Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ 100 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. વહેલી સવારે હીરાબાનું સારવાર દરમિયાન નિધન થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના પરિવારજનોએ માતાને અંતિમ વિદાય આપી હતી. જેમ દરેક માતા-પુત્રને એક બીજા પ્રત્યે અનંત પ્રેમ હોય તેવી જ રીતે વડાપ્રધાન અને હીરાબા વચ્ચે પણ આવો જ પ્રેમ હતો. થોડા સમય પહેલાં હીરાબાના 100 વર્ષ પૂર્ણ થયા હતા. આ દિવસે વડાપ્રધાને માતા સાથેના જૂના સંસ્મરણો યાદ કર્યા હતા. પીએમએ એક બ્લોગ લખીને હીરાબાના સંઘર્ષને યાદ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ શું લખ્યું હતું ?
મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું. આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ચિંત થઈને સૂતાં હતાં, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં. મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ શક્યાં નહોતા. એટલે સ્વભાવિક છે કે, તેમને લખતાં-વાચતાં આવડ્યું નથી. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોડથી વંચિત રહ્યાં હતાં.
આજની સરખામણીમાં મારી માતાનું બાળપણ બહુ જટિલ સ્થિતિ સંજોગોમાં પસાર થયું હતું. કદાચ, કુદરતે તેમની આ જ નિયતિ ઘડી હતી. મારા માતા પણ માને છે કે, ઈશ્વરને ગમ્યું એ ખરું. પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું એ હકીકતનું આજે પણ તેમને દુઃખ છે.

આ પ્રકારના સંઘર્ષ અને જટિલ સ્થિતિસંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહૂ બન્યાં હતાં. પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયા હતા. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.
અમારું કુટુંબ વડનગરમાં એક નાનાં ઘરમાં રહેતું હતું, જેમાં એક બારી પણ નહોતી. શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધાની વાત જ કેવી રીતે થાય! અમે અમારા ઘરને એક-રૂમનું ટેનામેન્ટ કહેતાં હતાં, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતાં. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા – મારા માતાપિતા, મારા ભાઈબહેનો અને હું રહેતાં હતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
