Team Chabuk-Gujarat-Desk : સવાલ ચોક્કસ થાય જ્યારે એક જ તંત્ર બે મોઢાની વાત કરે. સવાલ ચોક્કસ થાય જ્યારે તંત્ર એકને ગોળ અને અન્યને ખોળની નીતિ અપનાવે. સવાલ ચોક્કસ થાય જ્યારે તંત્ર રાજકીય પાર્ટીઓનો હાથો બનીને કામ કરે. સવાલ ચોક્કસ થાય.
આ જનતાનો રોષ છે. કોરોનાકાળમાં નિયમો બનાવી દેવાયા. પરંતુ જેમ શબ્દોનો અપભ્રંશ થઈને અન્ય શબ્દ બની જાય અને પછી તે તેવી રીતે જ ઓળખાય છે તેમ ગુજરાતમાં નિયમોનો પણ અપભ્રંશ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ અમલમાં મૂકવામાં આવે છે. કેમ કે, રાજકીય પક્ષો સુધી તો તેમને હાથ પહોંચતો નથી. ત્યાં તેમણે બનાવેલા નિયમો ચાલતા નથી એટલે સૂડી વચ્ચે સોપારી બને કોણ ?
જામનગરના સમાચાર મળ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે. જામનગરમાં ભીમવાસ વિસ્તાર અને નવાગામ ઘેડ તેમજ જોડિયા ભૂંગા સહિતના વિસ્તારમાં પોલીસ પહોંચી ગઈ હતી અને ડીજે ઓપરેટરની અટકાયત કરી લેવાઈ. તેમની સાઉન્ડ સિસ્ટમ પણ જપ્ત કરી લેવાઈ કેમ કે અહીં કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ ન હતો અહીં લગ્નપ્રસંગમાં ડીજેના તાલે લોકો ઝુમી રહ્યા હતા.
આરોપ છે કે, કાર્યક્રમ મોડી રાત્રે ચાલી રહ્યો હતો એટલે પોલીસે તેમના ડી.જે જપ્ત કર્યા છે અને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. એક જ રાતમાં પાંચથી છ ગુના નોંધાતા લગ્નપ્રસંગના આયોજકોમાં દોડધામ મચી ગઈ છે. મોડી રાત્રે ડી.જે વગાડીને ચોક્કસ આયોજકોએ નિયમનો ભંગ કર્યો છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી પણ વ્યાજબી છે. જોકે, જેવી ધગશ પોલીસે આ કાર્યક્રમમાં દરોડા પાડવામાં દેખાડી છે તેવી ધગશ જો રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ અને નેતાઓ નિયમ તોડે ત્યારે બતાવવાની પણ જરૂર છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ઓછો થયો છે. જોકે, સતર્કતા જરૂરી છે. કોરોના અંગેની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. રાજકીય પાર્ટીઓના ચૂંટણી અંગેના કાર્યક્રમોમાં આ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. લગ્નપ્રસંગમાં 200 લોકોથી વધુને છૂટ નથી મળતી પરંતુ રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં હજારો લોકો એકઠાં થઈ રહ્યા છે. ક્યારેક એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે જેમાં જે પોલીસ સામાન્ય જનતાને દંડ ફટકારી રહી છે તે જ પોલીસના જવાનો રાજકીય પાર્ટીઓના કાર્યક્રમમાં બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે.
પોલીસની આ નીતિના કારણે જનતાનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. જનતાનો વિશ્વાસને વધુ દ્રઢ બનાવવા માટે પોલીસે પોતાની નીતિમાં સુધારો કરવાની જરૂર છે. પોલીસ વિભાગમાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચારી કે બેવડી નીતિવાળા છે એવું પણ નથી. કેટલાક કર્મચારીઓ રાજકીય નેતાઓને પણ નિયમોના પાઠ ભણાવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત