HomeસિનેમાવાદSarpatta Parambarai: આખરે દક્ષિણ જ દલિત કથાઓમાં આધુનિકતા લઈ આવ્યું

Sarpatta Parambarai: આખરે દક્ષિણ જ દલિત કથાઓમાં આધુનિકતા લઈ આવ્યું

ઝાલાવાડી જલજીરા: ધારો કે ‘A’ નામની કોઈ જ્ઞાતિ છે. શું આ જ્ઞાતિમાં માત્ર દાંતણ વેચવાનું જ કામ કરનારા પેદા થતાં હશે. ‘A’ જ્ઞાતિમાં કોઈ ભણીને ક્લાર્ક નહીં બનતા હોય? કલેક્ટર નહીં બનતા હોય? ફોરેસ્ટ ઓફિસર નહીં બનતા હોય? 400 મીટરની સ્પ્રિન્ટ મારનારા નહીં બનતા હોય? કોઈ ગુના નહીં કરતાં હોય! આવી જ રીતે S.C (દલિત) કાસ્ટમાં શું હજુય બધા સાફ સફાઈનું કામ કરે છે? તો પછી હિન્દી સિનેમા ફક્ત એમને દબાયેલા, કચડાયેલા, શોષિત જ શું કામે દર્શાવે છે?

જે કામ હિન્દી સિનેમાને કરી મૂછ આમળવા જેવું હતું એ કામ દક્ષિણનું સિનેમા કરી ગયું. તમિલમાં Sarpatta Parambarai નામની એક ફિલ્મ એમેઝોન પર રિલીઝ થઈ છે. હિન્દીમાં અવેલેબલ નથી પણ સ્ટોરી એટલી સિમ્પલ છે કે તમિલ સાંભળતા સાંભળતા સમજાઈ જશે. જેનો હીરો એક દલિત છોકરો છે, જેને બોક્સર બનવું છે પણ તેની માતા વારેઘડીએ તેને ટોકી ટોકી અટકાવે છે. બોક્સિંગની રમતમાં કૂદવાથી તેના પતિની જે ભયાવહ સ્થિતિ થઈ હતી તેનાથી તે પુત્રને બચાવવા માગે છે, પણ પુત્રના લક્ષણ પારણામાંથી. એ બોક્સિંગ તરફ જ વળે છે. એક ગામમાં બે જૂથની વચ્ચે ચાલતી બોક્સિંગની રમતની કથા છે. એક ગ્રુપનું નામ છે Sarpatta Parambarai અને બીજાનું નામ Idiyappa Parambarai. આ બંન્ને વચ્ચે વર્ષોથી બોક્સિંગ રાઈવલી છે. જેમાંથી મુખ્ય હીરોનો ઉદભવ થાય છે.

પા.રંજીતે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. અગાઉ કાલા, કાબાલી જેવી સુપરસ્ટાર રજનીકાંત સાથે ફિલ્મ બનાવી ચૂક્યા છે. તેઓ ખૂદ દલિત હોવાના કારણે અને ખાસ તો તમિલ દલિત હોવાના કારણે સિનેમાની દલિત કથામાં આધુનિકતા લાવી શક્યા છે. શું દલિત કલેક્ટર ન હોય? બોક્સર ન હોય? ક્લાર્ક ન હોય? એને ક્યાં સુધી લગાનના કચરાની જેમ કચરો વિણતા બતાવશો. આ બધી મીથનો ભાંગીને પા.રંજીતે ભુક્કો બોલાવ્યો છે.

2019ની સાલથી દલિત સિનેમાનો ચહેરો બદલી ગયો છે. વેટ્રીમારનની અસૂરન, જેની 2021માં વેકટેશને લઈ નરપ્પા તરીકે રિમેક બનાવવામાં આવી. એ ફિલ્મનાં કથાનકમાં એવું છે કે 14 વર્ષનું બાળક જો પોતાના ભાઈની હત્યાનો પ્રતિશોધ લે તો શું શું થાય તે દર્શાવવાનું હતું, પણ ફિલ્મ ક્લાસિક નવલકથા વેક્કાઈથી એક અલગ ફલક ઉપર ચાલી નીકળી. તેમાં હિંસા વધી ગઈ. દલિતો પર અત્યાચારનો મુદ્દો તો ત્યાંનો ત્યાં જ રહ્યો પણ ધનુષના અંતિમ સંવાદે દિલ જીતી લીધું કે, ‘તમારી પાસે શિક્ષણ હશે, તો કોઈ તમારી પાસેથી કંઈ છીનવી નહીં શકે.’ અસૂરનના પાયામાં એ રહેલું છે કે પ્રતિશોધ તમારી પાસેથી શું શું આંચકી લે છે. તમને નોધારા બનાવી મૂકે છે. જે માટે ધનુષને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો.

દિગ્દર્શક અશ્વિનની મન્ડેલા ફિલ્મ પણ એવી જ પોલિટિકલ સટાયર છે. કરનન આવે છે અને અંતે આવે છે પા.રંજીતની Sarpatta Parambarai. ફિલ્મ ઈમરજન્સીના સમયની છે. એ સમયની જ્યારે દલિતોનું ખૂબ શોષણ થતું હતું, અત્યાચાર થતા હતા. દિગ્દર્શક રંજીત બાજી ત્યાં જ મારી ગયા છે. એક તો 1975નો સમય, એમાં પણ એક દલિતને સુપરસ્ટાર બોક્સર તરીકે દર્શાવ્યો. રંજીતે અહીં જૂના સમયમાં પણ આધુનિકતા દર્શાવી છે. ફિલ્મ ત્રણ કલાકની છે. પણ લાગતું નથી કે ત્રણ કલાક જેટલી લાંબી છે. તમિલ ભાષામાં જોવા છતાં સડસડાટ વેગે ભાગે છે. લીડ કાસ્ટ જેટલી જ સપોર્ટિંગ કાસ્ટ મજબૂત છે. ફિલ્મ જોતા સમયે એવું નથી લાગતું કે કોઈ અભિનેતાનો રોલ કાપી નાખવામાં આવ્યો છે.

ફિલ્મમાં એક ટાવર દેખાડ્યો છે. તેમાં રહેલી ઘડિયાળનો સમય બદલ્યો છે કે નહીં એ તો મોબાઈલમાંથી દેખાતું નથી, પણ એ ઘડિયાળ એ વાતનું પ્રતીક છે કે કોઈ વસ્તુ પરમેનેન્ટ નથી. આજે તમે ઉપર છો, કાલે તમે નીચે હશો. આર્યા જે કાબીલન બને છે તે પહેલા કંઈ નથી – પછી ઘણું બધું છે- પછી તે પાછો કંઈ નથી અને પછી પાછો કંઈક બને છે. ઘડિયાળનો કાંટો ઘુમે અને સમય બદલે તેવી આ સ્થિતિ છે. બાર-ત્રણ-સાડા ત્રણ-છ.

તમિલનાડુનું ચૈન્નઈ ત્યારે મદ્રાસ કહેવાતું. એ સમયે ઓટો શંકર નામેરી એક કિલર પેદા થયેલો, જે રીક્ષામાં દારૂની હેરાફેરી કરતો હતો. ઓટો શંકરની એ હેર સ્ટાઈલે ખૂબ ચર્ચા જગાવેલી. તમિલનાડુમાં એ પ્રકારની હેર સ્ટાઈલો લાંબા સમય સુધી રહી હતી. અફકોર્સ તમિલિયનના પ્રિય અભિનેતાઓ પણ એવી જ હેર સ્ટાઈલ રાખતા હતા! Sarpatta Parambaraiમાં તમને દરેક વ્યક્તિની આ પ્રકારની હેરસ્ટાઈલ દેખાશે. 1970નાં સમયને જીવંત કરવા માટે રંજીતે તેમના વસ્ત્રોની સાથે હેરસ્ટાઈલનો પણ અભ્યાસ કર્યો છે. કાબિલનના બોક્સિંગકોચ બનતા પશુપથી સિવાયના તમામ અભિનેતાઓના વાળ લાંબા છે, જમણી બાજુ પાથી પડેલી છે અને પાછળથી ગૂંચળો વળેલા છે. લાંબી, ઘટાદાર મૂછો છે.

પા. રંજીતની ફિલ્મની થીમ પહેલાથી કાસ્ટ સિસ્ટમ અને પોલિટિક્સ પર આધારિત રહી છે. અહીં ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીની ખાલી પૃષ્ઠભૂમિ હોવાનું રંજીત ઈન્ટરવ્યૂમાં પણ કહી ચૂક્યા છે. ખાલી વર્ષ છે, બીજો કોઈ આધાર લેવામાં આવ્યો નથી. હાલમાં આવેલી તુફાન જ્યાં કથામાં નબળી પડી ગઈ છે, ત્યાં એટલી જ લંબાઈની Sarpatta Parambaraiએ પટકથામાં સંતુલન જાળવ્યું છે.

ફિલ્મની શરૂઆતમાં તમને લેજન્ડરી બોક્સર મોહમ્મદ અલી દેખાશે. આર્યાને પણ તેની માફક જ બોક્સિંગ કરતો દેખાડ્યો છે. મોહમ્મદ અલીના સમયે રંગભેદનો મુદ્દો ઉછળ્યો હતો અને દલિતોમાં આભડછેટનો. આ બંનેને દિગ્દર્શકે એકઠા કરી દીધા છે. ફિલ્મ ખૂદ બોલે છે, ‘તમે જો ગુસ્સો કરો છો, તો કેટલું બધું ગુમાવો છો અને ક્યાંથી ક્યાં પહોંચી જાવ છો. પછી તમારા પર આધાર રાખે છે કે દરિયાની જેમ ભરતી બની પાછા આવો કે આજીવન ઓટ બનીને સ્થિર થઈ જાવ.’ ફિલ્મ એમ પણ શીખવાડે છે કે, ‘કેટલીક વસ્તુઓ જોવા માત્રથી આવડી જાય. નિરીક્ષણ સૌથી મોટો ગુરૂ છે.’

ધ ન્યૂઝ મિનિટની રિપોર્ટ પ્રમાણે આર્યાનું પાત્ર કબિલન મહોમ્મદ અલીથી પ્રેરિત છે. વેમ્બુલીના પાત્રને જોશો તો તેમાં ગુસ્સાથી ભરેલો માઈક ટાઈસન દેખાશે. તેની બોડી લેંગ્વેજ પણ એવી જ છે. અભિનેતા શબ્બીરે ડાન્સિંગ રોઝનું પાત્ર ભજવ્યું છે. જે બોક્સિંગ ડાન્સ કરતા કરતા કરે છે. શબ્બીરે બોક્સર નસીમ હમીદ (પ્રિન્સ નસીબ) માંથી પ્રેરણા લઈ પોતાનું પાત્ર ધારદાર બનાવ્યું છે. સંતોષ પ્રતાપે રમનનો રોલ પ્લે કર્યો છે. તેણે જ્યોર્જ ફોરમેનના કેરેક્ટરમાંથી પ્રેરણા લીધી છે. બસ, ફિલ્મમાં આર્યાની મહેતનને જુઓ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments