Homeગુર્જર નગરીવલસાડઃ આ છે સગીરાનું અપહરણ કરીને જંગલમાં ફરાર થનારો આરોપી, પોલીસને 50...

વલસાડઃ આ છે સગીરાનું અપહરણ કરીને જંગલમાં ફરાર થનારો આરોપી, પોલીસને 50 કલાક હંફાવી

Team Chabuk-Gujarat Desk: વલસાડમાં સગીરાનું અપહણ કરીને જંગલમાં લઈ જનારા આરોપી સુનિલ પટેલ અને તેના સગીર સાગરીત ઝડપાયા છે. શાતિર આરોપી અને તેના સાથીએ વલસાડ પોલીસને ૫૦ કલાકથી વધુ સમય સુધી હંફાવ્યા બાદ તે ઝડપાયા છે. આરોપીને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસના ૧૫૦થી વધુ જવાનો, ૧૫ અધિકારીઓ અને ૪૦૦થી વધુ ગ્રામજનો જાડાયા હતા. ૪૦થી વધુ બાઈક સહિતના કાફલાએ ૫૦ કલાક સુધી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સુનિલ પટેલનો સાથ આપનારો આરોપી ઘટના દિવસે 18 વર્ષથી 1 દિવસ જ નાનો હતો. જેથી કાયદાની નજરમાં સગીર હોવાથી કાયદાના ગાળિયામાંથી તે બચી ગયો છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગત શુક્રવારે આરોપી સુનિલ મામાના પરિવાર પર જીવલેણ હુમલો કરી લગ્ન કરવાના ઈરાદે મામાની સગીર દીકરીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ સગીરાની માતા અને તેના કાકાને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા.

બનાવની જાણ થતાં જ પારડી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આરોપી સુનિલ પાસે તીક્ષ્ણ હથિયારો હોવાથી સગીરાનો જીવ જોખમમાં હતો. જેથી વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઓપરેશનમાં જોયા હતા.

આરોપી સગીરાને ગામના છેવાડે આવેલા જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો. તેને શોધવા વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ મળી ૧૫૦થી વધુ પોલીસ કર્મીઓની ટીમ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે શોધખોળ કરવા પોલીસે નાઈટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. વહેલી સવારે પોલીસને માત્ર સગીરા મળી હતી. બીજી તરફ સુનિલની શોધખોળ યથાવત હતી. જેથી પોલીસે વાડી અને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. અંતે સોમવારે સવારે વલસાડ પોલીસે આરોપી સુનિલ અને તેના સગીર સાગરીતને ઝડપી લીધા હતા. સાથે જ પોલીસે તેની પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર પણ કબજે કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, બંને પરિવારને છેલ્લા એક વર્ષથી આરોપી સુનિલના મનસુબા અંગે જાણ હતી. ભોગ બનનારી સગીરાના પરિવારજનો સમાજમાં લોકલાજ જવાના ડરે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી ન હતી. છેલ્લા એક વર્ષથી તે વારંવાર ધમકી પણ આપતો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમા સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બન્યો છે. જેમાં આરોપીએ જાહેરમાં ગ્રીષ્માનું ગળુ કાપી નાખ્યું હતું. આ ઘટનામાં પણ આરોપી ગ્રીષ્માને હેરાન કરતો હતો પરંતુ તેમના પરિવારે પોલીસને જાણ ન હતી કરી. આ ઘટના બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નાગરિકોને અપીલ કરી હતી કે આવી ઘટનામાં પરિવારે આગળ આવવું જોઈએ. જો પરિવાર ફરિયાદ નોંધાવશે તો પોલીસ કાર્યવાહી કરી શકશે જો પોલીસ સુધી મામલો જ નહીં પહોંચે તો પોલીસને કેવી રીતે જાણ થશે ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments