Homeગુર્જર નગરીજૂનાગઢમાં જળબંબાકારઃ વિસાવદરમાં 14 કલાકમાં 15 ઇંચ વરસાદ, ઓજત નદીમાં તણાયેલી કારને...

જૂનાગઢમાં જળબંબાકારઃ વિસાવદરમાં 14 કલાકમાં 15 ઇંચ વરસાદ, ઓજત નદીમાં તણાયેલી કારને ક્રેઈનથી બહાર કઢાઈ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં ભાર વરસાદ પડતાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ગિરનારના જંગલમાં ભારે વરસાદ પડતાં જૂનાગઢ શહેર પાણી પાણી થઈ ગયું છે. દોલતપુરા, વાણંદ સોસાયટી અને દાતાર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર પૂરની માફક પાણી ફરી વળ્યા છે. દોલતપરા વિસ્તારમાં અનેક દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા ન થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં મહાનગરપાલિકા પ્રત્યે રોષ પણ જોવા મળી રહ્યો છે. લોકોએ પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવાની ફરજ પડી છે. જો ડિવાઈડર તોડવામાં ન આવે તો વરસાદી પાણી ઘરમાં ઘૂસે તેવી શક્યતા છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં તંત્ર કે કોઈ નેતા જનતાની વચ્ચે દેખાતું ન હોવાથી લોકો રોષે ભરાયા છે.

આ તરફ જૂનાગઢના પાણીનો પ્રશ્ન પણ હલ થયો છે. જૂનાગઢને પાણી પૂરું પાડતાં વિલિંગ્ડન ડેમ, હસનાપુર ડેમ અને આણંદપુર ડેમ ઓવરફ્લો થયા છે. જૂનાગઢના ગિરનારની ગિરિમાળામાંથી આવતા હસનાપુર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ગિરનારમાં ભારે વરસાદના કારણે હસનાપુર ડેમ છલકાયો છે. જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતાં તમામ જળસ્ત્રોત છલકાય ગયા છે. એક સાથે જ વિલિંગ્ડન ડેમ, નરસિંહ મહેતા સરોવર અને હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આ તરફ જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે જેથી પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે.

આણંદપુર ગામ નજીક ભારે વરસાદના કારણે એક દુર્ઘટના સર્જાઈ હતી. આણંદપુર નજીક ઓજત નદીમાં એક કાર તણાઈ હતી. કારમાં એક વ્યક્તિ પણ સવાર હતી. વરસાદના કારમે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર તણાઈ હતી. બનાવની જાણ થતાં જ તુરંત કાર સાથે ચાલકને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ક્રેઈનની મદદ વડે કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. કારમાં સવાર એક વ્યક્તિ હાથના ભાગે સામાન્ય ઈજા થવા પામી હતી. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી.

આ તરફ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પણ આભ ફાટ્યું છે. વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. વિસાવદર પંથકમાં આવેલી તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પોપટડી, મયારી, કબારો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વિસાવદર પંથકમાં ભારે વરસાદના પગલે ધારાસભ્ય સહિતના આગેવાનો શહેરમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. વિસાવદર પંથકમાં ગત રાત્રિના 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

ભારે વરસાદના કારણે જૂનાગઢના ઝાંઝરડા ગરનાળામાં પણ પાણી ભરાય ગયા. નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં રોડ પર પાણી ફરી વળ્યા. ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા છે. જેના કારણે મહાનગરપાલિકાને ગરનાળું બંધ કરવાની ફરજ પડી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments