Team Chabuk-Sports Desk: ભારતીય ટીમનો આફ્રિકાનો પ્રવાસ બોક્સિંગ ડે ટેસ્ટથી શરૂ થયો હતો. ભારતના આફ્રિકા પ્રવાસ પૂર્વે આંતરિક કેટલીય અડચણો હતી પણ ભારતે જીત મેળવી. ભારતે સેન્ચુરિયન ટેસ્ટમાં આફ્રિકાને 113 રનથી હરાવી દીધું છે. આ મેદાન પર અત્યાર સુધી આફ્રિકાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. સેન્ચુરીયન એ મેદાન છે જ્યાં આ ટેસ્ટ પૂર્વે આફ્રિકાએ 26 ટેસ્ટ રમી હતી અને તેમાંથી ફક્ત બેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે હારનો આંકડો ત્રણ સુધી પહોંચી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયાના ગાબામાં ગાભા કાઢેલા
ભારતે ગાબામાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમના ઘમંડને ચકનાચૂર કર્યાં પછી આફ્રિકા જ્યાં મજબૂત દેખાતી હતી એ સેન્ચુરીયનના મેદાનમાં જ તેને પછડાટ આપી છે. આ વર્ષની શરૂઆતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં, ગાબાના મેદાનમાં પરાજય આપ્યો હતો. આ મેદાન પર ઓસ્ટ્રેલિયાની ટીમ 32 વર્ષ બાદ હારી હતી. આ વર્ષે જ ભારતની ટીમે ઈંગ્લેન્ડની ટીમને ઓવેલના મેદાનમાં હરાવી હતી. ઓવેલમાં ઈંગ્લેન્ડની ટીમ 50 વર્ષ બાદ હારી હતી.
ભારત ત્રણ મેચ રમ્યું હતું
ભારત પહેલા સેન્ચુરીયનના મેદાનમાં આફ્રિકાને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ જ હરાવી શકી હતી. આફ્રિકાની ટીમ પોતાનો અંતિમ મેચ અહીં વર્ષ 2000માં હારી હતી. એ પછી યોજાયેલા પાંચ મેચમાંથી આફ્રિકાએ ત્રણમાં વિજય પ્રાપ્ત કર્યો. જ્યારે એક મેચ ડ્રો રહ્યો હતો. હવે સેન્ચુરીયનના મેદાન પર 21 વર્ષ બાદ ભારતે આફ્રિકાને હરાવી તેના અજય રહેવાના કિર્તીમાનને ધ્વંસ કરી દીધો છે. ભારતીય ટીમ અહીં ત્રણ મેચ રમી હતી જેમાંથી બેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચ વર્ષ 2010માં ઈનિંગ અને 25 રનથી હાર્યું હતું, જ્યારે વર્ષ 2018માં યોજાયેલા બીજા મેચમાં ટીમ ઈન્ડિયાને 135 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
આફ્રિકા રેકોર્ડથી અવ્વલ હતું
સેન્ચુરીયનના મેદાનમાં આફ્રિકાની ટીમનો રેકોર્ડ અવ્વલ રહ્યો છે. એક જ મેદાનમાં સૌથી વધારે જીત મેળવી હોય તેમાં આફ્રિકાની ટીમ બીજા નંબર પર છે. પાકિસ્તાને કરાંચીના 43માંથી 23 મેચ જીત્યા છે અને આ લિસ્ટમાં પ્રથમ નંબર પર છે. પરંતુ પાકિસ્તાનની જીતની ટકાવારી 53.49ની છે, જ્યારે સેન્ચુરીયનમાં આફ્રિકાના મેચની જીતની ટકાવારી 80 ટકા છે. ઈંગ્લેન્ડે ક્રાઈસ્ટચર્ચમાં 15માંથી આઠ અને ભારતે મોહાલીમાં 13માંથી સાત મેચ જીત્યા છે. ઈંગ્લેન્ડે ડરબનમાં 16માંથી છ મેચમાં જીત પ્રાપ્ત કરી છે.
21 વર્ષ બાદ ભૂંડો પરાજય
આફ્રિકાની ટીમ પોતાના ઘરમાં નવમાંથી છ ટેસ્ટ મેચ હારી ચૂકી છે. એવામાં ભારતે ટીમના ખરાબ ફોર્મનો ફાયદો ઉઠાવ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા આફ્રિકાને તેના જ ઘરમાં હરાવી પ્રથમ વખત સીરિઝ પોતાના નામે કરી. આફ્રિકાની ટીમે સેન્ચુરીયનમાં 27 ટેસ્ટ મેચ રમી હતી અને 21માં જીત પ્રાપ્ત કરી હતી. ફક્ત ત્રણ મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2000માં આફ્રિકા સામે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં બે વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. આ અંતિમ વખત હતું જ્યારે આફ્રિકા સેન્ચુરીયનના ગઢમાં હારી હોય. એ પછી 21 વર્ષ બાદ ટીમને ભારતના હાથે ભૂંડો પરાજય મળ્યો છે.
મેચમાં શું થયું?
મેચની જો વાત કરવામાં આવે તો ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં કે.એલ.રાહુલની સદીની સહાયતાથી 327 રનનો સ્કોર ઊભો કર્યો હતો. જેની સામે આફ્રિકાની ટીમ 197 રનમાં ઢેર થઈ ગઈ હતી. જેના કારણે ભારતને પ્રથમ ઈનિંગમાં 130 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ભારતની ટીમે 174 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાને 305 રનનો ટાર્ગેટ મળ્યો. જવાબમાં આફ્રિકાની ટીમ 191 રનમાં પવેલિયન પરત ફરી ગઈ. ટેસ્ટના બીજા દિવસે વરસાદ પડ્યા બાદ બેટીંગ લાઈનઅપ તહેસ નહેસ થઈ જ્યારે બોલિંગનું આક્રમણ વેધક રહ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત