મયૂર ખાવડુ: અમદાવાદના લાલ દરવાજે આવેલી મીઠાઈની એક દુકાન તરફ બે નવલકથાકારો મંથર ગતિએ જઈ રહ્યાં હતાં. એમના દેખાવ પરથી લાગતું હતું કે અગાઉ બંનેએ કવિતા રચ્યાનું સાહસ કર્યું હોવું જોઈએ. બંનેની આંખે ચશ્મા હતા. બંનેએ રાજસ્થાનથી ખરીદેલું ટીશર્ટ પહેર્યું હતું! એમનાં પગ પહેલા એમની ફાંદ પેશકદમી કરતી હતી. બંને દુકાને મીઠાઈ ખાવા ગયા. આ પહેલા છેલ્લી એક કલાક સુધી ભદ્રનાં કિલ્લામાં હું મોટો નવલકથાકાર-હું મોટો નવલકથાકાર આવો ઝઘડો કર્યા હતો. એકબીજાની કૃતિઓની કડક શબ્દોમાં આલોચના કરી હતી. આખરે થાક્યા પછી બંને સંઘર્ષની પતાવટ માટે અહીં આવેલા હતા. મારા ઓળખીતા એ બંને નવલકથાકારોને દુકાનદારે એમની જ નવલકથાનાં કાગળમાં મીઠાઈ પીરસી હતી અને એ બંનેએ દુકાનદારને પૈસા આપતા ઊંચા અવાજે કહેલું, ‘મીઠાઈમાં મજા નથી આવતી.’ અને દુકાન પર ઊભેલી ચીક્કાર ભીડ વચ્ચેથી રસ્તો કરેલો! જે દુકાનની મીઠાઈ ખૂબ જ લોકપ્રિય છે.
મારા એક સામાયિકના સંપાદક મિત્ર મને વારંવાર વિનવણી કરતાં હતાં કે તમે નવલકથા લખી આપો. હું પ્રગટ કરીશ. મારા જ નામનું રટણ કરવા પાછળનું કારણ એ હતું કે હું મિત્ર ભાવે થઈ તેમને મફતમાં લખી આપેત. એ મિત્ર સાથે મારે ભાગ્યે જ ચર્ચા થતી હતી. મોહે-જો-દડો કેટલું જૂનું છે તોય ભણવામાં આવે છે ને? બસ, આમ જ કેટલાક પ્રાચીન મિત્રો મફતમાં કામ કઢાવવા ફોન કરે છે અને હું કામ કરી પણ આપું છું.
એમણે આજીજી કરી એટલે મને જેટલું અને જેવું આવડતું હતું એ રીતે ભારે ઉદ્યમ કરી નવલકથા લખી નાખી. એ નવલકથા લખતા મને કેટલો સમય લાગ્યો એ પૂછતા નહીં, કારણ કે નવલકથાનું અંતિમ પ્રકરણ પૂર્ણ થયું અને હું તેમને આખો થોથો આપવાનો જ હતો ત્યાં મને એ વાતની જાણકારી મળી કે સામાયિક બંધ થઈ ગયું છે.
આ રસપ્રચૂર ઘટના પર મારો સંપાદક મિત્ર મને ભારપૂર્વક કહે, ‘હવે આગામી કોઈ સામાયિકમાં જોડાવ એટલે તારી આ નવલકથા ત્યાં જ છાપું. તું ય તે યાદ કરીશ કે કેવો પ્યારો મિત્ર મળેલો.’
મેં પ્રત્યુતર વાળ્યો, ‘એવું ભયંકર પાપ કરવાનું રહેવા દે. બની શકે કે મારી નવલકથા ત્યાં પ્રગટ થયા બાદ તને સંસ્થા દ્વારા વહેલો છુટ્ટો કરી દેવામાં આવે, કારણ કે મારો સામાયિકમાં લખવાનો રેકોર્ડ ખૂબ ખરાબ છે. મારા લખ્યા પશ્ચાત ઘણા પત્રકારો અને તંત્રીઓને અકાળે નિવૃત્તિ લેવી પડી છે.’
આપણે ત્યાં હવે નવલકથા લખવાનો ટ્રેન્ડ ધીમે ધીમે ઓનલાઈન તરફ ફંટાય ગયો છે. અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઈટ કરતાં પણ મોટો કચરો ત્યાં ઠલવાય છે અને તંત્ર તેની દરકાર સુદ્ધા લેતું નથી. નહીં તો શું એ જમાનો હતો કે કોઈ ગ્રંથાલયના સામાયિકમાં અઠવાડિક નવલકથાનાં ત્રણ પ્રકરણ વાંચ્યા પછી આપણે માથે કાળા કલરની બોલપેનથી લખી નાખતા કે, ‘આ નવલકથામાં તો શીંગ-ચણા પણ ન વેચાઈ. છાપનારો મૂરખો લાગે છે કે આવી નવલકથા છાપે છે.’ કેટલાક બુદ્ધિજીવી વાચકોને માણસોના સમયની ખૂબ ચિંતા હોય છે. તેઓ ખરાબ પુસ્તકની ઉપર લખી નાખે છે કે, ‘જીવનાં જોખમે વાંચવી. આ વાંચ્યા પછી મને બે દિવસ તાવ આવી ગયો હતો.’ ધીમે ધીમે આ પ્રજાતિ પણ લુપ્તતાની કગાર પર આવીને ઊભી રહી ગઈ છે.
અમારા એક નવલકથાકાર મિત્રને લાંબી લાંબી અને જાડી નવલકથાઓ લખવાની આદત હતી. કોઈ પ્રકાશિત નહોતું કરતું એ બીજી વાત, પણ તેઓ એ પ્રતિજ્ઞા લઈને લખી રહ્યાં હતાં કે ભવિષ્યમાં મારી જ જાડી નવલકથા મારા જ માથે પડે અને હું ગુજરી જાઉં એવું સૌભાગ્યશાળી નિધન મને જોઈએ છીએ. એમનું બાદમાં નિધન થયેલું. કેવી રીતે? ચોર એમના ઘરે ધાડ પાડવા હેતુસર ઘુસ્યો. કંઈ ન મળતા તેમણે લખેલી નવલકથા લઈ ગયો. નવલકથા કોઈ ચોરી ગયું છે એ વિષાદમાં જ સવારમાં એમને હ્રદયરોગનો હુમલો આવી ગયો અને એ ગુજરી ગયા. લેખકે મહેનત કરેલી એટલે ધ્રાસકો સહન ન કરી શકે એ સમજી શકાય, પરંતુ બિચારા પેલા ચોરને નવલકથાનું પ્રથમ પ્રકરણ વાંચ્યા બાદ જ હ્રદયરોગનો હુમલો આવી ગયો. નવલકથાકાર તો ગુજરી ગયા પણ ચોરને સાથે લેતા ગયા. મારો તર્ક છે કે બંને નર્કમાં હશે. લેખક આટલી ખરાબ નવલકથા લખ્યાંના પાપમાં અને પેલો ચોર ચોરી કરવાના ગુનામાં નહીં, પણ આટલી ખરાબ નવલકથા વાંચવાની ભૂલ કરી તેના પાપમાં.
મારા એક મિત્ર જેમની સામાજીક નવલકથા પ્રગટ થવું થવું થતી હતી તેમને મેં વિનોદ ભટ્ટે સંપાદિત કરેલ જ્યોતીન્દ્ર દવેના હાસ્યનિબંધો પરની એક ચોપડી વાંચવા આપી હતી. મારો ઉદ્દેશ્ય એટલો જ કે વાચકનો પણ હવાફેર થવો જ જોઈએ અને તે હાસ્યનો હોય તો તેનાથી સારું કાંઈ નહીં. એ મિત્ર ત્રણ દિવસ પછી મારી પાસે આવ્યો અને મને 112 નંબરનું પાનું કાઢી કહે, ‘‘જ્યોતીન્દ્રએ હું નવલકથા કેમ નથી લખતો? નામના નિબંધમાં નવલકથાકારો છાપે ચડેલા તેની એક ફકરામાં વિગત આપી છે. ‘પાટણની પ્રભુતા’માં શ્રી મુનશીએ એક જૈન સાધુને ખટપટિયો ચીતર્યો ને જૈન કોમમાં ખળભળાટ મચી ગયો. નર્મદ વિશે લખતાં શ્રી વિશ્વનાથ ભટ્ટે વૈષ્ણવ મહારાજ વિશે કંઈ લખ્યું ને વૈષ્ણવોની લાગણીને આઘાત પહોંચ્યો. શ્રી પન્નાલાલ પટેલે મળેલા જીવમાં ઘાંયજાની સ્ત્રીને નાયિકા તરીકે આણી છે તે સામે ઘાંયજાની ન્યાતે મળીને રીતસર ઠરાવ કર્યાના સમાચાર વર્તમાનપત્રોમાં થોડા જ સમય પર પ્રસિદ્ધ થયા હતા.’’
એમનો કહેવાનો ઉદ્દેશ્ય એ જ હતો કે મારી નવલકથા પણ વિવાદિત બને. મેં એમને જવાબ આપ્યો, ‘ગુજરાતીની નવી લખાતી નવલકથાઓમાં વિવાદનું ધોરણ બાદબાકીમાં આવે છે. તમારી નવલકથામાં આવી કોઈ જ્ઞાતિ ખરી જો હોય તો કહો હું છાપામાં તમારા વિશે ભરીભરીને વિવાદિત લખી નાખું અને તમારી નવલકથા વેચાય પણ અને વંચાય પણ.’
તેણે હકારમાં માથું ધુણાવ્યું અને મેં છાપામાં બધી જ્ઞાતિઓ વિશે નવલકથામાં ખરાબ ચિત્રણ કર્યાનું લખી નાખ્યું. બીજા દિવસે તમામ જ્ઞાતિઓએ એ પુસ્તક ન ખરીદીને વિરોધ નોંધવવાનું નક્કી કર્યું.
એક જગ્યાએ તો યુવા નવલકથાકારોનું ભાષણકાર્ય રાખવામાં આવ્યું હતું. એમાંથી એક યુવા નવલકથાકારે સામે બેઠેલા અનુભવી સાહિત્યકારોને જણાવ્યું કે, ‘નવલકથા લખવા માટે કમ સે કમ પાંનસો નવલકથા વાંચવી પડે.’ જોકે મારે દુ:ખ સાથે કહેવું પડે કે એમણે તો વાંચ્યા વિના જ લખી નાખી હતી. એમને ઈનામ પણ મળેલું હતું. ઈનામ મળ્યાના ત્રીજા દિવસે યુવા સર્જક ગંગારામ મારા ઘરે આવ્યા. તેઓ પણ હમણાં હમણાં નવલકથાના રવાડે ચડ્યા હતા.
ગર્જના કરતા કહે, ‘મિત્ર મારે એવું શું કરવું જોઈએ કે મને પણ પેલા નવલકથાકારની જેમ ઈનામ મળે? મારે પાંનસો નવલકથા વાંચવી જોઈએ? મારે નવલકથા પર લખાયેલા વિવેચનનો પણ અભ્યાસ કરવો જોઈએ? મારે પુન:લેખન વધારવું જોઈએ. શું કરવું જોઈએ?’
મેં એમને અધ્યક્ષ સાથે મિત્રતા કેળવવાનું કહ્યું. આજે ગંગારામ પાસે પણ શ્રેષ્ઠ નવલકથાકારનો પુરસ્કાર છે. અને તે આ રીતે જ ઘણા પારિતોષિકો જીતી ચૂક્યો છે. હમણાં તેની નવલકથા પરથી ફિલ્મ પણ બનવાની છે.
~ મયૂર ખાવડુ
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત