Team Chabuk-Gujarat Desk: ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં શિયાળુ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. તુવેર, ચણા, રાયડો, ઘઉં, જીરું સહિતના પાક ઘણી જગ્યાએ તૈયાર થઈ ગયા છે તો અમુક જગ્યાએ તૈયારીમાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. જો કે ભારતીય કિસાન સંઘ-રાજકોટ દ્વારા ચણાની સાથે સાથે ઘઉંની ખરીદી કરવાની પણ માગ કરાઈ છે. આ ઉપરાંત ચણાની ખરીદીની અંદર ખેડૂતો પાસેથી કેટલા વજનનો માલ લેવામાં આવશે તેની માહિતી આપવા પણ કડક રજૂઆત કરાઈ છે.
એક અખબારી યાદીમાં ભારતીય કિસાન સંઘ દ્વારા જણાવાયું હતું કે, ‘સરકારે ચણાની ખરીદીની જાહેરાત કરી દીધી છે. ચણાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ચુક્યું છે. પરંતુ શિયાળુ પિયતની અંદર ચણા અને ઘઉં બન્નેનું વાવેતર સાથે થાય છે ત્યારે ચણાની ખરીદીની જાહેરાત થઈ છે પરંતુ ઘઉંની ખરીદીની જાહેરાત કેમ નથી કરવામાં આવી. કિસાન સંઘની માગ છે કે ઘઉંનું ઉત્પાદન પણ ચણાની સાથે થતું હોવાથી તાત્કાલિક ધોરણે એફસીઆઈ દ્વારા ઘઉંની ખરીદી કરવામાં આવે. જેથી ખેડૂતોનો માલ મફતના ભાવે વેચાઈ ના જાય.’
ચણાની કેટલી ખરીદી કરશો તે જણાવો
સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે પરંતુ એક ખેડૂત પાસેથી કેટલા વજનમાં ચણાની ખરીદી કરવામાં આવશે તેની જાણ કરવામાં આવી નથી. આ અંગે ભારતીય કિસાન સંઘે સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ‘ગત વર્ષે ચણાની ખરીદીમાં સરકારે મોટું નાટક કર્યું હતું. 125 મણની ખેડૂત ખાતેદાર પાસેથી ચણાની ખરીદી ચાલુ હતી. અને સરકારે કોઈપણ જાતની જાહેરાત કર્યા વગર રાતોરાત ખરીદી બંધ કરી દીધી હતી. બાદમાં ખેડૂતોના આંદોલન અને માંગણી ખાતર સરકારે નાટક સ્વરૂપે 125માંથી માત્ર 25 મણની ખરીદી કરીને જગતના તાત પર મોટામાં મોટી મશ્કરી કરી હતી.’
ભારતીય કિસાન સંઘે આગળ જણાવ્યું કે, ‘ગયા વર્ષની જેમ આ વખતે પણ ચણાની ખરીદીમાં નાટક થાય એવું દેખાઈ રહ્યું છે. પહેલી વખત ખેડૂતના ચણાના રજિસ્ટ્રેશન ફોર્મની અંદર કેટલા ચતણાની ખરીદી કરવામાં આવશે તેનો કોઈપણ જાતનો ઉલ્લેખ નથી. જેથી સરકારની દાનત ખરાબ હોવાનું લાગી રહ્યું છે. 125 મણમાંથી 150 મણ ખાતેદાર દીઠ ચણાની ખરીદી કરવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની માગ છે. અને જો આમ નહીં થાય તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે. તેથી સરકાર તાત્કાલિક જાહેર કરે કે સરકાર ખેડૂતો પાસેથી કેટલા ચણાની ખરીદી કરશે.’
કેટલો છે ટેકાનો ભાવ
સરકાર દ્વારા તુવેરનો ટેકાનો ભાવ રૂપિયા 6000 પ્રતિ ક્વિન્ટલ, ચણાનો ભાવ રૂપિયા 5100 પ્રતિ ક્વિન્ટલ, તેમજ રાયડાનો ટેકાનો ભાવ રૂપિયા 4650 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. એટલે કે તુવેરના મણ દીઠ 1200 રૂપિયા, ચણાના મણ દીઠ 1020 રૂપિયા અને રાયડાના મણ દીઠ 930 રૂપિયા ટેકાના ભાવે ખરીદી થશે.
રજિસ્ટ્રેશનની તારીખ
તુવેરની ટેકાના ભાવની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન 15 જાન્યુઆરી 2021થી 31 જાન્યુઆરી 2021 સુધીમાં પૂર્ણ થઈ ચુક્યું છે. જ્યારે ખરીદી 1 ફેબ્રુઆરી 2021થી 1 મે 2021 સુધી ચાલુ રહેશે. ચણાની ટેકાના ભાવની ખરીદી માટે ખેડૂતો 1 ફેબ્રુઆરી 2021 થી 15 ફેબ્રુઆરી 2021 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે અને ચણાની ખરીદી 16 ફેબ્રુઆરી 2021 થી 16 મે 2021 સુધી ચાલુ રહેશે. અને રાયડાની ખરીદી માટે 1 ફેબ્રુઆરી 2021 થી 15 ફેબ્રુઆરી 2021 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે જ્યારે રાયડાની ખરીદી પ્રક્રિયા 16 ફેબ્રુઆરી 2021 થી 16 મે 2021 સુધી હાથ ધરાશે.
આટલા માર્કેટિંગ યાર્ડમાં થશે ખરીદી
રાજ્ય સરકાર દ્વારા તુવેરની ખરીદી માટે રાજ્યના અલગ અલગ કૂલ 105 એપીએમસી કેન્દ્રો નક્કી કર્યા છે જ્યારે ચણાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યના 188 એપીએમસી કેન્દ્રો નક્કી કરાયા છે અને રાયડાની ખરીદી માટે રાજ્યના 99 એપીએમસી કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતોએ ટેકાના ભાવે જણસ વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે જેના માટે આપના ઈ-ગ્રામ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત