Team Chabuk-Literature Desk: એક દુ:ખની વાત આપની સામે રાખું છું. ગુજરાતીના નવા પુસ્તકોનું યોગ્ય વિવેચન નથી થઈ રહ્યું, કારણ કે તેમને વાંચીને કોઈને સમય બગાડવાની ઈચ્છા નથી. જેના કારણે નવા લેખકોને ચરવા માટે ખુલ્લુ ખેતર મળી ગયું છે. એ ગમે તે આલતુ ફાલતુ વિષય ઉપર ઢસડી નાખે છે. બે-બે મહિના સુધી ફેસબુક પર પ્રમોશન કરે. ફેસબુકમાં એનાં બધા ખોબલે ને ખોબલે વખાણ પણ કરે. એની પીઠ થપથપાવે છે. જેથી નવા લેખકને તો બીજી ચોપડી લખવાનું પોરસ ચડે છે. છ મહિનામાં જ એનું બીજું ચોપડું આવી જાય છે. આવા પ્રકાશકો પણ છે!!
એવું નથી કે વિવેચકો છે નહીં. છે અને બરાબરનાં ટીપી નાખે એવા છે. પણ એ પહેલા ગુજરાતી પુસ્તકોનું વિવેચન કરતાં હતાં, એ વિવેચન પૂર્ણ થતાં હવે એ પશ્ચિમી સાહિત્યકારોનું વિવેચન કરવામાં વ્યસ્ત અને મસ્ત થઈ રહ્યા છે. એ હવે ફલાણા લેખકની વાર્તાને જયંત ખત્રીની વાર્તા સાથે સરખાવે છે અને તુલનાત્મક અધ્યયન કરી પેપર પબ્લિશ કરે છે. વિવેચકો પણ ફેસબુક આવતા પ્રસિદ્ધીમાં પડ્યા છે અને નવા લેખકો તો પહેલાથી જ પ્રસિદ્ધિ પામવા આવ્યા છે. હવે જે થવાનું છે એ જોવા જેવું થવાનું છે.
ગઈકાલે નવી હિન્દીનાં લેખક તરીકે ઓળખાતા દિવ્ય પ્રકાશ દૂબેએ ટાંકેલું કે, અમેય મફતમાં કામ કરીશું તો ભવિષ્યની પેઢીને પણ કરવું પડશે. એ પછી નવી પેઢી અમને પૂછશે, કે તમે શું કર્યું ? તો અમે શું જવાબ આપીશું ?
આવું આપણા કિસ્સામાં વહેલું મોડું થશે. ભવિષ્યનો કોઈ સારો ગુજરાતી લેખક આપણને પૂછવાનો જ છે કે આપણા સિનીયરોએ કચરો લખનારાઓને રોક્યા કેમ નહીં. વાસ્તવિકતા એ છે કે આ જમાનામાં કોઈને કહેવાતું નથી.
કદાચ આપણા સાહિત્યકારો ને વિવેચકો એમ જ માની રહ્યા છે કે સાહિત્યનાં સામાયિકમાં જે કૃતિ પ્રગટ થાય એ જ સાચું સાહિત્ય અને તેનું જ વિવેચન કરવાનું હોય. તો જણાવી દઉં કે આવી કૃતિઓ તો બે વર્ષે માંડ આવે છે.
એક ખેડૂત પોતાના ખેતરનું એ જગ્યાએ ઊભી ધ્યાન રાખી રહ્યો છે જ્યાંથી કોઈ ઢોરનું ધણ બે કે ત્રણ મહિનામાં એક જ વખત પસાર થાય છે. એનું પાછળની બાજુ તો ધ્યાન જ નથી. જ્યાંથી ગમે તે ઘુસી જાય છે. દિવ્ય ભાસ્કરમાં આવતી રઘુવીર ચૌધરીની કોલમમાં પણ જોઉં છું. એ ભાગ્યે જ કોઈ લેખકની કડક શબ્દોમાં આલોચના કરે છે.
સુરેશ જોષીએ ચિન્તયામિ મનસા નામના વિવેચન સંગ્રહમાં એક નિબંધ લખ્યો છે. નિબંધનું શીર્ષક છે, ‘નવ્ય વિવેચન’ વિશે થોડું. અહીં બીજા જ ફકરામાં તેઓ લખે છે કે, ‘માતબર સાહિત્યકૃતિઓનું સર્જન નથી થતું ત્યારે વિવેચન આધિપત્ય ભોગવે છે એમ કહેવાય છે.’
ગુજરાતી સાહિત્યમાં કેટલી ખરાબ પ્રોડક્ટો પેદા થઈ રહી છે તેની તમને અત્યારે ખબર નહીં પડે. આ વાંચનાર જો કોઈ લેખક હોય તો એમણે ખૂદની અંદર ડોકિયું કરી જોવું કે હું કોઈ પુસ્તકને એટલા માટે તો શાબાશી નથી આપી રહ્યોને કે એ મારા મિત્રનું છે. જો એવું કરી રહ્યા છો તો તમે તમારા મિત્રની સાથે કપટ કરી રહ્યા છો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત