ઝાલાવાડી જલજીરા: નાસિર હુસૈનની ગણતરી એ દિવસોમાં એક ઉમદા અને સફળ ફિલ્મ દિગ્દર્શકોમાં થતી હતી. સુખી સમ્પન્ન પરિવાર પણ બસ તેમને પોતાના એક દીકરાની ચિંતા કોરી ખાતી હતી. દીકરો આઈઆઈટીનો અભ્યાસ પણ છોડી ચૂક્યો હતો. પિતાને થયું કે દીકરાને અમેરિકામાં મોકલી દઈએ, ત્યાં ઊચ્ચ અભ્યાસ કરશે અને સફળતાના સોપાન સર કરશે. જોકે દીકરાનું ભવિષ્ય કંઈક અલગ રામાયણ લખી રહ્યું હતું. તે અમેરિકાથી પણ અભ્યાસ અધૂરો છોડી ભારત આવી ગયો. આ વખતે તો પિતા આગ બબૂલા થઈ ગયા.
આ છોકરાનું નામ મન્સૂર ખાન હતું. અભિનય કરતાં તેને સંગીતનો ખૂબ શોખ હતો. ઘરે બેઠા તેને મનમાં થયું કે દૂરદર્શન પર આવતાં મન ગમતાં ગઝલના એક એપિસોડને નવી શૈલીમાં એડિટ કરી નાખું. પોતાના આ કામને તે કેવી રીતે પૂર્ણ પાડશે તેના પર તેણે એક નાની એવી ફિલ્મ બનાવી નાખી. આ ફિલ્મ જ્યારે પિતા નાસિર હુસૈને જોઈ તો તેમના મનને ભાવી ગઈ. અતિ ઉત્તમ પુત્ર!
નાસિર હુસૈનની બધી ફિલ્મો હીટ હતી પણ હમણાંથી પારો ગગડ્યો હતો. છેલ્લી બે ફિલ્મો બોક્સઓફિસ પર કમાલ નહોતી દાખવી શકી. એક હતી ‘મંઝીલ મંઝીલ’ અને બીજી ‘જબરદસ્ત…’ બંને જબરદસ્ત રીતે બોક્સઓફિસ પર પટકાઈ હતી. જૂના જોગીઓમાં હવે એ કમાલ નહોતી રહી અને કેટલાક સફળ જોગીઓ પૈસા પણ વધારે માગતા હતા અને સેટ પર તેમની હરકત બરદાશ સે બહાર થી. જેથી નવા હીરોને લઈને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. નાસિર સાહેબે ફિલ્મની વાર્તા લખી નાખી હતી. મન્સૂરને બોલાવી જવાબદારીનો કોથળો તેમના ખભે નાખ્યો અને દિગ્દર્શનનું કામકાજ સોંપી દીધું.
નાસિર સાહેબે કહેલું હતું કે, ‘નવા છોકરા લેવાના છે.’ નવા છોકરા ઝાડ પર તો નથી ઉગતાં. ઉપરથી હેન્ડસમ દેખાવા જોઈએ. કલાનો શોખ હોય. અભિનય કરી જાણતા હોય. ફિલ્મને પોતાના ખભ્ભા પર ઉઠાવી લે અને બાદમાં પ્રમોશન કરવામાં મહેનત પણ એટલી જ કરે. આવા છોકરાઓ તો શોધવા ક્યાંથી ?
જોકે પહેલી ફિલ્મ મળતી હોય તો ગમે તે છોકરો ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે. મન્સુર સાહેબ નાસિર સાહેબની વાત માની નવા છોકરાઓનાં ઓડિશન ટેસ્ટ લેવા લાગ્યા. હજ્જારો છોકરાઓના ટેસ્ટ અને એ પણ નિષ્ફળ ટેસ્ટ લીધા બાદ મગજમાં અગરબત્તી થઈ કે હવે ઘરના છોકરાને જ મેદાનમાં ઉતારવો પડશે. આ ઘરના છોકરાનું નામ આમિર ખાન. નાસિર હુસૈનના ભાઈ તાહિર હુસૈનનો મોટો છોકરો. અર્થાત્ કાકા મોટા બાપાના દીકરા થાય. આખી ફિલ્મ નાસિરે એવી જ રીતે તૈયાર કરી જેવી ઈચ્છા નાસિર સાહેબની હતી. જોકે દિગ્દર્શક પણ કંઈ ચીજ હોય છે. મન્સુર ખાને શરૂઆતની અગિયાર મિનિટમાં પોતાના ઘરની ચલાવી અને ફિલ્મનાં અંતમાં પણ પોતાના ઘરની જ હાંકી. બાકી બધુ બાપુજીએ કહ્યું હતું એવી જ રીતે રાખ્યું. વાત થાય છે ફિલ્મ કયામત સે કયામત તકની.
1] આમિર ખાનની પત્ની રીના દત્તાએ આ ફિલ્મ માટે ખાસ્સી મહેનત કરી હતી. એ ફિલ્મનું સુપરહિટ ગીત પાપા કહેતે હૈ બડા નામ કરેગામાં થોડી વાર માટે તેની ઝલક પણ દેખાય છે. જોકે આમિર ખાનને કયામત સે કયામત તક ફિલ્મના મેકર્સ તરફથી કડક સૂચના આપવામાં આવી હતી કે તે પોતાના વેવિશાળની વાતને ઢાંકીને રાખે. શું કે છોકરો બોક્સઓફિસ અને ઉદ્યોગ જગતમાં ચાલી જાય તો તુરંત છોકરીઓ તેને લવ લેટર લખવા માંડતી હતી અને એ રીતે હીરો પણ લોકપ્રિય થઈ જતો હતો અને ફિલ્મ પણ થીએટરમાં ચાલતી રહેતી હતી. પ્રોડ્યુસર્સને ફાયદો થતો હતો. તેની જગ્યાએ જો છોકરો પરણિત છે તેવી ખબર પડી જાય તો છોકરીઓની થીએટરમાં ઉમટતી ભીડ એકાએક બંધ થઈ જાય. હિન્દી સિનેમામાં લગ્ન કરી લેનારી અભિનેત્રીઓને પછી એટલે જ તો ક્યાંક પ્રોડ્યુસર્સ લેવાની ના પાડી દેતા નહીં હોય ને? સંશોધન કરો!
2] મન્સુર ખાનને ફિલ્મ કયામત સે કયામત તક માટે તેમના પિતાએ પોતાની ટીમના સંગીતકાર આરડી બર્મન અને ગીતકાર મઝરુહ સુલ્તાનપુરી એમનેમ આપી દીધા હતાં. આ પહેલા મન્સુરની આરડી બર્મનની સાથે બે વખત મુલાકાત પણ થઈ હતી. જોકે બર્મન મોટા સંગીતકાર થઈ ગયા હતા. એ સંગીત આપવા માટે તૈયાર નહોતા. એ વખતે આનન્દ-મિલિન્દની જોડી કેટલીક ફિલ્મોમાં સંગીત આપી ચૂકી હતી. મન્સૂરને પોતાની ફિલ્મ માટે કોઈ તાજા સંગીતકારની જરૂરિયાત હતી. જે તેઓ કહે તેમ ધૂન તૈયાર કરે અને ગીતકારને લખવા માટે કાંઈક નવું આપે. પૂરી રીતે પ્રયોગ થાય. મન્સુર સાચા સાબિત થયા. આનન્દ-મિલિન્દે તેમના કહેવા પર જે ધૂન તૈયાર કરી અને તેના પર મઝરુહ સુલ્તાનપુરીએ પાપા કહેતે હૈ બડા નામ કરેગા ગીત લખ્યું તે બધાના દિલો પર આજ દિન સુધી રાજ કરે છે.. મઝરુહ સુલ્તાનપુરીએ 70 વર્ષની આયુમાં આ ગીત લખ્યું હતું. મઝરુહ સુલ્તાનપુરીની એક આદત રહી છે. તેમના ગીતો હંમેશાં ભવિષ્યમાં પણ ચાલે એવા હોય છે. કોઈ ન કહી શકે કે આ ગીત જૂનું થઈ ગયું છે. પાપા કહેતે હૈ એ શ્રેણીમાં સમાવિષ્ટ થતું ગીત છે. ગીત હીટ જતાં વર્ષો સુધી ઉદિત નારાયણ આમિર ખાનનો અવાજ બનીને રહ્યા. એ પછી નવી ટેલેન્ટ આવી અને આમિરને નવો અવાજ મળ્યો.
3] મન્સુર ખાનના પિતાજીની દિલથી ખ્વાહીશ હતી કે ફિલ્મમાં હેપ્પી એન્ડિંગ હોય. જનતા ખુશ થતાં થતાં થીએટરની બહાર નીકળે. એ સમય હેપ્પી એન્ડિંગનો હતો. પિતાની વાત માન્યા પછી મન્સૂરે એવો ક્લાઈમેક્સ શૂટ પણ કર્યો હતો. જોકે આખરે તેમણે પિતાની સાથે લાંબી કશ્મકશ કરી તેમને સેડ એન્ડિંગ માટે મનાવી લીધા.
4] આ સિવાય મન્સુરના પિતા નાસિરને બિલકુલ મંજૂર નહોતું કે ફિલ્મના પાપા કહૈતે હૈ ગીતમાં ‘પાપા’ શબ્દ આવે. તેઓ તેની સખત વિરૂદ્ધમાં હતાં. મન્સુરે તેમના પપ્પાની આ વાત પણ નહોતી માની. જેટલી જગ્યાએ મન્સુરે પોતાના ઘરની હાંકી એટલી જગ્યાએ તે સાચા સાબિત થતાં રહ્યાં. પ્રયોગ સફળ જાય છે, બસ પ્રયોગકર્તાનો આત્મવિશ્વાસ બુલંદી પર હોવો જોઈએ.
5] બોક્સઓફિસ પર ફિલ્મ જબરદસ્ત હિટ ગયા બાદ આમિર ખાન પાસે એક દિગ્દર્શક આવ્યા. તેમની પાસે આમિર ખાનને બે હીરો સાથે લઈ મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવવાનો વિચાર હતો. આ દિગ્દર્શકે ઘણા સ્ટારકિડને ખરાં અર્થમાં સ્ટાર બનાવી દીધાં હતાં. કુમાર ગૌરવને લોન્ચ કરતી ‘લવ સ્ટોરી’ ફિલ્મ બનાવી હતી. સન્ની દેઓલને લઈ ‘બેતાબ’ ફિલ્મ બનાવી હતી. 1987માં રિલીઝ થયેલી ‘ડકૈત’ ફિલ્મે પણ પ્રોડ્યુસર પર ધોધમાર પૈસાનો વરસાદ કરી દીધો હતો. પણ આમિર ખાને આ દિગ્દર્શકની ફિલ્મ સાઈન ન કરી. આમિર ખાન પહેલી ફિલ્મ બ્લોકબસ્ટર જતાં સાતમા આસમાન પર હતા અને તેમણે દિગ્દર્શક ‘રાહુલ રવૈલ’ને ના પાડી દીધી.
6] મન્સુર ખાને એ પછી આમિર ખાનને લઈ જો જીતા વો હી સિકન્દર, અકેલે હમ અકેલે તુમ અને જોશ જેવી ફિલ્મો બનાવી. ત્રણે ફિલ્મો રિમેક હતી. જો જીતા વો હી સિકન્દર બ્રેકિંગ અવેની, અકેલે હમ અકેલે તુમ કાર્મેર VS કાર્મેરની, જોશ વેસ્ટ સાઈડ સ્ટોરીની. આ જોશ ફિલ્મને લઈ તેમના કાકાના દીકરા આમિર ખાનની સાથે મન્સુર ખાનને ઝઘડો થઈ ગયો. ઝઘડો થવાનું કારણ કાસ્ટિંગ હતું. મન્સુર ખાને ફિલ્મ લાઈન છોડી દીધી અને તમિલનાડુનાં કુન્નૂરમાં શાંતિથી રહેવા ચાલ્યા લાગ્યા. જ્યાં તેમણે એક મોટું ફાર્મહાઉસ પણ લીધું હતું. પત્ની અને બાળકો સાથે રહેતા હતા. શિક્ષણ સંસ્થાઓમાં ભાષણ દેવા જતા હતા. વર્ષો બાદ આમિર ખાને તેમને પાછા બોલાવ્યા અને તેમણે જાને તું યા જાનેના ફિલ્મની મેકિંગમાં ભાગ લીધો. એઝ અ પ્રોડ્યુસર તરીકે. એ ફિલ્મ પણ સફળ રહી. મન્સુરનો ચાર્મ બરકરાર હતો.
7] કયામત સે કયામત તક એ જ ફિલ્મ છે જે પછીથી ફિલ્મોને ટૂંકાક્ષરીમાં બોલાવવાનું હિન્દી સિનેમામાં ચલણ આવ્યું. QSQT, MPK, DDLJ, K3G… આજે પણ આ ટૂંકાક્ષરીનું ચલણ બરકરાર છે પણ એવી ફિલ્મો નથી બની રહી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત