Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ શરૂ થઈ ગઈ છે. આજે વડોદરા શહેરને મેઘરાજાએ ઘમરોળ્યું હતું. વડોદરામાં માત્ર અડધો કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ પડ્યો. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવનના પગલે કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયા હતા. વડોદરા શહેરમાં L & T સર્કલ પાસે એન્ટ્રી ગેટ હોર્ડિંગ્સ સહિત ધરાશાયી થઈ ગયો છે. એન્ટ્રી ગેટ ધરાશાયી થઈ જતાં રોડ બંધ થઈ જતાં થોડીવાર માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. એન્ટ્રી ગેટ પડતાં અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ દ્વારા એન્ટ્રી ગેટ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એન્ટ્રી ગેટ બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટના બાદ વડોદરા શહેરના તમામ એન્ટ્રી ગેટ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વરસાદ અને ભારે પવનના કારણ કેટલાક વિસ્તારમાં વીજળી પણ ગૂલ થઈ હતી.
વડોદરા: L&T સર્કલ પાસે એન્ટ્રી ગેટ ધરાશાયી #vadodara #baroda #rain pic.twitter.com/7EfhUV3hU0
— thechabuk (@thechabuk) June 17, 2021
આ ઉપરાંત કારેલીબાગ બહુચરાજી મંદિર રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.આ તરફ વરસાદને કારણે SSG હોસ્પિટલના પરિસરમાં પણ પાણી ઘૂસી ગયું હતું. હોસ્પિટલના પ્રાંગણમાં નદી જેવો ઘાટ સર્જાયો હતો. વોટર ડ્રેનેજની સમસ્યાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે દર્દીઓ, પરિવારજનો અને મેડિકલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા હતા. આમ, વડોદરામાં પણ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ ગઈ હતી.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં ફરી મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના ખમાસા, રાયપુર, લાલ દરવાજા, એલીસબ્રીજ, રિલીફ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. આ ઉપરાંત GMDC, નવરંગપુરા, શિવરંજની સહિતના વિસ્તારમાં પણ મેઘરાજા વરસ્યા. વહેલી સવારથી જ અમદાવાદમાં વદાળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભારે બફારા બાદ બપોરે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદના પગલે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
સુરેન્દ્રનગરમાં વરસાદ
સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો. વરસાદની શરૂઆત થતાં ખેડૂતોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
પંચમહાલ
પંચમહાલમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. જિલ્લાના હાલોલમાં વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. પાવાગાઢ રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
વરસાદની આગાહી
આગામી બે દિવસમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં કેટલી જગ્યાએ પવન સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં બે દિવસ પવન સાથે હળવો વરસાદ રહેવાની શક્યતા છે. આણંદ, વડોદરા, સાબારકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા