Team Chabuk-Gujarat Desk: પ્રભુનું ભજન કરતાં કરતાં પ્રાણ છૂટે તો આપણે કહીએ કે જીવ ભગવાનના ધામમાં પહોંચ્યો. મોત સારું મળ્યું. ત્યારે આ વાત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગણેશપર ગામના પરસોત્તમભાઈ ભાગીયાના કિસ્સામાં સાચી પડી છે. ટંકારાના ગણેશપર ગામે પરસોત્તમભાઈ ભાગીયાએ હરીને ભજતાં ભજતાં જ પોતાનો પ્રાણ છોડ્યો છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગણેશપર ગામ મુકામે ભાગીયા પરિવાર દ્વારા તા. 03/04/22 થી 09/04/22 સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું. આ આયોજન પરસોત્તમભાઈ ઘેલાભાઈ ભાગીયા તથા વાઘજીભાઈ ઘેલાભાઈ ભાગીયા દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું. આ કથાની પૂર્ણાહુતિની આગળની રાત્રિએ તારીખ 08/04/22 ને શુક્રવારના રોજ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંતવાણીમાં હાસ્ય કલાકાર હિતેશ અંટાળા તથા ભજનીક પૂજાબેન ચૌહાણ અને સાજીંદા સુરેશભાઈ પટેલ વાવડીવાળા દ્વારા સૌ ભક્તોને ભક્તિમય બનાવ્યા હતા. આ ભવ્ય સંતવાણી દરમિયાન એક અનોખી ઘટના ઘટી, જે ભાગ્યે જ બનતું હોય છે. જેમા સપ્તાહના આયોજક પરસોત્તમ બાપાએ 66 વર્ષની ઉંમરે મધ્યે રાત્રીના સમયે પોતાના આ ભક્તિમય કાર્ય દ્વારા ધૂન કીર્તન અને નાચગાન કરતા કરતા પોતાનાં આત્માને દેવમય બનાવી અને દેવલોકમાં પ્રયાણ કર્યું.
ખરેખર કહેવાય છે કે જેના પિતૃઓના મોક્ષાર્થે આવું ભવ્ય આયોજન કર્યું હોય એવા આ આત્માને ભગવાન વૈકુંઠમાં વાસ આપે. તેમજ પરસોત્તમ બાપાએ કથા પહેલા એક મહિનાની ચારધામની યાત્રા પણ પૂર્ણ કરી હતી અને ત્યારબાદ આવીને આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કર્યું હતું. આ સપ્તાહ દરમિયાન જ પરસોત્તમ બાપાએ પોતાની જીવન લીલા સંકેલી લીધી.

ત્યારબાદ એક દિવસ બાકી રહેતી કથા નિર્વિઘ્ને કથાકાર દ્વારા બપોરે સુધીમાં પુરી પૂર્ણ કરીને પરસોત્તમ બાપાના પાર્થિવ દેહને કથાના સભાખંડમાં જ દર્શનાર્થે મૂકવામાં આવ્યો અને બહોળી સંખ્યામાં પરીવારજનો, સમાજશ્રેષ્ઠી તથા શ્રોતાજનોએ અંતિમ દર્શન કર્યા અને ત્યારબાદ સૌ સાથે રહી સ્મશાનયાત્રામાં જોડાયા. જેમાં વક્તા શ્રી પંકજભાઈ જાની તથા સાથે આવેલ શાસ્ત્રીઓ દ્વારા શાસ્ત્રોકત મંત્રો દ્વારા અને આર્ય સમાજના યજ્ઞ દ્વારા પરસોત્તમ બાપાના પાર્થિવ દેવને પંચમહાભૂતમાં વિલિન કરવામાં આવ્યો.

ખરેખર પરસોત્તમ બાપા એક સાચા સંસારી સંત તરીકેનું કામ કર્યું છે. જેમાં તેઓએ પોતાના વાડી પાસે પોતાના દ્વારા જ બનાવેલ માલ ઢોરને પીવા માટેના અવેડામાં છેલ્લા 40 વર્ષથી અવિરત પાણી ભરી રાખતા અને માલ ઢોરનાં કોઠાને તૃપ્ત કરાવતા. તેમજ ગામમાં કોઈ પણ સાર્વજનિક કામ હોય તો ત્યાં પરસોત્તમ બાપા અચૂક હોય પછી ભલેને રામામંડળ હોય કે પછી ત્રાસા મંડળ હોય. નાના તેમજ મોટાઓ તેઓના અદભુત પ્રેમને નાતે પરસોત્તમ બાપાને સાથે રાખ્યા વગર કોઈપણ કામ ન કરતા. તેઓના ગ્રામજનો દ્વારા ગામમાં ટૂંક સમય પહેલા બનાવેલા રામાપીરના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ તેઓના હસ્તે જ કરવામાં આવેલ. અંતમાં આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ભાવિક ભક્તો દ્વારા જે પણ દાન ભેટ આવે તેમાંથી પણ ગામના પાદરે મુખ્ય ગેટ બનવાનું નક્કી કરેલ હતું.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ