Homeગુર્જર નગરીએન્જિનિયર કેવી રીતે બની ગયો સાયકલ ચોર ? 20 હજારવાળી સાયકલ ચોરતો...

એન્જિનિયર કેવી રીતે બની ગયો સાયકલ ચોર ? 20 હજારવાળી સાયકલ ચોરતો અને 5 હજારમાં વેચી દેતો, 36 સાયકલ જપ્ત

Team Chabuk-Gujarat Desk:  અમદાવાદમાંથી એક સાયકલ ચોર ઝડપાયો છે. પોલીસે આ ઝડપાયેલા શખ્સ પાસેથી એક બે નહીં પરંતુ પુરી 36 મોંઘીદાટ સાયકલ કબજે લીધી છે. શહેરની વાડજ પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ઝડપાતા નારણપુરા, નવરંગપુરા, યુનિવર્સિટી અને વાડજના અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે. પોલીસની પકડમાં આવેલો શખ્સ ભણેલો ગણેલો છે પરંતુ કોરોનામાં પિતાના નિધન બાદ તે આડા રસ્તે ચઢી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ પકડમાં આવેલા શખ્સનું નામ અનમોલ દુગ્ગલ છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેના પિતાનું કોરોનાના કારણે  અવસાન થયું હતું જેથી જવાબદારીઓ તેના માથે આવી ગઈ હતી. પિતાના નિધન બાદ આ વ્યક્તિની નોકરી જતી રહી જેથી તેની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ. હવે જવાબદારીનો બોજ સહન ન થતાં તે ચોરીના રવાડે ચઢી ગયો. કોઈને શક નહીં થાય તેવી ગફલત રાખીને તેણે સાયકલ ચોરી કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ આ કામ તેને સારું લાગવા માડ્યું.

આરોપી પહેલાં ચોરી માટે સાયકલની પસંદગી કરતો. આરોપી પાસેથી ઝડપાયેલી મોટાભાગની સાયકલની કિંમત 20 હજાર રૂપિયા આંકવામાં આવી છે. આ 20 હજાર રૂપિયા સુધીની સાયકલને આરોપી માત્ર 5થી 7 હજાર રૂપિયામાં જ વેચી દેતો. કેટલીક સાયકલો તેણે શહેરના આર્મી કેંટોનમેન્ટમાં વેચી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી પોતે સાયકલનું ગોડાઉન ધરાવે છે તેમ કહીને ગ્રાહકોને પોતાના વિશે ખોટી માહિતી આપતો હતો. લોકો પણ સસ્તામાં સાયકલ મળતી હોવાથી અનમોલ વિશે વધારે જાણવાની કોશિશ કરતાં ન હતા.

શહેરમાં ટુવ્હીલ બાદ સાયકલ ચોરીની ઘટનાઓ વધી હતી. સોસાયટીમાંથી મોંઘીદાટ સાયકલો એક પછી એક ગાયબ થતી હતી. પોલીસ સ્ટેશનમાં સાયકલ ચોરીના કેસ વધી રહ્યા હતા. આ વાતને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી અને આખરે ઝોન 7 એલસીબીની ટીમે આ સાયકલ ચોર આરોપીને ઝડપી લીધો હતો.
આરોપી અનમોલ દુગ્ગલ મૂળ દિલ્હીનો છે. અહીં અમદાવાદમાં ઉસમાનપુરા તથા સાબરમતી તેનું ઘર પણ છે. કોરોના કાળથી તે સાયકલ ચોરીના રવાડે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે વાડજના પીઆઈ વી.આર ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપી અનમોલ આઈટી એન્જિનિયર છે. તેની નોકરી કોરોનામાં જતી રહી હતી. બીજી તરફ તેના પિતાનું અવસાન થયું હતું. પિતાનના અવસાન બાદ જ તે સાયકલ ચોરીના રવાડે ચઢ્યો હતો. હાલ પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે. તપાસમાં એ પણ સામે આવશે કે આટલી સાયકલ ચોરીમાં તે એકલો જ હતો કે તેના અન્ય સાથી તેને આ કામમાં મદદ કરતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments