Team Chabuk-IPL Desk: ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં દસ વિકેટથી હરાવી સતત બીજી જીત પોતાના નામે કરી છે. શુભમન ગિલની 46 બોલમાં 84 રનની ઈનિંગની મદદથી પ્રથમ બેટીંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 171 રનનો લક્ષ્યાંક દિલ્હીને આપ્યો હતો. જવાબમાં દિલ્હી વીસ ઓવરમાં નવ વિકેટના નુકસાન પર 157 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી સુકાની ઋષભ પંતે સર્વાધિક 43 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી લોકી ફર્ગ્યુસને સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. તેણે બે વખત બે ઓવરમાં બે વિકેટ લઈ દિલ્હીને દબાણમાં રાખ્યું હતું. ફર્ગ્યુસનના આ પ્રદર્શનના સહારે તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી ગુજરાતની શરુઆત ખરાબ રહી હતી. સિઝનનો પ્રથમ મેચ રમી રહેલા મુસ્તફિઝુર રહમાને પ્રથમ ઓવરની ત્રીજી બોલમાં વિસ્ફોટક મેથ્યૂ વેડને એક રન પર આઉટ કર્યો હતો. વિજય શંકર 20 બોલમાં 13 રનની ધીમી ઈનિંગ રમી આઉટ થયો. મેચમાં ત્યાં સુધીમાં શંકર અને શુભમનની વચ્ચે 35 બોલમાં 42 રનની ભાગીદારી થઈ હતી. સુકાની હાર્દિક પંડ્યાએ શુભમનની સાથે મળી ગુજરાતની ઈનિંગને સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 47 બોલમાં 65 રનની ભાગીદારી કરી હતી.
14મી ઓવરમાં બોલર ખલીલ અહેમદે મેદાનમાં જાદુ પાથર્યો હતો અને ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હાર્દિકે 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. ખલીલે 18મી ઓવરની પ્રથમ બોલમાં શુભમન ગિલને આઉટ કર્યો. સતત બે બોલમાં ખલીલે બે વિકેટ લીધી અને તેના માટે હેટ્રીકનો ચાન્સ હતો. જોકે તેવતિયાએ ખલીલના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું.
આઉટ થતાં પહેલા શુભમન ગિલ ગુજરાત માટે પોતાનું કામ કરી ચુક્યો હતો. 46 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી તેણે 84 રનની ઈનિંગ રમી આઈપીએલ કરિયરની 11મી ફિફ્ટી ફટકારી હતી. રાહુલ તેવતિયા વીસમી ઓવરમાં આઠ બોલ પર 14 રન બનાવી આઉટ થયો. તેણે ઈનિંગમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. ડેવિડ મિલરે 15 બોલમાં 20 રન અને રાશિદ ખાન શૂન્ય પર નોટ આઉટ રહ્યો હતો. ગુજરાતે પોતાની ઈનિંગમાં વીસ ઓવરની પૂર્ણાહુતિ થતાં 171 રન બનાવ્યા. દિલ્હીની તરફથી મુસ્તફિઝુર રહમાને ત્રણ વિકેટ લીધી હતી. ખલીલને બે અને કુલદીપને એક વિકેટ મળી હતી.
172 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમની શરુઆત સારી નહોતી રહી. ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાએ દિલ્હીની ઈનિંગની બીજી જ ઓવરમાં ટિમ સિફર્ટને ત્રણ રન પર ઢેર કરી દીધો હતો. પાંચમી ઓવરમાં દિલ્હીની ટીમને સતત બે ઝટકા લાગ્યા હતા. આ ઓવરની પ્રથમ બોલ પર ગુજરાતના બોલર લોકી ફર્ગ્યુસને 10 રન પર પૃથ્વી શો અને પાંચમી બોલ પર 16 રને રમી રહેલા મંદિપ સિંહને આઉટ કર્યો.

લલિત યાદવ અને સુકાની ઋષભ પંતે દિલ્હીની ડામાડોળ થતી ઈનિંગને સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 41 બોલ પર 61 રનની ભાગીદારી કરી. લલિત યાદવ 12મી ઓવરમાં આઉટ થયો અને અહીંથી દિલ્હીના હાથમાંથી મેચ સરકતો દેખાઈ રહ્યો હતો. 12મી ઓવરમાં દિલ્હી કેપિટલ્સને ચોથો ઝટકો લાગ્યો હતો. ઈન ફોર્મ લલિત યાદવ 22 બોલ પર 25 રન બનાવી આઉટ થયો. 15મી ઓવરમાં ફરી એક વખત લોકી ફર્ગ્યુસન નામનું વાવાઝોડું આવ્યું અને ઓવરમાં બે ઝટકા આપ્યા. મેચમાં બીજી વખત એક જ ઓવરમાં ફર્ગ્યુસને બે વિકેટ ઝડપી. સુકાની પંત 29 બોલમાં 43 રન બનાવી આઉટ થયો જ્યારે પાંચમી બોલ પર અક્ષર પટેલ આઉટ થયો.
18મી ઓવરમાં મોહમ્મદ શમી હેટ્રીકની તક ચૂકી ગયો હતો. તેણે સતત બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. ઓવરની બીજી બોલમાં રોવમન પોવેલને એલબીડબલ્યૂ આઉટ કર્યો જ્યારે ખલીલ અહેમદને શૂન્ય પર આઉટ કરી ગુજરાતની જીત આસાન કરી દીધી હતી. કુલદીપ યાદવ 14 રન અને મુસ્તફિઝુર રહેમાન ત્રણ રન બનાવી નોટ આઉટ રહ્યો. ગુજરાત તરફથી લોકી ફર્ગ્યુસને સર્વાધિક ચાર વિકેટ ઝડપી. જ્યારે શમીએ બે વિકેટ અને હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
