ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં બહુ બધુ થયું છે, પરંતુ કેટલાક કિસ્સા એવા છે જે સાંભળીને મોઢું ખુલ્લુંને ખુલ્લું જ રહીં જાય. ભારતીય ક્રિકેટ ટીમ સાથે એકવાર એવું બન્યું હતું કે અડધી ટીમને સસ્પેન્ડ કરી દેવાઈ હતી. એ પણ દિગ્ગજ ખેલાડીઓને.
BCCIએ અડધી ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, પરંતુ ક્રિકેટરો પણ ટસના મસ ન થયા. ક્રિકેટરો સુપ્રીમ કોર્ટ સુધી ગયા જેના કારણે બોલ્ડ BCCIએ જ થવું પડ્યું.
કિસ્સો 1989નો છે. દિલીપ વેંગસરકરની આગેવાનીમાં ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝના પ્રવાસે ગઈ હતી જ્યાં બહુ ખરાબ રીતે હારી ગઈ. ટીમ હારી એનો BCCIને કોઈ વાંધો ન હતો, પરંતુ હાર્યા બાદ ટીમે જે કર્યું એના કારણે જ સમગ્ર વિવાદ સર્જાયો.
વેસ્ટઈન્ડિઝથી ટીમે પરત ફરવાનું હતું. જો કે, કેટલાક ખેલાડીઓએ એવું ન કર્યું. ભારત આવવાની જગ્યાએ તેઓ પ્રેક્ટીસ મેચ રમવા અમેરિકા અને કેનેડા જતા રહ્યા.
ખેલાડીઓનાં આ પગલાંથી બોર્ડના અધિકારીઓ રોષે ભરાયા. તાત્કાલિક બોર્ડની મિટિંગ બોલાવી. બોર્ડની મનાઈ હોવા છતાં ખેલાડીઓ અમેરિકા અને કેનેડા જતાં રહ્યાં એટલે બોર્ડને લાગ્યું કે કાર્યવાહી કરવી જ પડશે નહિતર ભવિષ્યમાં આવી હરકતો થતી જ રહેશે.
BCCIની નજરે આ અનુશાસન ભંગનો મામલો હતો. બોર્ડે એવી કડક સજા આપવાનો નિર્ણય લીધો જે ખેલાડીઓ માટે દાખલો બની જાય. લાંબી ચર્ચા અને વિચારણાં બાદ છ સિનિયર ખેલાડીઓ પર એક વર્ષ સુધી પ્રતિબંધ લાદી દેવાયો.
જે ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવાયો હતો તેમાં સુકાની દિલીપ વેંગસરકર, કપિલદેવ, મોહમ્મદ અઝરૂદ્દીન, કિરણ મોરે, રવિ શાસ્ત્રી અને અરૂણ લાલ સામેલ હતા.
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવું મોટું પગલું લેવાયું હતું. એટલે ચારે તરફ ચર્ચા તો થવાની જ હતી. તેમજ ખેલાડીઓમાં સુનામી આવવાની જ હતી.
બોર્ડનું માનવું એવું હતું કે ખેલાડીઓ ડરી જશે અને માફી માગી લેશે. એવું પણ લાગી રહ્યું હતું કે આ નિર્ણયથી ખેલાડીઓનું કેરિયર પણ પૂરું થઈ જશે, પરંતુ ક્રિકેટરો પણ લડી લેવાના મૂડમાં હતા. તમામ ખેલાડીઓએ ચર્ચા કરી. વકીલની સલાહ લીધી અને સુપ્રીમ કોર્ટના શરણે જતા રહ્યા.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અને જે ચુકાદો આપ્યો તેનાથી BCCIના પગ નીચેથી જમીન ખસી ગઈ. કોર્ટે માત્ર પ્રતિબંધ જ ન હટાવ્યો પરંતુ ચોક્કસ સમયમાં મામલો પતાવવાનો નિર્દેશ પણ કર્યો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે BCCI ક્રિકેટરો પર પ્રતિબંધ ન મુકી શકે. સારું રહેશે કે બંને પક્ષ વાતચીતથી વિવાદનો અંત લાવે. આ માટે કોર્ટે એક ચોક્કસ સમય પણ આપ્યો હતો.
BCCI બાજી તો હારી ચુકી હતી પરંતુ નાક ન કપાય તે માટે એક કામ કર્યું. મામલાની પતાવટ માટે એક કમિટીની રચના કરી. જેના રિપોર્ટના આધારે ખેલાડીઓને ફરી ટીમમાં સામેલ કરાયા હતા.
આ સમગ્ર ઘટનામાં એક જ વ્યક્તિને નુકસાન થયું હતું તે હતા વેંગસકર. ઘટના બાદ વેંગસરકર પાસેથી કેપ્ટનશીપ જતી રહી હતી. વેંગસરકર બાદ ટીમની કમાન મોહમ્મદ અઝરૂદ્દીને સોંપી દેવાઈ હતી.