આવતીકાલે તારક મહેતાનો જન્મદિવસ છે જેની શ્રેણી તો આવતીકાલે જ પૂરી થઈ જશે, પણ ક્રિકેટની દુનિયા પૂર્ણ થાય એમ નથી. ઓસ્ટ્રેલિયામાં આવતીકાલે બોક્સિંગ ડે છે. મુક્કાબાજી નથી કરવાની પણ ક્રિકેટ રમવાનું છે. લોકો આશ્ચર્યમાં ગરકાવ રહે છે કે એક તો ટેસ્ટ મેચ જે ક્રિકેટ હોય છે. તેમાં બોક્સિંગ શબ્દ કેવી રીતે ઘુસી ગયો? ઉપરથી 26 તારીખના રોજ જ. બીજા કોઈ દેશમાં રમાય કે ન રમાય ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાય જ જાય છે. આજે ઓસ્ટ્રેલિયાના એ જ બોક્સિંગ ડે મેચના ઈતિહાસની વાત કરીએ છીએ. જેમાં ઈતિહાસની સાથે અર્થવ્યવસ્થા અને શરત પણ લાગેલી છે અને બે કિસ્સાઓ પણ જોડાયેલા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા
બોક્સિંગ ડે મેચ પહેલાની પૂર્વભૂમિકા તો બાંધવાની જરૂર જ નથી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમી રહી છે. એડિલેડમાં પરાજય થયો છે. 36 રનમાં ઓલઆઉટ થવાનો કિર્તીમાન પણ રચી દીધો છે. હવે ટેસ્ટમાં ટકવા માટે જીતવું જરૂરી છે. બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ પવેલિયન પરત ન ફરી જાય તેની પણ કાળજી રાખવાની છે. જોકે હવે આપણે બોક્સિંગ ડેના ઈતિહાસ તરફ જઈએ.
બોક્સિંગમાં ક્રિસમસ
બોક્સિંગ ડેને ક્રિસમસની સાથે લેવાદેવા છે. ક્રિસમસમાં મળનારી ભેટ સાથે લેવાદેવા છે. એ બોક્સ જેને ક્રિસમસના દિવસે ગીફ્ટમાં આપવામાં આવે છે. પરિવારના કોઈ સભ્યો હોય તો તેને તો ગીફ્ટ 25 તારીખના રોજ ઘરે બેઠા જ મળી જાય. રહી વાત બહારના યારો-દોસ્તોની તો એ બિચારાઓને નથી મળતી. મળતી શું કામે નથી ? 26 તારીખે રજા હોય કે વિકેન્ડ હોય તેના કારણે. ક્રિસમસમાં આ હંમેશાં થાય છે. 26 તારીખના રોજ રજા હોય છે. જૂની અંગ્રેજી પ્રથા પ્રમાણે ક્રિસમસ બાદ કોઈ પણ પહેલો વિકેન્ડ એટલે કે શનિ કે રવિ પડે છે એ બોક્સિંગ ડે હોય છે. આ દિવસે જ ટપાલી, કામ કરનારાઓ, સામાન લેવા મૂકનારાઓને ભેટ મોકલવામાં આવે છે. આ દિવસથી જ બોક્સિંગ ડેની શરૂઆત થઈ હતી. થોડો સમય વિત્યો. વર્કિંગ ડે અને વીકેન્ડને હટાવી દેવામાં આવ્યા. હટાવવા પાછળનું કારણ પણ સહજ હતું. દુનિયા આધુનિક થવા લાગી હતી. એમેઝોન ફ્લિપકાર્ટ આવવા લાગ્યા હોય ત્યાં હવે જૂના અંગ્રેજી રીત રિવાજોનું શું કરવું ? પરિણામે થયું એવું કે 26 તારીખને પાક્કી કરી નાખવામાં આવી કે હવેથી 26 તારીખ એ બોક્સિંગ-ડે. નહીંતર બોક્સિંગ ડેનું મહત્વ ભૂંસાઈ જ જાત.
બોક્સિંગ ટેસ્ટનો ઈતિહાસ
બોક્સિંગ ડેનો ઈતિહાસ ખૂબ જૂનો છે. 1892ની સાલમાં વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ MCGના ગ્રાઊન્ડમાં ટકરાયા હતા. ક્રિસમસ પછીની આ મેચ હતી. જોકે ખરો ઈતિહાસ જોવો હોય તો 1950-51ની સાલમાં તેનો આરંભ થયો માનવામાં આવે છે. મેલબોર્નના ક્રિકેટ ગ્રાઊન્ડમાં તારીખ 22 ડિસેમ્બરથી 27 ડિસેમ્બરની વચ્ચે મેચ યોજાઈ હતી. ઓસ્ટ્રેલિયા આ મેચ 28 રનથી જીતી ગયું હતું. જે રેકોર્ડ મુજબ પ્રથમ કહેવાય.
વાત એક મેચની
એ 26 ડિસેમ્બર જ હતી. વર્ષ 1975નું હતું. ક્લાઈવ લોઈડના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝની તાકતવર ટીમ ઓસ્ટ્રેલિયાના ઘર આંગણે આવી હતી. આ ટેસ્ટમાં બે ખાસિયતો રહેલી છે. ફોર્મ ગુમાવી ચૂકેલા જેફ થેમ્પસને ટેસ્ટમાં અગિયાર ઓવર ફેંકી પાંચ વિકેટ લીધી હતી. જેથી તેને તેનું ફોર્મ પરત મળી ગયું હતું. બીજી વાત કે દિવસનો અંત થતા થતા ક્રિકેટના સૂરમા અને એ સમયના વિરેન્દ્ર સહેવાગ + ક્રિસ ગેલનું કોમ્બિનેશન ગણાતા વીવી રિચર્ડસને છેલ્લા બોલ પર ડેનિસ લીલીએ આઉટ કરી દીધો હતો.
સંયોગ રચાયો
26 ડિસેમ્બરના રોજ આ મેચને જોવા માટે સ્ટેડિયમમાં કુલ 85,596 વ્યક્તિઓની હકડેઠાઠ ભીડ ઉપસ્થિત હતી. 1975ની સાલ સુધી એકસાથે આટલા લોકોએ ટેસ્ટ મેચ જોઈ હોય તેવી આ પ્રથમ અભુતપૂર્વ ઘટના હતી. એ દિવસે જ બોક્સિંગ ડે પણ હતો અને ક્રિકેટનો સંયોગ રચાઈ ગયો. આ સંયોગ હવે દર વર્ષે થવાનો હતો.
કિસ્સો-એક-શરત જીતવી
આ સિરીઝની શરૂઆત થવાની હતી. જે પહેલા જેફ થેમ્પસને વેસ્ટ ઈન્ડિઝના એક વેપારી સાથે શરત લગાવી. શરત હતી કે જેફ અને વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર એન્ડી રોબર્ટ્સમાં સૌથી વધારે વિકેટ કોણ લેશે ? પ્રથમ બે ટેસ્ટ મેચ સુધીમાં જેફની પાસે ફક્ત ચાર વિકેટ હતી. બીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે તેમને ખબર મળી કે તેમના મિત્ર માર્ટિન બેડકોબરનું એક મેચ રમતા સમયે હ્રદય પાસે દડો લાગવાથી મોત થઈ ગયું છે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં જેફ થેમ્પસને પાંચ વિકેટ લીધી હતી. તેમણે જ્યારે ટેસ્ટ સિરીઝ પૂરી કરી ત્યારે કુલ 29 ટેસ્ટ વિકેટ લઈ ચૂક્યા હતા અને વિન્ડીઝના વેપારી સામેની શરત જીતી ચૂક્યા હતા.
કિસ્સો-બે-સીટી બજાઓ
બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પહેલા દિવસે જેફની બોલિંગ એટલી ખતરનાક હતી કે બેટિંગ કરતા સમયે લોરેન્સ રો, જે મોટાભાગે બેટિંગ કરતી વખતે સીટી વગાડતો હોય છે તે ચૂપચાપ હતો. આ વાતની ખબર સામેની વિકેટે ઊભેલા સાથી ખેલાડી રિચર્ડ્સને પડી તો તે તેની નજીક આવ્યો અને પૂછ્યું કે, તું સીટી કેમ નથી મારતો ? થોમ્પસને જવાબ આપ્યો, ‘જ્યારે જેફ થેમ્પસન તારી સામે આવી ઘાતક બોલિંગ કરી રહ્યો હોય, તો તમે આવું કરવા વિશે વિચારી પણ કેવી રીતે શકો ? બોલ જ નથી દેખાઈ રહ્યો. બોલ સામે આવે છે તો ટાઇમ જ નથી રહેતો કે સીટી વગાડીએ અને મનોરંજન કરીએ.’
ચેનલ-9
1979ની સાલમાં ચેનલ-9એ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટને બ્રોડકાસ્ટ કરવાના હકો ખરીદી લીધા. ક્રિકેટમાં પહેલા પૈસા નહોતા પણ પછી અચાનકથી પૈસાનો વરસાદ થવા લાગ્યો. ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થાને આનો ખૂબ ફાયદો થયો. દેશના બાબુઓએ આ તકને ઝડપી લીધી. ક્રિકેટે મેલબોર્નનો વિકાસ કરવામાં મોટો ફાળો આપ્યો. અગાઉથી જ ઓસ્ટ્રેલિયન ઓપન, મેલબર્ન કપ અને એએફએલ ગ્રાંડ ફાઈનલ રમાતા હતા. તેમાં હવે ક્રિકેટનું બ્રોડકાસ્ટિંગ થવાથી આવક થવા લાગી અને મેલબોર્ન શહેરનો વિકાસ થવા લાગ્યો.
રેકોર્ડ
વર્ષ 2013ની સાલમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલા બોક્સિંગ ડે મુકાબલાના પહેલા દિવસે સ્ટેડિયમમાં કુલ 91,112 દર્શકો હાજર હતા. જે અત્યાર સુધીનો એક કિર્તીમાન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત