Homeવિશેષવડાંપાઉનો ઈતિહાસ: વાત એ વ્યક્તિની જેને એક ઉતાવળિયા ગ્રાહકે વડાંપાઉની શોધ કરવાની...

વડાંપાઉનો ઈતિહાસ: વાત એ વ્યક્તિની જેને એક ઉતાવળિયા ગ્રાહકે વડાંપાઉની શોધ કરવાની પ્રેરણા આપી દીધી

Team Chabuk-Special Desk/દાવતે-ચાબુક: મુંબઈમાં રહેતાં સતત વ્યસ્ત લોકોના જીવન સાથે જો કંઈ જોડાયેલું હોય તો તે વડાંપાઉ છે. મુંબઈની ભીડવાળી જગ્યાઓ, લોકલ ટ્રેનમાં કે પછી રસ્તા પર ચાલતા ચાલતા જ લોકો તમને વડાંપાઉની લીજ્જત માણતા જોવા મળી જાય. એવું કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી કે વડાંપાઉ દરેક મુંબઈકરના ઈમોશન સાથે જોડાયેલું છે. સવારે કામ પર જતી વખતે, બપોરે કે કામ પરથી પરત ફરથી વખતે વરલી, બરેલ, દાદર રેલવે સ્ટેશન વિસ્તારોમાં વડાંપાઉ-વડાંપાઉની બૂમો આજે પણ સંભળાય છે. મુંબઈના શોરબકોરમાં વડાંપાઉ…. વડાંપાઉ શબ્દો કાને અથડાય છે અને વ્યક્તિને નજીક બોલાવે છે. વડાંપાઉ એમ જ મુંબઈના નામ સાથે જોડાયેલા નથી. સ્વાદમાં ચટપટા વડાંપાઉની પાછળ પણ એક ચટપટી કહાની છે. આ વડાંપાઉએ જ કેટલાય લોકોના પેટની આગ ઠારી છે અને કેટલાય પરિવારને પણ સંભાળ્યો છે.

વડાંપાઉ પહેલીવાર ક્યારે બન્યું ?

1966માં વડાં+પાઉ વડાંપાઉ બની ગયા. વડાંપાઉને તેની ઓળખ આપી અશોક વૈદ્ય નામના એક મુંબઈકરે. જેઓનો દાદર રેલવે સ્ટેશન પર નાસ્તાનો સ્ટોલ હતો. પહેલાં ફક્ત તેઓ વડાં વેચતા હતા. એક દિવસ બન્યું એવું કે, એક ગ્રાહક ઉતાવળમાં આવ્યો અને અશોક વૈદ્યને કહ્યું, મને વડું અને પાંઉ આપી દો હું રસ્તામાં જ ખાતો-ખાતો જતો રહીશ. અશોક વૈદ્યએ આ ગ્રાહકને વડું અને પાંઉ અલગ-અલગ આપી દીધા. ગ્રાહક જતો રહ્યો પણ આ આઈડિયા તેમના મગજમાં ઘૂસી ગયો. આ બાદ અશોક વૈદ્યએ પાંઉની અંદર વડું અને ચટણી નાખી ગ્રાહકોને આપવાનું શરૂં કર્યું. ગ્રાહકોને પણ આ નવી વાનગી પસંદ આવી. આમ, 1966માં વડું અને પાઉ વડાંપાઉ તરીકે ઓળખાવા લાગ્યા અને ત્યારબાદ ધીમે ધીમે તે મુંબઈની ઓળખ બની ગયા. અશોક વૈદ્યએ 8 જૂલાઈ 1998માં આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

બાલા સાહેબ ઠાકરે અને વડાંપાઉ

1980માં મુંબઈમાં ફેક્ટરી અને મીલો બંધ થવાની શરૂઆત થઈ. કેટલીય ફેક્ટરીઓ બંધ થતાં લોકો બેરોજગાર બન્યા. લોકો સામે મુંબઈમાં ટકી રહેવું અને પરિવારનું ગુજરાન ચલાવવું ખુબ મુશ્કેલ બન્યું. આવા સમયે વડાંપાઉ તેમના પણ કામ આવી ગયા. 1980માં મુંબઈ પર શિવસેનાનું પ્રભૂત્વ વધું હતું. શિવસેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેનું નામ સમગ્ર મુંબઈમાં ગૂંજતું હતું. બેરોજગાર બનેલા લોકોની મદદ માટે તેમણે ‘વડાંપાઉ’ ઝુંબેશ શરૂ કરી. આ ઝુંબેશમાં બાલા સાહેબ ઠાકરેએ વડાંપાઉને પ્રમોટ કર્યું. બેરોજગાર લોકોએ વડાંપાઉના ઠેર ઠેર સ્ટોલ ઉભા કર્યા અને શિવસેનાએ તેમને સપોર્ટ કર્યો. આમ, વડાંપાઉએ અનેક લોકોને રોજગારી પણ આપી હતી. થોડા સમય પહેલાં આવો પ્રયોગ કેન્દ્ર સરકારે પકોડા પર પણ કર્યો હતો જો કે, આ પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો. સમયની માગ સાથે મેચ ન થયો અને હાસ્યાસ્પદ નિવડ્યો.

વડાંપાઉની સાથે સચિનની યાદો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર મુળ મુંબઈના. એટલે સ્વાભાવિક છે તેમની સાથે પણ વડાંપાઉની યાદો જોડાયેલી હોય. માસ્ટર બ્લાસ્ટરને જીમ ખાના ચોકના વડાંપાઉ ખુબ પસંદ છે. સચિને આ ઉલ્લેખ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. જ્યારે સચિને પોતાની 35મી સદી પુરી કરી હતી ત્યારે તેણે વડાંપાઉ પાર્ટી કરી કરી હતી. સચિને પોતાના મિત્ર વિનોદ કામલી સાથે 35 વડાંપાઉ મંગાવ્યા હતા અને સેન્ચૂરી સેલિબ્રેટ કરી હતી.

ધીમે ધીમે હવે વડાંપાઉ ભારતના બર્ગર તરીકે ઓળખાવા લાગ્યું છે. વડાંપાઉને વધુ સ્વાદીષ્ટ બનાવવા તેના પર અવનવા પ્રયોગો પણ થયા છે. હાલ મુંબઈમાં અનેક પ્રકારના વડાંપાઉ મળે છે. મસાલા વડાપાંઉ, ફરસાણ વડાપાઉ, ચૂઢા વડાપાંઉ, ગ્રીલ્ડ વડાપાંઉની લીજ્જત લોકો રસ્તા પર લગાવેલા સ્ટોલ પર લેતા જોવા મળે છે. જો કે, અશોક વૈદ્યના સાદા વડાંપાઉની વાત જ કંઈક અલગ છે. એટલે જ 23મી ઓગસ્ટને વડાંપાઉ દિવસ તરીકે ઉજવવામા આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments