Team Chabuk-Sports Desk: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે એવી મહિલા ક્રિકેટરની વાત કરવાના છીએ જેના માટે આ દિવસ ખાસ છે. આ દિવસ તેમના માટે એટલા માટે ખાસ છે કારણ કે આજે જ એટલે કે 8 માર્ચે જ તેનો જન્મ દિવસ છે. એટલે તે પોતાના જન્મદિવસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલના દિવસની પણ ઉજવણી કરી રહી છે. તેની સફળતા દુનિયાની મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

પંજાબના મોગામાં જન્મેલી આ પ્રતિભાશાળી મહિલાએ માત્ર પંજાબનું જ નહીં પરંતુ દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. તેનો રેકોર્ડ સારા-સારા પુરૂષ ખેલાડીઓ પણ નથી તોડી શક્યા. આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય મહિલા ટી-20 ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની. હરમનપ્રીતનો આજે 32મો જન્મદિવસ છે.

હરમનનો જન્મ પંજાબના મોગામાં 1989માં થયો હતો. આજે તેના જન્મદિવસ નિમિત્તે ફેન્સ તેના પર શુભેચ્છાઓનો અઢળક વરસાદ વરસાવી રહ્યા છે. હરમનપ્રીતે ક્રિકેટ જગતમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી દીધી છે. અહીં સુધી પહોંચવામાં તેની સામે કેટલાય વિઘ્નો આવ્યા પરંતુ તે પરિસ્થિતિ સામે લડી અને જીતી પણ ગઈ.

હરમનપ્રીતે જ્યારે ક્રિકેટમાં કારકીર્દી શરૂ કરી હતી ત્યારે તેને ખબર ન હતી, કે તે એક દિવસ ભારતીય ટીમની કેપ્ટન હશે. શરૂઆતના દિવસો તેના માટે બહુ આકરા રહ્યાં હતાં. એટલા આકરા કે મહિલા ક્રિકેટર ઓછી હોવાથી તેને પુરૂષનો ખેલાડીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. આ દરમિયાન તેની પીઠ પાછળ વાતો પણ થતી કે એક મહિલા ક્રિકેટ શું રમશે પરંતુ તેણે વાતો કરનારા તમામ લોકોને પોતાની રમતથી જવાબ આપી દીધો છે.

યાદગાર ઈનિંગ્સ
આમ તો હરમનપ્રતે ઘણી યાદગાર ઈનિંગ રમી છે પરંતુ ઉડીને આંખે વળગે તેવી ઈનિંગ હતી વર્લ્ડકપ સેમિફાઈનલની. હરમનપ્રીતે 2017માં મહિલા વન ડે વર્લ્ડકપમાં સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાઈ બોલર્સની ધોલાઈ કરી નાખી હતી. તેણે 115 બોલમાં અણનમ 171 રન ફટકાર્યા હતા.
2018માં ન્યૂઝિલેન્ડ સામે શતક
આ ઈનિંગના એક વર્ષ બાદ એટલે કે 2018માં હરમનપ્રીત ફરી એકવાર પોતાની ઈનિંગને લઈને ચર્ચામાં આવી હતી. હરમનપ્રીતે ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડ સામે માત્ર 49 બોલમાં સદી ફટકારી દીધી હતી. આ ઈનિંગમાં હરમનપ્રીતે 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

જે કામ વિરાટ કોહલી હજુ સુધી નથી કરી શક્યો એ કામ હરમનપ્રીત કરી ચુકી છે. હરમનપ્રીત ટી-20 ક્રિકેટમાં સદી ફટકારી ચુકી છે જ્યારે ભારતીય પુરૂષ ટીમનો કેપ્ટન હજુ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યો છે. મહત્વનું છે કે, હરનમપ્રીત ટી-20માં સદી ફટકારનારી પહેલી મહિલા ક્રિકેટર છે.

હરમનપ્રીત વિરેન્દ્ર સહેવાગને પોતાનો આદર્શ માને છે. જે તેની બેટિંગમાં જોવા મળે છે. તે આક્રમક બેટિંગની સાથે સારી બોલિંગ પણ કરે છે. તેણે પોતાના વીસમાં જન્મદિવસના એક દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો હતો. તેની વન ડે ડેબ્યૂ મેચ પાકિસ્તાન સામે હતી. આ ઉપરાંત 2009માં તેણે ટી-20માં એન્ટ્રી કરી હતી. 2016માં તેને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બનાવાઈ હતી. આ ઉપરાંત હરમનપ્રીત પહેલી એવી ભારતીય મહિલા ક્રિકેટર છે જેણે કોઈ વિદેશી ટી-20 લીગ રમી હોય. તે જૂન 2016માં સિડની થંડર્સ તરફથી રમી હતી.
હરમનની કારકિર્દી
હરમને 100 વન ડે મેચમાં 34.95ની એવરેજથી 2 હજાર 412 રન બનાવ્યા છે. જેમાં ત્રણ શતક અને અગિયાર અર્ધશતક સામેલ છે. આ ઉપરાંતે તેણે વન ડેમાં 23 વિકેટ પણ લીધી છે. ટી-20 ઈન્ટરનેશલમાં 114 મેચમાં તેણે 26.98ની એવરેજથી 2 હજાર 186 રન બનાવ્યા છે. જેમાં એક શતક અને 6 અર્ધશતક સામેલ છે. હરમને ટી-20 ઈન્ટરનેશનલમાં કુલ 29 વિકેટ ઝડપી છે. આ સિવાય બે ટેસ્ટ મેચમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેણે કુલ 9 વિકેટ લીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત