Homeગુર્જર નગરીસરકારનું પ્રસિદ્ધિ વિતરણઃ ગરીબોને રાશન વિતરણમાં રૂપાણી સરકાર પોતાનો પ્રચાર કરશે

સરકારનું પ્રસિદ્ધિ વિતરણઃ ગરીબોને રાશન વિતરણમાં રૂપાણી સરકાર પોતાનો પ્રચાર કરશે

Team Chabuk-Gujarat Desk: વિજય રૂપાણી ગુજરાતની ગાદી પર બિરાજમાન થયાને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પાંચ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઓગસ્ટ મહિનામાં સુશાસન સપ્તાહની ઉજવણી થવાની છે. ત્યારે 3જી ઓગસ્ટના રોજ રાજકોટ જિલ્લામાં કૂલ 714 વાજબી ભાવની દુકાનો હેઠળના 25-25 લાભાર્થીઓને દુકાન નજીક આવેલી શાળા કે પંચાયત ગૃહમાં બોલાવીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું લાઈવ ઉદબોધન પરાણે સંભળાવીને નિઃશુલ્ક અનાજનું પ્રતિકાત્મક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતની રૂપાણી સરકાર ગરીબોને પોતાના હકનું રાશન વિતરણ કરવામાં પણ પોતાના પ્રચારની ભૂખ સંતોષવા તત્પર બની છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કોરોનાકાળમાં થતું આવેલું ઘઉં-ચોખાનું વિનામૂલ્યે વિતરણ દિવાળી સુધી ચાલુ રહેવાનું છે. પરંતુ પોતાનો ઢંઢેરો પીટવામાં માહેર સરકારે તેને પણ સુશાસન સપ્તાહની ઉજવણીમાં ભેળવી દીધું છે.

સરકારે આ માટે દરેક જિલ્લા પુરવઠા કચેરીઓને સૂચનાઓ મોકલી છે અને સમગ્ર કાર્યક્રમ કઈ રીતે ગોઠવવાનો છે તેની માહિતી આપી છે. આ સૂચનાઓ પ્રમાણે સૌ પ્રથમ દુકાન દીઠ 25 લાભાર્થી પસંદ કરીને તેઓની યાદી પુરવઠા નિયામકને 29 જુલાઈની સાંજ સુધીમાં મોકલી આપવી. ત્યારબાદ બાયસેગ સાથે જોડાયેલ કનેક્ટિવિટી અને ટેલિવિઝનની ઉપલબ્ધીને ધ્યાને લઈ જે-તે ગામ અને શહેરમાં વાજબી ભાવની દુકાન નજીક શાળા કે પંચાયત ઘરની પસંદગી કરવી. ત્યાં 25 લાભાર્થી અને 25 સ્થાનિક પદાધિકારી-આગેવાનો હાજર રહેશે. સૌની હાજરીમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીની ઉદઘોષણાનું પ્રસારણ થશે અને પછી જ દુકાન દીઠ 25 લાભાર્થીઓને અનાજ વિતરણ કરવું. અનાજ બેગમાં આપવું. બેગ અને બેનર ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ ફાળવશે. આ સૂચના તમામ જિલ્લા પુરવઠા કચેરીઓને આપી દેવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, એનએફએસએના તમામ લાભાર્થી રાશન કાર્ડ ધારકોને માસિક વિતરણ માટે નિગમના ગોડાઉન પરથી રાશનની દુકાનો સુધી આટલા દિવસોમાં જથ્થો પહોંચાડવો શક્ય નથી પરંતુ દરેક દુકાન દીઠ 25 ટકા જથ્થો મોકલી આપવા માટે નિગમે આજથી જ વાહનો દોડાવવાના શરૂ કરી દીધા છે. ઘણી જગ્યાએ જુલાઈમાં થોડા લાભાર્થીઓ બાકી હોય તો તેઓને 3 ઓગસ્ટ સુધી અનાજ માટે રાહ જોવડાવવામાં આવી રહી છે.

ભાજપ દ્વારા અનાજ ભરવાની થેલીઓ થોડી ઘણી આપ્યા બાદ હવે સરકારી યોજનામાં સરકારના પ્રચાર જેવી થેલી પણ સરકાર આપશે અને દર મહિને મોકલવામાં આવતા ફ્લેક્સ બેનર ઉપરાંત 3 ઓગસ્ટ માટે નવા બેનર પણ પ્રજાના ખર્ચે છપાવવામાં આવશે. અહીં મહત્વની વાત એ છે કે 3જી ઓગસ્ટના રોજ સરકાર દ્વારા ભપકાદાર કાર્યક્રમ કરીને જે અનાજનું વિતરણ કરવામાં આવનાર છે તે કોઈ વધારાનું અનાજ વિતરણ નથી. આ વિતરણ દર મહિને લાભાર્થીઓને કરાતું જ હોય છે. પરંતુ વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાતા સુશાસન સપ્તાહની ઉજવણીમાં આ અનાજ વિતરણ વ્યવસ્થાને ઘુસાડીને સરકાર પ્રચારનો લાભ ખાટવાના પ્રયત્નો કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments