Team Chabuk-Gujarat Desk: દુનિયામાં રોજ કેટલાય વિચિત્ર કિસ્સાઓ બનતા રહે છે. જેમાંથી એક કિસ્સો સુરતમાં બન્યો છે. આ કિસ્સામાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. એક પરિવાર ખાધા-પીધા વગરનો દોડતો રહ્યો. એટલો ચિંતિત હતો કે તેમની ઉંઘ પણ હરામ થઈ ગઈ હતી. જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી તે મહાનુભાવનું નામ છે રાઘવેન્દ્ર ઉર્ફે ભારત શરમણ કેવટ.
શું છે સમગ્ર મામલો
સુરતમાં સચિન-તલંગપુર વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાંથી શંભૂ નામનો એક 8 વર્ષનો બાળક અચાનક ગુમ થઈ જાય છે. શંભૂ ગુમ થતાં તેના પિતા બિપ્રચર્ણ ગૌડ અને તેનો પરિવાર આસપાસમાં શોધવા લાગ્યો હતો. થોડીવાર માટે સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસમાં અને શંભૂના મિત્રોને ત્યાં તેમજ નજીકના રસ્તાઓ પર શોધ્યા બાદ પણ શંભૂ ન મળતા આખરે પરિવાર સચિન GIDC પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અપહરણની ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે આ ગુનાનો ભેદ વહેલી તકે ઉકેલવા માટે કવાયત શરૂ કરી દીધી હતી.
પોલીસે પોતાના સોર્સને દોડાવ્યા ઉપરાંત સોસાયટી નજીકના CCTV ફૂટેજ પણ તપાસ્યા હતા. તપાસમાં પોલીસને એક ફૂટેજ મળ્યા હતા જેમાં આરોપી રાઘવેન્દ્ર શંભૂને લઈને એક રિક્ષામાં લઈ જતો નજરે પડ્યો હતો. પોલીસે અપહરણ પાછળના કારણો પણ તપાસવા માટે કવાયત શરૂ કરી હતી. જેમાં ખંડણી તેમજ અંગત અદાવાતમાં અપહરણ થયું હોવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ હતી. પોલીસ ખંડણીના ફોનની પણ રાહ જોઈ રહી હતી. જો કે, જેવું પોલીસ વિચારી રહી હતી એવું કશુ થયું ન હતું જેથી પોલીસે આરોપીની ઓળખ કરી તેનું લોકેશન સ્ટ્રેસ કર્યું હતું.
લોકેશનના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મહારાષ્ટ્રના ભુસાવલ રેલવે સ્ટેશન નજીક છે. લોકેશન મળ્યા બાદ પોલીસ તાત્કાલિક તે સ્થળે પહોંચી ગઈ હતી અને અપહ્યત બાળકને સહીસલામત છોડાવી લીધું હતું. બાળક પરત મળતા માતા-પિતાની સાથે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
બાળકને છોડાવ્યા બાદ પોલીસે આરોપી રાઘવેન્દ્રની કડક શબ્દોમાં પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ જે કબૂલાત કરી તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીએ કબૂલ્યું કે તેણે કોઈ બદઈરાદાથી નહીં પરંતુ જેલ જોવા માટે બાળકનું અપહરણ કર્યું હતું. આરોપીએ કહ્યું કે, તેને મોટી જેલ કેવી હોય છે તે અંદરથી જોવી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તે ત્રણથી ચાર વાર સુરતની લાજપોર જેલ જોવા પણ ગયો હતો જો કે, ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને બહારથી જ ભગાડી મૂક્યો હતો. એટલું જ નહીં આ મહાશયને ટીવીમાં ચમકવાનો પણ શોખ હતો. તેણે કહ્યું કે જેલ જોવા ઉપરાંત મારે પ્રેસ મીડિયામાં પણ પ્રસિદ્ધિ મેળવવી હતી એટલે જ મેં અપહરણની યોજના બનાવી હતી.
પોલીસને આરોપીએ કરેલી કબૂલાત પર હજુ શંકા છે જેને લઈને વધુ તપાસ શરૂ કરી છે. જો કે, આરોપીએ એવો પણ દાવો કર્યો છે કે, જો તેને બાળકનું અપહરણ બદઈરાદે જ કે ખંડણી માગવા કર્યું હોત તો તેણે મોબાઈલ ચાલુ જ ન કર્યો હોત. જ્યારે આરોપીની શોધખોળ ચાલી રહી હતી ત્યારે તે વારંવાર ફોન ચાલુ-બંધ કરતો હતો. આરોપીએ કહ્યું કે હું એવું એટલા માટે જ કરતો હતો કે પોલીસ મારા સુધી પહોંચી શકે.
આમ, જેલ જોવાની ઘેલછામાં રાઘવેન્દ્રએ એક પરિવારનો જીવ તાળવે ચોંટાડી દીધો હતો. ફરિયાદીએ પોલીસ પાસે રાઘવેન્દ્ર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માગણી કરી છે. બીજી તરફ હવે પોલીસે રાઘવેન્દ્ર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ જેલ જોવા ઈચ્છતા રાઘવેન્દ્રને હવે સાચે જેલમાં જવાનો વારો આવ્યો છે. જેલમાં જઈને તેનું જેલ જોવાનું ભૂત ઉતરી જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત