Homeગુર્જર નગરીઆજે ગુજરાતના આ બે મહત્વના વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી

આજે ગુજરાતના આ બે મહત્વના વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી

Team Chabuk-Gujarat Desk: દક્ષિણનાં કેરળમાં અને બાદમાં તમિલનાડુથી ઉત્તર ભારતના રાજ્યોમાં મેઘરાજા મંડી પડ્યા છે. હવે ગુજરાતમાં ક્યારે ધોધમાર વરસાદ પડે અને જનતાને ખુશ કરી દે, તેની જનતા ચાતક નજરે રાહ જોઈ રહી છે. આ પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજાએ ટી-ટ્વેન્ટી ઈનિંગ રમી આ વર્ષે વરસાદ કેવો રહેશે તેની આછેરી ઝલક આપી દીધી હતી.

ગુજરાતના મોટાભાગના વિસ્તારો પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં મેઘરાજાના આગમનનાં સાક્ષી બન્યા હતા. ત્યારે હવે ગુજરાતમાં 16 જૂન સુધીમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પણ તારીખ 13 અને 14નાં રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 16 તારીખથી સંપૂર્ણ ગુજરાતમાં મેઘો મંડાશે.

આ અંગે હવામાન વિભાગે માહિતી આપી છે કે ગુજરાતના 21 જિલ્લાઓમાં 2થી 5 ઈંચ વરસાદ પડી શકવાની સંભાવના છે. તો આજે ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં જ્યાં વરસાદ પડવાનો છે તે વિસ્તારો પર નજર કરીએ તો અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર પર મેઘરાજા હેત વરસાવશે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીનાં મહત્ત્વના નગરો જેવા કે દીવ, ગીર-સોમનાથ, અમરેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિતના વિસ્તારો અસહ્ય ગરમી અને ઉકળાટનાં કારણે ચિંતિત છે. ગઈકાલે પણ ભારે ગરમીએ અમદાવાદના શહેરીજનોને ત્રસ્ત કરી દીધાં હતાં. જેથી તેઓ પણ વરસાદના આવવાની અને અસહ્ય બફારાથી છૂટકારો મેળવવાની આશ લગાવીને બેઠા છે. અમદાવાદ સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ ઉનાળાનું સામ્રાજ્ય બરકરાર છે. ત્યારે હવે આજે મેઘરાજા આ વિસ્તારોમાં પધરામણી કરી શાતા આપે છે કે નહીં તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments