Homeગુર્જર નગરીરાજ્યના આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દતમાં વધારો, વોટરપાર્ક અને સ્વિમિંગ પૂલ અંગે...

રાજ્યના આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દતમાં વધારો, વોટરપાર્ક અને સ્વિમિંગ પૂલ અંગે લેવાયો મહત્વનો નિર્ણય

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતિના થઈ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં હાલ રાત્રિ કર્ફ્યૂ રાત્રે 10 થી સવારે 6 સુધી અમલમાં છે.

આ રાત્રિ કર્ફ્યૂની મુદ્દત તા.20 જુલાઈ-2021 મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે 31 જુલાઈ-2021 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની સમયાવધિ હવે, તા.1 ઓગસ્ટ-2021 સવારે 6 કલાકે પૂરી થશે.

કોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમિંગ પૂલ તા.20 જુલાઇ-2021 થી તેની ક્ષમતાના 60 ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.31 જુલાઈ-2021 સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે અન્યથા આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહિ.

રાજ્યમાં પ્રાયવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ તા.20 જુલાઈ-2021થી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. તદઅનુસાર, પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના 75 ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. (તમામ ડ્રાઇવર અને કંડકટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે)

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં હોટલ, રિસોર્ટસ-રેસ્ટોરન્સ અને વોટર પાર્કસને એક વર્ષ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવા અગાઉ તા.7મી જૂને નિર્ણય કરેલો છે. આ મુજબ રાજ્યમાં વોટર પાર્કસ માટે પણ ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ જ આકારવામાં આવશે પરંતુ ફિકસ ચાર્જ લેવાશે નહિ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ નિયંત્રણના અન્ય નિયમો અને ગૃહ વિભાગ દ્વારા લાગુ કરાયેલા અન્ય નિયંત્રણો તા.31મી જુલાઈ-2021 સુધી યથાવત રાખવાની પણ સૂચનાઓ આપી હતી.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments