Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઈ ગઈ છે. શનિવારે ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ બાદ રવિવારે પણ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. રવિવારની સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ બાદ બે દિવસથી રાજ્યમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની એન્ટ્રીથી પાકને પણ નવજીવન મળ્યું છે.
જામનગરમાં વરસાદની એન્ટ્રી
છેલ્લા ઘણા દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા જામનગરવાસીઓને રવિવારે રાહત મળી છે. જાનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરી વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ઉકળાટનો અનુભવ કરી રહેલા લોકો વરસાદનું આગમન થતાં ઠંડકનો અનુભવ કરી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
આ તરફ સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પ્રાંતિજમાં વરસ્યો છે. દોઢ ઈંચ વરસાદ હિંમતનગર અને પોશીનામાં પડ્યો છે. વરસાદના કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. નેશનલ હાઈવેનું 6 લેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે વરસાદના કારણે હાઈવે પરના ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. હાઈવે પર અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે.
પંચમહાલમાં વહેલી સવારથી વરસાદ
પંચમહાલ જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું. પંચમહાલ જિલ્લાના વ્યારા, ગોધરા, શહેરા, મોરવા હડફ, હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા સહિતના અનેક વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. અમુક વિસ્તારમાં ધીમીધારે તો અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થતાં ખેડૂતોએ પણ રાહત અનુભવી છે.
નર્મદા ડેમમાં પાણીની આવક
નર્મદા ડેમના ઉપરવાસના વિસ્તારમાં વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થવા પામી છે. આજે સવારે 9 વાગ્યે પાણીની આવક વધીને 22772 ક્યૂસેક થઈ હતી. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 11 સેમીનો વધારો થતાં ડેમની જળ સપાટી 115.37 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી 8587 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે.
ઉકાઈ ડેમમાં પાણીની આવક
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપીના ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે. મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જેના કારણે બે દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં પાંચ ફૂટનો વધારો થયો છે. હથનુર ડેમમાંથી હાલ 91,396 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રકાશા ડેમમાંથી 1,16,041 ક્યુસેક પાણી ઉકાઈડેમમાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 319.33 ફૂટે પહોંચી છે. ડેમમાં પાણીની આવક 98,413 ક્યુસેક થઈ રહી છે. ડેમમાંથી પાણીની જાવક 600 ક્યુસેક છે. ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાં ઉપરવાસમાંથી ભરપૂર પાણીની આવકને લઈને દક્ષિણ ગુજરાતના લોકો માટે આનંદના સમાચાર છે.
ક્યા કેટલો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો, રાજકોટ જિલ્લાના ગોંડલમાં 5 ઈંચ, અમદાવાદ જિલ્લાના સાણંદમાં 4 ઈંચ, ગાંધીનગર જિલ્લાના માણસામાં 3.5 ઈંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 166 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. મહેસાણાના ઉંઝામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં રવિવારની વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. વેરાવળમાં ત્રણ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. મોરબી જિલ્લામાં પણ વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં ટંકારામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. માળીયા મિયાણામાં પણ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. મોરબી શહેરમાં પણ વરસાદ ધીમીધારે પડ્યો છે.
રેડ એલર્ટ
રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે 25મી જુલાઈને રવિવારે નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત