Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ઉથલપાથલ થઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ કન્વીનર હાર્દિક પટેલે હુંકાર ભર્યો છે. હાર્દિક પટેલે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજીને પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા માટે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. હાર્દિકના આ હુંકારથી ફરી આંદોલન સક્રિય થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
કેસ પરત નહીં ખેંચાય તો આંદોલન
હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા માટે સરકારને ખોંખારીને કહી દીધું છે. હાર્દિક પટે કહ્યું કે, મારો કેસ છોડીને બાકીના બધા કેસ પાછા ખેંચો. હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે કેસ પાછા ખેંચો. કેસ પાછા નહીં ખેંચાય તો 23 માર્ચથી ફરીથી આંદોલન કરીશું. ગુલાબના ફૂલથી લઈને ધરણાં સુધીના કાર્યક્રમો કરીશું. આંદોલનથી રાજ્યના અનેક લોકોને ફાયદો થયો છે.
સમાજને ભ્રમિત અને ગુમરાહ કરવાની કોશિશ
હાર્દિક પટેલે જણાવ્યું કે, મને યાદ છે કે એક કેસમાં 20 થી 25 લોકો હોય છે. એટલે હજુ રાજ્યના 4થી 5 હજાર પાટીદાર યુવાનો પર કેસ ચાલુ છે. કોર્ટમાં તારીખો, પોલીસ સ્ટેશનના ધક્કા જેવી અનેક પરિસ્થિતિઓમાંથી નીકળવું પડે છે. મને યાદ છે કે જ્યારે વિજયભાઈને હટાવ્યા ત્યારે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ખોડલધામના નરેશભાઈ પટેલની આગેવાનીમાં પાસ કાર્યકરો સહિત અગ્રણી સંગઠનોની હાજરીમાં સીએમને મળીને કેસ પાછા ખેંચવા મુદ્દે વાતચીત કરી હતી. ત્યારે એકાદ મહિનામાં કેસ પાછા ખેંચવા વિશે નિર્ણય લેશું તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. એના 10 દિવસ પછી સીઆર પાટીલને મળીને પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને ભ્રમિત અને ગુમરાહ કરવાની કોશિશ કરી રહી હોવાનો આરોપ હાર્દિક પટેલે લગાવ્યો છે.
સરકાર અમને મૂર્ખ બનાવે છે
હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે, પાટીદાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ મુખ્યમંત્રીને પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી. પરંતુ રાજ્યની ભાજપ સરકાર માત્ર પાટીદાર સમાજને વાયદાઓ કરે છે, પણ નિર્ણય લેવાયો નથી. હાર્દિક પટેલે જણાવ્યું કે સરકાર અમને મૂર્ખ બનાવી રહી છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામુ આપીને આંદોલન કરી શકું છું સરકારથી ડરતો નથી.
ચૂંટણી નજીક આવતા ભાજપ સમાજના માણસને સીએમ બનાવે છે
હાર્દિકે કહ્યું કે, આંદોલન સમયે શહિદ થયેલા યુવાનોના પરિવારને સાથે રાખીશું. 23 માર્ચ સુધી સરકાર નિર્ણય નહીં લે તો પહેલાં જેવું આંદોલન ફરીથી થશે. પદ્માવતી ફિલ્મના વિરોધમાં જે આંદોલન થયું તેના કેસ થયા હતા ત્યારે પ્રદીપસિંહ ગૃહમંત્રી હતા જેથી કેસ પરત ખેંચવામાં આવ્યા હતા.રાજસ્થાનની અંદર અમારી સરકાર હતી ત્યારે ગુર્જરો પર થયેલ કેસ પરત ખેંચાયા છે. જે સમાજના યુવાનોએ ઘર બાર છોડીને લોકો માટે આંદોલન કર્યું તેમના પર થયેલા કેસ પરત ખેંચો. ભાજપ ચૂંટણી નજીક આવતાં જ સમાજના માણસને મુખ્યમંત્રી બનાવે છે. બાબુ જમનાને પણ ચિંતા હોય તો સમાજ માટે રજુઆત કરે અને ના સાંભળે તો તેઓ રાજીનામુ આપે.
જયરાજસિંહ મુદ્દે શું કહ્યું ?
જયરાજસિંહના રાજીનામા અંગે હાર્દિક પટેલે કહ્યું કે, સત્તાનાં જોરે સત્તાની આશાએ અનેક લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ભુતકાળમાં જોડાઈ ચુક્યાં છે. તેમની સ્થિતિ શું છે તે સૌ કોઈ જોઈ શકે છે. આગામી દિવસોમાં ભાજપમાંથી પણ અનેક લોકો કોંગ્રેસમાં આવી શકે છે. જયરાજસિંહ અત્યારે ભલે કોંગ્રેસ પર આક્ષેપો કરી રહ્યા હોય પરંતુ આ જ કોંગ્રેસના તેઓ છેલ્લા 13 વર્ષથી મુખ્ય પ્રવક્તા હતા. 3-3 વખત જિલ્લા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત સમિતિમાં અનેકવાર યોગ્ય સ્થાન અપાઈ ચુક્યું છે. તેમના પુત્ર પણ NSUI ના નેતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
