવતું અને જેની માંડ એકાદ બે ઘટનાઓ આપણને સમાચારમાં વાંચવા મળે છે એ શિમલા છે.

‘હા હો ગોવાબાપ મેં પણ કોઈ દિવસ નથી સાંભળ્યું કે ફલાણો નેતા શિમલાની મુલાકાતે.’

‘કદાચ એટલે જ નંબર વન શહેર છે!!’

આ રીતે જ ટોપ મ્યુનિસિપાલિટીમાં પણ ગુજરાતના ઉપર જણાવ્યા એ ત્રણ શહેરો જ આવ્યા છે. ખાલી ફરક એટલો છે કે એ શહેરોના ક્રમમાં ફેરફાર આવી ગયા છે. જેમ કે સુરતે બીજા નંબરે છલાંગ મારી દીધી છે. અમદાવાદ છઠ્ઠુ અને વડોદરા દસમું. બાકી હું તો ઓલી જીન્સવાળી બેનનો ફોટો જોઈને ખાલી એટલું જ કઉં કે મુંમ્બઈ જેવા મહાનગરમાં ભલે ર્યો પણ કોક‘દિ ગામડા બાજુ તમારું ડાચુ દેખાડતાં જાવ. બાકી આવતે વખતે બકરીની લીંડીયુ જોહો તો એમ લાગશે કે આ તો નાના છોકરાઓને રમવાની ઠેરી છે. હાલ લે ફોટો પાડી લઉં.

સંધુય સારું ય નથી

હે ચાબુક ઉપર જેમ દેશમાં રહેવા માટેની સારી જગ્યા ગુજરાતની અમદાવાદ છે તેમ હેરાનગતિવાળી જગ્યા પણ અમદાવાદ જ છે. ગઈકાલની વાત તો તને ખબર જ હશે કે વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારે આત્મહત્યા કરી. એ આત્મહત્યા પછી આજે આવેલા આંકડા જોઈશ તો તને ખ્યાલ આવશે કે મહાનગરો તો ક્રાઈના હબ બની ગયા છે હબ.

આપણી ગુજરાત સરકારે જ વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ગુજરાતમાં દરરોજની 20 આત્મહત્યા, 4 કરતાંય વધુ બળાત્કાર, 30 જેટલી ચોરી થાય છે. જ્યારે દરરોજના 57 જેટલાં અપમૃત્યુ અને 37 લોકો આકસ્મિક રીતે મોતને ભેટતા હોવાનું સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યું છે. આ સિવાય વ્યાજખોરોના ત્રાસથી પણ મોતના બનાવો ખૂબ જ બની રહ્યા છે.

હવે હું તો કઉં ચાબુક કે જ્યાં માણહ સારા હોય અને ર્યો ને તો સંધુય સારું જ છે. બાકી આપમાં જ ભરીભરીને ગરોળિયું ભઈરી હોય, તો પછી સ્વર્ગમાં ર્યો તો ન્યાંય બધાયને હેરાન જ કરો. હાલો તયે મળીએ.

(રોજ વાંચો વડીલ પત્રકાર ગોવાબાપાની કલમે સમાચાર)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments