Team Chabuk-Gujarat Desk: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને મ્યુકોરમાઈકોસિસની સારવાર નિઃશુલ્ક કરવા માટે માગ કરી છે. હાર્દિક પટેલે રાજસ્થાન સરકારનો હવાલો આપીને ગુજરાતમાં પણ મ્યુકોરમાઈકોસિસની સારવાર નિઃશુલ્ક કરવા માગણી કરી છે. સાથે જ હાર્દિક પટેલ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓના આપવામાં આવતા ઇન્જેક્શનની થઈ રહેલી કાળાબજારી રોકવા પણ માગણી કરી છે.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘દેશમાં કોરોનાની બીજી લહેરે ખૂબ જ હાહાકાર મચાવ્યો છે અને આ બીજી લહેરમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત, ઇન્જેક્શનની અછત, દવાઓની અછત, ઇજેક્શનની કાળા બજારી જેવી અનેક સમસ્યાનો ભોગ ગુજરાત ના નાગરિકો બન્યા છે. જેથી કોરોનાની સારવાર લેવામાં ગુજરાતના નાગરિકોને ખુબ જ મુશ્કેલી ભોગવવી પડી હતી.
કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે હજુ એક આફત પૂરી નથી થઈ ત્યાં બીજી આફતે ગુજરાતમાં પગ પેસારો કર્યો છે. આજે ગુજરાતભરમાં મ્યુકોરમાઈકોસિસ રોગ માથું ઊંચકી રહ્યો છે. આજે મ્યુકોરમાઈકોસિસ રોગના અંદાજિત રર૮૧થી વધુ કેસ હાલ ગુજરાતમાં નોંધાઈ ગયા છે અને હાલ મ્યુકોરમાઈકોસિસ રોગ દિન પ્રતિદિન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. આ રોગનું નિદાન ખૂબ જ ખર્ચાળ છે અને આ રોગ ખૂબ જોખમી સાબિત થઈ રહ્યો છે, જેમાં અનેક ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકો આ રોગથી સંક્રમિત થઈ રહ્યા છે. આ રોગના નિદાન માટે ઓપરેશનમાં પણ ખૂબ વેઈટિંગ હોવાથી દર્દીને સમયસર સારવાર નથી મળી રહી જેના કારણે ખૂબ જ હાલાકી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
તાત્કાલિક સારવાર માટે ન છૂટકે ગરીબ મધ્યમવર્ગીય પરીવારને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે જે ખૂબ જ ખર્ચાળ છે. આ રોગની સારવાર માટે જે એમ્ફોટેરીસિન બી ઇન્જેક્શન (Amphoterican B Injection ) વપરાય તે ખૂબ જ મોંઘા છે અને એક દર્દીને લગભગ ૧૦૦ થી ૧૫૦ જેટલા ઇન્જેક્શનનો કોર્ષ આપવામાં આવે છે. જેની સારવારનો અંદાજીત ખર્ચ ૯ થી ૧ર લાખ જેટલો થઈ રહ્યો છે, જે ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મોટી રકમ છે.
હાલમાં રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ રોગની સારવાર તમામ દર્દીઓ માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં તદ્દન મફતમાં કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ર૭ વર્ષથી તમારી સરકાર છે તો તમારી સંવેદનશીલ સરકાર સમક્ષ ગરીબ અને મધ્યવર્ગના નાગરિકો વતી મારી લાગણી અને માંગણી છે કે મ્યુકોરમાઈકોસિસની સારવાર તદન નિ:શુલ્ક કરી સંવેદનશીલ નિર્ણય લેવા વિનંતી છે અને ઈન્જેક્શનની કાળાબજારી પર લગામ લગાવવામાં આવે તેવી મારી વિનંતી છે.’
આમ હાર્દિક પટેલે મ્યુકોરમાઈકોસિસની સારવાર રાજ્યભરમાં તમામ હોસ્પિટલોમાં નિઃશુલ્ક કરવામાં આવે અને ઇન્જેક્શનની કાળાબજારી થતી રોકવામાં આવે તેવી રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત