Team Chabuk-National Desk: દેશમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા સવા લાખને પાર થઈ ગઈ છે. તો કોરોના ટીકાકરણને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની વચ્ચે તણખા ઝરી રહ્યા છે. વેક્સિન ખૂટી પડ્યાની વાતો ઠેકઠેકાણેથી આવી રહી છે. વેક્સિન ન હોવાના કારણે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડમાં ટીકાકારણ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં વેક્સિન પર અસંખ્ય જિલ્લા કેન્દ્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે વેક્સિનનો સ્ટોક ખલ્લાસ થઈ ગયો છે. રાજ્યના સતારામાં તો વેક્સિનનો સ્ટોક સાવ ખલ્લાસ થઈ ગયો છે. લોકોએ વેક્સિન લીધા વિના પરત ફરવું પડી રહ્યું છે. બીજી બાજુ વારાણસીનો પણ આ જ હાલ છે. માહિતી મળી છે કે અહીં પણ કતારમાં ઊભેલા લોકોને પરત મોકલવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ અંગે કહ્યું છે કે વેક્સિનના વિતરણમાં મહારાષ્ટ્રની સાથે ભેદભાવ થયો છે.
દિલ્હીમાં કોરોના વેક્સિનની ઉણપ
આ વચ્ચે દિલ્હીમાં પણ કોરોના વેક્સિનની ઉણપ ઉત્પન્ન થઈ છે. દિલ્હીમાં વેક્સિનના જથ્થાની અછતનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં હજુ પણ સાતથી પાંચ દિવસ સુધી વેક્સિનનો સ્ટોક બચેલો છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં વેક્સિન લગાવવાની ઝડપ ઓછી થઈ છે. કેન્દ્રની હોસ્પિટલોમાં માત્ર ત્રીસથી ચાલીસ ટકા વેક્સિન લગાવવામાં આવતી હોવાનો દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ દાવો કર્યો છે. જોકે તેમણે બાદમાં કહ્યું કે, આ સમય રાજનીતિ કરવાનો નહીં પણ સાથે મળીને કોરોનાની વિરૂદ્ધ લડવાનો છે.
મહારાષ્ટ્રના જિલ્લાઓમાં ટિકાકરણ ઠપ્પ
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં, નવી મુંબઈ અને વાશિમમાં એક દિવસનો સ્ટોક બચેલો છે. કેટલાય ટીકાકરણ કેમ્પ પર વેક્સિનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોને ધક્કો થયો છે. મંગળવારના રોજ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ દાવો કર્યો હતો કે, રાજ્યમાં માત્ર ત્રણ દિવસનો વેક્સિનનો જથ્થો બચ્યો છે. રાજેશ ટોપેના નિવેદન પર કેન્દ્રિય મંત્રી હર્ષવર્ધને પ્રતિનિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર રાજનીતિ કરી રહી છે. કોઈ પણ રાજ્યમાં વેક્સિનની ઉણપ નથી. પર્યાપ્ત માત્રામાં રાજ્યોને વેક્સિન મોકલવામાં આવી રહી છે.
ઓરિસ્સામાં બે દિવસનો જથ્થો
મહારાષ્ટ્ર બાદ ઓરિસ્સાએ પણ વેક્સિનનો જથ્થો ન હોવાનું રટણ કર્યું હતું. ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નબા કિશોર દાસે કહ્યું હતું કે, અમારી પાસે માત્ર બે દિવસનો જથ્થો બચ્યો છે. વેક્સિન નહીં મળે તો આવનારા સમયમાં લોકોને ફક્ત વેક્સિનેશન કેન્દ્ર ખાતે ધક્કો થશે. વધુમાં તેમણે કહ્યું કે, 1400 ટીકાકરણ કેન્દ્રોમાંથી 700 કેન્દ્રોને તો બંધ કરી દેવા પડ્યા છે. રોજ દોઢ લાખ વેક્સિન લગાવવામાં આવી રહી છે. હાલ સ્ટોકમાં 5.34 લાખ વેક્સિન બચી છે. તેમણે કહ્યું કે, વેક્સિનના સ્ટોક મુદ્દે કેન્દ્રને પત્ર લખીને અવગત કરવામાં આવ્યા છે. અમે તેમની પાસેથી 25 લાખ વેક્સિનની માગ કરી છે.
કોરોના પર પ્રધાનમંત્રીની ચર્ચા
તો કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને પ્રધાનમંત્રી ગુરૂવારના રોજ મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા વિમર્શ કરશે. જોકે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પહેલા વેક્સિનના જથ્થાની ઉણપ હોવાની વાતો શરૂ થઈ ચૂકી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત