Homeસાહિત્યપન્નાલાલની લાડુનું જમણનાં પાંચ કડવા લાડવા

પન્નાલાલની લાડુનું જમણનાં પાંચ કડવા લાડવા

Team Chabuk-Literature Desk: મોંઘવારી વધી ગઈ છે. એવું નથી કે આ સરકારે જ મોંઘવારી વધારી છે. ભૂતકાળમાં પણ મોંઘવારી વધી જ હતી. અર્થશાસ્ત્ર તો એમ પણ બોલે છે કે, વિકાસ માટે ભાવ વધારો આવશ્યક છે. જોકે પ્રવર્તમાન સરકાર દ્વારા વધારવામાં આવેલી મોંઘવારી મૂર્ખતાભર્યું પગલું છે. મહામારીમાં સૌથી વધારે ફટકો એ લોકોને પડ્યો છે, જેમના ઘરના મોભી જ નથી રહ્યા. આપણને શું ખબર? કેટલાય ભવનો એવા હશે જ્યાં ફક્ત સ્ત્રીઓ જ કલ્પાંત કરતી રહી ગઈ હોય અને તેમને કામનો જરા અમથો પણ અનુભવ ન હોય. પતિનું નિધન થયું હોય અને છોકરા નાના હોય. મોંઘવારી તો પન્નાલાલ પટેલની વાર્તા લાડુનું જમણમાં પણ આવે છે. ખાલી દોઢ રૂપિયાની મોંઘવારી.

ચિત્ત એ ચકરાવે ચડી જાય છે કે આખરે લાડુનું જમણનો પ્રધાનસૂર કયો છે. દેવશંકરનું હળધૂત થવું કે શંકરલાલનું પસ્તાવવું. બેઉં બંને બાજુ સરખા છે. આટલી મોંઘવારીમાં કોઈ ડઝનેક લાડુ પેટમાં વૃકોદર બની પધરાવી જાય તો વીશીના માલિકની પાછળ પરિતાપ સિવાય શું વધે. દયાશંકર આ બધા માટે હિટલર અને યુરોપને દોષી ઠેરવે છે, એટલે કે બીજા વિશ્વયુદ્ધને કારણે મોંઘવારી વધી હોવાની તેઓ મડાગાંઠ મનમાં બાંધી બેઠા છે. પન્નાલાલ પટેલ વાર્તામાં સ્વમાન ગુમાવવું, લાડુનો ત્યાગ થવો અને પરિતાપની વાત વાચકની આંખમાં છોડી ચાલ્યા જાય છે. અહીં લેખક એક સમયે વાચકને રેઢો મૂકી દે છે. કરુણતા નામની બોક્સિંગ રિંગમાં વાચક છે અને દેવશંકર છે. મનમાં વિચારોના મુક્કા મારવાના છે.

વાર્તામાં નાયક તરીકે દેવશંકર છે પણ ખલનાયક તરીકે કોઈ નથી. પ્રતિનાયક પણ નથી. વાર્તાની વચ્ચે વચ્ચે આપણે પેલા વિશીવાળાને ખલનાયક ચિતરવામાં લાગ્યા છીએ, પણ પછી તો આજની મોંઘવારીના પરિપ્રેક્ષ્યે એ બાપળાની પણ દયા આવે છે. પન્નાલાલે અહીં વાચક સાથે રસ્સાખેંચની રમત આદરી છે. ઘડીભર એવું લાગે કે દેવશંકર સાચા અને ઘડીભર એવું લાગે કે શંકરલાલ સાચા. અહીં લાડવા છે અને લાડવાનો સ્વાદ મીઠો હોય, પણ આખી વાર્તામાં દેવશંકરનું જીવન કડવા કારેલા જેવું બની ગયું છે. એમના જીવનમાં લાડવા ખાલી જીભ પૂરતા મીઠા છે, બાકી જીવન તો કડવું છે.

કડવો લાડવો-1 કાકાનો છોકરો કાશીમાં ઉચ્ચ શાસ્ત્રીય વિદ્યાનો અભ્યાસ કરી પરત આવે છે ત્યારે દેવશંકરે પોતાની પંડિતાઈ છોડી દેવી પડે છે. અહીં સ્વાર્થવૃત્તિની ઝાંખી થાય. કાકાનાં ખાલી પડેલા ગોરપદાના વજનિયાંને દેવશંકરે ઉંચકી લીધું અને પછી કાકાએ જ હળવેકથી દીકરા માટે થઈ મૂકાવી દીધું.

કડવો લાડવો-2 એમને ખબર નથી પણ એમનું અનુમાન એવું છે કે તેમને શાળામાંથી તગેડી મૂકવા માટે રાજરમત રમવામાં આવી. જેથી પાછળના બારણેથી કોઈ બીજાનો પ્રવેશ કરાવી શકાય. દેવશંકરને નોકરી છોડવી પડી એ તેમનો બીજો કડવો લાડવો.

કડવો લાડવો-3 ચાર મહિના થઈ ગયા પણ હજુ બિચારા દેવશંકરે લાડુ ચાખ્યા નથી. શા માટે નથી ચાખ્યા? તો કે પરિવાર રબરની દોરી ખેંચો અને લાંબી થાય એમ મોટું થઈ રહ્યું છે. પહેલા રોજ લાડવા બનતા હવે ચોથા બ્રાહ્મણના જન્મ પછી તો ખાલી સોમવારે જ લાડવા બને છે. એક થાળીમાં ઝાઝા હાથ ઠકઠક કરતા દેકારા બોલાવે છે.  

કડવો લાડવો-4 શંકરલાલે એમને આ પૂર્વે બધાની સામે કહી દીધું હોય છે કે મોંઘવારી વધી છે માપમાં ખાવ. એમના શબ્દો કાંઈક આવા હતા, ‘‘જો તમારા જેવા ઘરાક આવે તો તો એક જ દનમાં અમારે ભાગી જવું પડે.’’ શંકરલાલનું વાક્ય તેમને દાઝ્યા પર ડામ દઈ જાય છે. પગથિયાં ચડતા લાડવાનું પછી અને વાક્યનું પહેલા સ્મરણ થઈ આવતા વિચાર સાથે યુદ્ધ ચડે છે.

કડવો લાડવો-5 શંકરલાલે એમને ધુત્કાર્યા. લાડુની તૃષ્ણાથી પીડાતા દેવશંકરે આખરે બ્હાનું કરીને પણ લાડુનું જળ મૂક્યું. પૈસા પણ પાછા ન માગ્યા.

લાડુ તો અહીં પ્રતીકાત્મક છે. આપણને કંઈ કેટલીય ગળચટ્ટી એષણાઓ હોય છે. આપણી એ બધી ઈચ્છાઓ તૃપ્ત નથી થતી. કેટલીક પૂરી થાય છે કેટલીક સમય સાથે છૂટી જાય છે. ઘણી વખત આપણી આસક્તિઓને છોડાવવા માટે આપણા જ પરિવારજનો યેનકેન પ્રયત્નો કરતા હોય છે. એ છૂટતી નથી પણ જીવનમાં એક એવો બનાવ બની જાય છે જ્યારે એનાથી છૂટી જવાય છે. એ અપમાનનો કડવો ઘૂંટડો પણ હોય શકે. એ કોઈ સ્વજનનું અકાળે અવસાન પણ હોય શકે. કોઈનું અવતરણ પણ હોય શકે. કોઈ આંખ પલકારું માટે એટલી ક્ષણમાં ચિત્તમાં ઉતારી લીધેલું અનુભવનું ભાથું પણ હોય શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments