Team Chabuk-Gujarat Desk: 18થી 45 વર્ષની વયના લોકોને જ્યારે વેક્સિન આપવાની જાહેરાત થઈ ત્યારે સામાન્ય લોકો માટે વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો પણ અઘરો થઈ પડ્યો હતો. ક્યાંય પણ વેક્સિનનો સ્લોટ ખાલી નહોતો મળી રહ્યો. લોકો આખો દિવસ વેક્સિનનાં સ્લોટ માટે ઓનલાઈન મથામણ કરતા હતા પણ કંઈ હાથમાં નહોતું આવતું. વાગ્યું તો તીર નહીંતર થોથા જેવું.
એ પછી એપોલો હોસ્પિટલે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની સાથે હસ્તધૂનન કરી માલેતુજારો માટેની ડ્રાઈવ થ્રૂ વેક્સિન યોજના અમલમાં મૂકી. કારના થડાના થડા લાગી ગયા. ભલે માલેતુજારો હોય પણ લાઈનમાં તો એ પણ ઊભા રહ્યા હતા, ભલે કારની અંદર. જોકે વિવાદ એ છે કે ઘરમાં જઈ વેક્સિન આપવાની તંત્ર દ્વારા તો કોઈ વાત થઈ જ નથી. તો પછી ગુજરાતનાં લોકપ્રિય ગાયિકા ગીતાબહેન રબારીને વેક્સિન ઘરે કેવી રીતે મળી ગઈ?

ગુજરાતના ડાયરાનાં કલાકાર એવા ગીતાબહેન રબારીને ઘરે વેક્સિન અપાતા વિવાદ થયો છે. ગીતા રબારી ઘરમાં બેસી વેક્સિન લેતા હોય તેવી તસવીરો વાઈરલ થઈ છે. જેમાં સરકારી આરોગ્યકર્મી ગીતાબહેન રબારીને ઘરમાં જઈ વેક્સિન આપી રહ્યા છે. સાથે જ ગીતાબહેનનાં પતિને પણ ઘરમાં જ વેક્સિન આપવામાં આવી છે.

સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સેલિબ્રેટી હો તો શું ઘરમાં બેસી વેક્સિન મેળવી શકો? કારણ કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જે તે સ્થળ પર જઈ વેક્સિન લીધી હતી. સલમાન ખાનથી લઈને સૈફ અલી ખાન જેવા લોકપ્રિય અભિનેતાઓએ પણ જે તે સ્થળ પર નિયમ અનુસાર વેક્સિન લીધી જ છે. આ વિવાદ સામે આવ્યા બાદ કચ્છ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને DDOએ આરોગ્યકર્મીને નોટીસ પાઠવી આ અંગેનો ખુલાસો માગ્યો છે.
અહીં સવાલ એ પેદા થઈ રહ્યા છે કે આરોગ્યકર્મીને તો કોઈએ કહ્યું હશે ત્યારે તેઓ આવ્યા હશે. તો આ કહેનાર ને મોકલનાર કોણ છે? કારણ કે આરોગ્યકર્મીએ તો પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. અત્યારે તો સમગ્ર ઘટનામાં કેન્દ્રસ્થાને કારણ વિનાના આરોગ્યકર્મી આવી ગયા છે, પણ જેમણે વેક્સિન લીધી એમણે સમજવું જોઈએ કે ઘરે વેક્સિન લેવાતી નથી. જે તે સ્થળ પર જવું પડે છે. આરોગ્યીકર્મીએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હવે વેક્સિન લેનાર કંઈ કહે તેની પ્રતીક્ષામાં.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત