Team Chabuk-Gujarat Desk: 24મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતની મહિલા વોલીબોલ ટીમ ચેમ્પિયન બની છે. ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ફાઈનલમાં કેરળની ટીમને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. મહત્વની વાત એ છે કે ફાઈનલમાં વિજેતા બનેલી ગુજરાતની મહિલા વોલીબોલની ટીમમાં સાત મહિલા ખેલાડીઓ તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના છે. અને ટીમના કોચ તરીકે એક સમયે ભારત તરફથી રમેલા ગીર સોમનાથ જિલ્લાના પરિતાબેન વાળાએ ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું.
મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લાનું સરખડી ગામ વોલીબોલના ખેલાડીઓની પાઠશાળા માનવામાં આવે છે. ગામના યુવાનોએ વોલીબોલની રમતમાં જાણે મહારત હાંસલ કરેલી છે. ત્યારે નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં વિજેતા થનારી ગુજરાતની મહિલા વોલીબોલ ટીમમાં સરખડી ગામની સંધ્યા રાઠોડ (કેપ્ટન), ઉષા વાળા, દિશા વાળા, નિરાલી વાળા, પ્રિયંકા ઝાલા અને મનીષા ઝાલા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવામાં મહત્વની ભૂમિક ભજવી હતી. સાથે જ સિંધાજ ગામની બારડ નીપાએ પણ ગુજરાતનું નામ રોશન કર્યું. આમ, ગીર સોમનાથ જિલ્લાની સાત ખેલાડીઓ ગુજરાત રાજ્યની ટીમમાં રમી હતી. આમ, ગુજરાતના ચેમ્પિયન બનાવવામાં ગીર સોમનાથ જિલ્લાનુ ખૂબ મોટુ યોગદાન રહ્યું હતું.
ટીમના કોચ રહેલા પરિતાબેન વાળાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં કોરોના કાળ દરમિયાન પુરતી પ્રેક્ટિસ કરી શક્યા ન હતા. પરંતુ ઘણા ખેલાડીઓ અમારા ગામના એટલે કે, સરખડીના હોવાના કારણે એક સાથે પ્રેક્ટિસ કરતા હતા તેથી એક અદભૂત કોમ્બિનેશન અને તાલમેલ જોવા મળ્યો છે. જે વોલીબોલમાં સફળ થવા માટે ખૂબ અગત્યનું હોય છે. જોકે વોલીબોલમાં સરખડી ગામના ખેલાડીઓનો દબદબો રહ્યો છે. આ ટીમે કોઈને આશા ન હતી તે આ રીતે ફાઇનલ મેચમાં મજબૂત ગણાતી કેરલની ટીમને પણ 3-0 સજજડ પરાજય આપશે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતનું એકહથ્થુ પ્રભુત્વ જોવા મળ્યું હતું. તેમ કોચ પરિતાબેન વાળાએ ઉમેર્યું હતું.

જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયાએ જણાવ્યું કે, આ જીત દીકરીઓની સખત મહેનતનુ પરિણામ છે. દિવસ –રાત પ્રક્ટિસ કરીને કોરોનાકાળ દરમિયાન પણ પોતાની ફિટનેસ જાળવી રાખી હતી. આમ પણ સરખડી ગામને વોલીબોલનુ હબ માનવામાં આવે છે, તે મુજબ અહિંયાથી ઘણાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વોલીબોલના ખેલાડીના નીકળ્યાં છે. સાથે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રમતવીરોને પણ આજે એટલો જ સહયોગ અને પ્રોત્સાહન મળી રહ્યો હોવાથી ગુજરાતે ઇતિહાસ રચ્યો છે.
જિલ્લા વ્યાયામ મંડળના પ્રમખ વરજાંગ વાળાએ જણાવ્યું કે, ગુજરાતે ઈતિહાસ પહેલીવાર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ પહેલાં ગુજરાતે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમાં પણ ગુજરાતની આ જીતમાં ગીર સોમનાથ જિલ્લાનુ મહત્વનું યોગદાન રહ્યું છે. રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિ, શક્તિદૂત યોજના, રમત ગમત માટે સવલતો, સહિત બાબતોથી ખેલાડીઓનુ મનોબળ વધ્યું છે. તેના પગલે આ જવલંત સફળતા મળી રહી છે. ચંડીગઢ ખાતે રમાયેલી જૂનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતે એકતરફી જીત મેળવી હતી. આ ચેમ્પયનશિપનું મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં તા. 10 મે થી 15 મે દરમિયાન આયોજન કરાયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
