Homeતાપણુંસુરતઃ ‘આપ’ના મહિલા કોર્પોરેટરનો આરોપ, ભાજપના ધારાસભ્યએ પાર્ટીમાં જોડાવા 3 કરોડની ઓફર...

સુરતઃ ‘આપ’ના મહિલા કોર્પોરેટરનો આરોપ, ભાજપના ધારાસભ્યએ પાર્ટીમાં જોડાવા 3 કરોડની ઓફર કરી

Team Chabuk-Political Desk: સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. સુરતના કામરેજના ભાજપના ધારાસભ્ય સામે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે મોટો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરનો આરોપ છે કે કામરેજના ધારાસભ્યએ તેઓને ભાજપમાં જોડાઈ જવા માટે 3 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. ધારાસભ્યએ લોભામણી લાલચ આપી અને પાર્ટી છોડીને ભાજપમાં આવી જવા માટે ધમકી આપી હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી અપાઈ છે.

શું છે સમગ્ર મામલો

સુરતના આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-3ના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા સામે રૂપિયાની લાલચ આપી ભાજપમાં જોડાવાની ઓફર કરી હોવાનો આરોપ લગાવ્યો છે. ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે, કામરેજના ધારાસભ્યએ તેમને ભાજપમાં જોડાવવા માટે 3 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ તેમણે આ ઓફર ફગાવી દેતા ભાજપના કહેવાતાં એજન્ટ દ્વારા તેમના પતિ ચિરાગને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. જેના કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદ વધ્યો હતો. વિવાદની વચ્ચે ઋતા દુધાગરા અને તેમના પતિ વચ્ચે છૂટાછેડા પણ થઈ ગયા છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઋતા દુધાગરા અને કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા

ઋતા દુધાગરાએ એવો પણ આરોપ લાગવ્યો છે કે તેમના પતિએ ભાજપમાં જોડાવા માટે 25 લાખ રૂપિયા લીધા છે. આપના મહિલા કોર્પોરેટરનો આરોપ છે કે હજુ પણ તેઓને ભાજપ દ્વારા પાર્ટીમાં જોડાઈ જવા દબાણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી કામરેજના ધારાસભ્ય દ્વારા અલગ-અલગ માણસો મોકલીને ભાજપમાં જોડાઈ જવા માટે ઓફર કરવામાં આવી રહી છે. પરંતુ રૂપિયાની લાલચમાં ન આવતા પરિવાર દ્વારા દબાણ કરાતાં છૂટાછેડા લેવા પડ્યા હોવાનું મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ જણાવ્યું હતું.

પતિ દ્વારા દબાણ કરાતા લીધા છૂટાછેડા

ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે, તેમના પૂર્વ પતિ ચિરાગ દ્વારા ભાજપની ઓફર સ્વીકારી લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ તેઓએ ઘસીને ના પાડી દીધી હતી. જેથી તેમના પતિ ચિરાગ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવાનો પણ પ્લાન બનાવાયો હતો. જેથી ના છૂટકે 21 મેના રોજ ઋતા દુધાગરા અને પતિ ચિરાગે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. હાલ બન્નેએ છૂટાછેડા લઈ લીધા છે.

સૌથી વધુ લીડથી જીત્યા હતા

ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3માંથી ઋતા દુધાગરાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી. ચૂંટણીમાં ઋતા દુધાગરા જંગી બહુમતિથી જીત્યા હતા. સુરત શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે તેઓ વિજયી બન્યા હતા. હવે ઋતા દુધાગરાએ ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા દ્વારા પ્રલોભન આપીને ભાજપમાં જોડાવાની ઓફર કરાતી હોવાનો આરોપ કરાતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઋતા દુધાગરાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા શામ,દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મને આમ આદમી પાર્ટી છોડવા દબાણ કરાઈ રહ્યું છે. પરંતુ હું ભાજપના નેતાઓને કહેવા માગું છું કે, હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ. લોકોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેની સાથે ક્યારેય દગો નહીં કરું.

વી.ડી.ઝાલાવાડિયાએ આરોપો ફગાવ્યા

આ સમગ્ર મામલે કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, આ આરોપો ખોટા છે. હળાહળ જુઠ્ઠ છે. આરોપો પાયાવિહોળા છે. હું ઋતા દુધાગરાને ઓળખતો પણ નથી. આ વાત મારા વિષય બહારની છે. મેં કોઈ ઓફર કરી નથી. તેના પતિને 25 લાખ આપ્યાના વાતમાં પણ કોઈ દમ નથી છતાં તેઓ આરોપ લગાવે છે તો સામે આવીને ડિબેટ કરે. આમ આદમી પાર્ટી બોખલાઈ ગઈ છે અને મનઘડંત આરોપો લગાવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments