Team Chabuk-Gujarat Desk: આણંદમાં અનરાધાર વરસાદે શહેરને બેટમાં તબ્દિલ કરી દીધું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેમ સવારના છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં જ ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો. આણંદમાં ચાર કલાકની અંદર અંદર સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેર શહેરની જગ્યાએ તળાવમાં ફેરવાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોને જોતા દરિયાની અનુભૂતિ થાય છે. તો બીજી બાજુ તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીમાં પણ મેઘરાજા અવરોધરૂપ બન્યા હોવાથી બધું કામ સ્થગિત થઈ ગયું છે.
આણંદમાં વરસાદ પડવાની શરૂઆત કાંઈ આજ સવારથી નથી થઈ. બુધવારથી આવતા ઝરમર વરસાદના કારણે અત્યાર સુધી આણંદમાં તેર ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. લોકોનું જીવન પણ અતિવૃષ્ટિનાં કારણે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. મોટાભાગના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મેઘરાજાએ આરંભમાં જ આણંદની સાથે મોટી ઈનિંગ રમી લેતા હવે લોકો પણ મેઘો થંભી જાય તેની પ્રાર્થના કરી રહ્યા છે.
આણંદનાં મહત્વના વિસ્તારો જેવા કે વિધાનગર રોડ, શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર,લક્ષ્મી ટોકીઝ વિસ્તાર, વિદ્યાનગર રોડ લક્ષ્મી સિનેમા, ગામડીવડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારે પાણી ભરાયા હતા. ઠેર ઠેર પાણી ભરાવાના કારણે નોકરી પર જનારા વર્ગને ઘરે બેસી રહેવાનો વારો આવ્યો હતો. તો કેટલાક ઉસ્તુક લોકો ભારે વરસાદને નીહાળવા માટે રસ્તા પર નીકળી પડ્યા હતા જ્યાં તેમને નદી સરીખો અનુભવ થયો હતો. કેટલાક લોકોએ ભારે વરસાદમાં તસવીર ખેંચવાનો લુત્ફ પણ ઉઠાવ્યો હતો. જે તસવીરો વાઈરલ થતાં જ્યાં જુઓ ત્યાં ત્યાં ઘુંટણ સુધીના પાણી હોવાનું નજરે ચડી રહ્યું છે.
આણંદમાં પડેલા વરસાદ પર આંકડાકિય નજર નાખવામાં આવે તો…
| સ્થળ | વરસાદ (મિમી) |
| આણંદ | 170 |
| તારાપુર | 2 |
| ઉમરેઠ | 1 |
| સોજીત્રા | 4 |
| આંકલાવ | 8 |
| પેટલાદ | 48 |
| ખંભાત | 22 |
| બોરસદ | 15 |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત