Team Chabuk – Gujarat Desk : પ્રિત, પિયુ ને પાનેતર. ઉતર ગુજરાત બાજુ જાવ એટલે ફિલ્મના આવા રસદાયક શીર્ષકો થીએટરમાં નજરે ચડે. પોસ્ટરમાંથી બહાર નીકળી જવા ફિલ્મના ટાઈટલના શબ્દો થનગનતાં હોય એટલું લાંબું શીર્ષક. કહેવાની જરૂર નથી કે આ લેખ શા માટે છે. આ લેખ તો નેતાજીઓની પ્રિયતમા માટે છે. ખૂદને ટિકિટ મળે ન મળે પ્રિયતમાને મળવી જોઈએ. પ્રિત, પિયુ ને પોલિટિક્સ!!
ગત્ત દિવસથી સોશિયલ મીડિયાની અટારીએ એક મુદ્દો આભે આંબ્યો છે. મુદ્દો ચર્ચાનો વિષય છે. ચર્ચાનો વિષય એટલા માટે છે કે એક પુરુષ પોતાની સ્ત્રી મિત્રને ટિકિટ અપાવવા જીદે ચડ્યો છે. આ પુરુષ પાછો અસામાન્ય છે અર્થાત્ નેતાજી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રિયતમાને ટિકિટ અપાવી પોતાના પ્રેમનો પરચો અપાવવા માગે છે.
તમે 90ની ફિલ્મો જોઈ? એમાં કોઈ મોટી ઘટના બને પછી છાપા છપાવાનું દૃશ્ય આવે. એક છોકરો મુંબઈમાં હાથમાં અખબારોનો થપ્પો લઈ રખડતો હોય, ‘આજ કી તાજા ખબર… આજ કી તાજા ખબર..’ હવે તો છાપા વેચનારા ફેરિયાઓ ગલોફામાં માવો ભરાવીને રખડતા હોય એટલે આજ કી તાજા ખબર કેમ બોલે ? બાકી જો ગઈકાલની સવારે આમ બોલ્યા હોત તો ગુજરાતમાં છાપાની અછત વર્તાત.
વેલેન્ટાઈન ગીફ્ટ આપવી છે એમ ?
પ્રથમ વાત કોંગ્રેસના નેતાની. અખબારમાં એ નેતાજીનું નામ નથી છપાયું. અખબાર બોલે છે કે એ પશ્ચિમ વિસ્તારના નેતા છે. પ્રેમમાં પાગલ થયા છે. હ્રદયમાં પ્રિતનાં પતંગિયા ઉડી રહ્યા છે. એક પ્રકારનો ઉત્પાત મચ્યો છે. પ્રેમિકાને ટિકિટ અપાવવા માટે તેઓ યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે. એના કારણે તેમની વિરૂદ્ધ વિરોધના વંટોળ પણ ઉમટ્યા છે. ખરેખર એમનો ઈશ્ક સાચો ઈશ્ક છે, બાકી આ જમાનામાં, એય ઘોર કળિયુગમાં, કોણ પ્રેમિકાઓને ટિકિટ આપે. આ નેતા ઉંમર લાયક છે. ઉમર લાયક એટલે આપણે તો આધેડ જ માનવા પડે, કારણ કે જે નેતાજી પ્રેમિકાને ટિકિટ અપાવવા માટે જીદસરસા ઉતર્યા હોય તેમનું કોંગ્રેસમાં કંઈક તો ‘નામ’ હોય જ શકે. વેલેન્ટાઈન ડેની એમને ગિફ્ટ આપવી છે. ગિફ્ટ થોડી મોટી પણ છે અને મોંઘી પણ છે. સામે ભાજપ હોવાથી આ ગિફ્ટનું ટાણે સૂરસૂરિયું થઈ જાય એવું પણ છે. કોંગ્રેસ આવી બધી વાતોથી સમાચારમાં રહે છે બાકીની વાતોથી તે બિલકુલ સમાચારમાં રહેતી નથી. ગુજરાત કોંગ્રેસની આ સ્થિતિ છે. પક્ષને મજબૂત કરવાની જગ્યાએ પ્રેમ સંબંધો મજબૂત કરવા નીકળ્યા છે.

એલા ભાજપવાળા તમેય યાર
કોંગ્રેસ સુધી હતું એ તો ઠીક હતું. હવે ભાજપ સુધી પણ પ્રેમના ફૂંવારા ઉડ્યા છે. ભાજપે તો કોંગ્રેસના પ્રેમનેય આ રીતે કોપી કર્યું ! ઓહો આ તો સત્તાધારી પાર્ટીના નેતા. જે નેતાજી પ્રેમમાં ઉંધેમાથ પડ્યા છે તેમની પ્રિયતમાની વય તો તેમની પુત્રી જેટલી છે. એમને ટિકિટ મળે આ માટે તેઓ ગદર ખેલી રહ્યા છે. આ વાતની ખબર કમલમમાં કેટલાક નેતાઓને પડી ગઈ. થઈ રહ્યું, બીજું શું ? અખબાર બોલે છે કે નેતાજી તો લગ્ને લગ્ને કુંવારા અને પ્રિયતમાને ટિકિટ અપાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. અખબારની એ વાઈરલ ચબરખીમાંથી તો એ પણ જાણવા મળ્યું કે આ ઈશ્ક મિજાજી નેતાજી પ્રિયતમાજીની પાછળ પાણીની જેમ પૈસો વાપરે છે. આ પ્રિયતમા તો એવી છે કે તેના કારણે ઘરમાં પણ બઘડાટીયું બોલે છે.

તારી વાઈફ રેડી છે
આવી જ એક ખબર સુરતમાંથી પણ આવી. સુરતમાં ઉમેદવારોનો ટિકિટ મેળવવા માટે રાફડો ફાટ્યો છે. બધાને ચૂંટણી લડવી છે પણ ભાજપ મહિલા ઉમેદવારોને શોધી રહ્યું છે. એવામાં સૌરાષ્ટ્રના એક નેતા કાર્યકરો સાથે ડબલ મીનીંગમાં વાત કરી હોવાનો સળગતો મુદ્દો સામે આવ્યો. શું વાત કરે છે ? ‘તારી વાઈફ રેડી હોય તો બોલ વાત ચલાવું…’ આમાં રેડી રેડી વાતો આવે છે પણ સાલી ટિકિટની વાત ક્યાંય નથી આવતી. મર્ધુન્ય નેતાજીના મુખેથી આવી વાતો છીછીછીછી…. શોભા નથી દેતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે તો બીજી કોઈ વાતે યાદ રહે કે ન રહે, ગુજરાત આખાને આ ત્રણ ખબરોના કારણે યાદ રહી જશે. બે ભાજપની છે અને એક કોંગ્રેસની છે. ચૂંટણી ટાણે જનતાને મનોરંજન ફેલાવતા સમાચારો પ્રગટ થતાં રહે છે. હવે ક્યાં ડાયરામાં જવાની જરૂર છે. સ્ટેન્ડ અપ કોમેડિયનોને સાંભળવાની જરૂર છે. કપિલ શર્માના શોની અધિરાઈ પૂર્વક રાહ જોવાની જરૂર છે. બસ, આ બધું જ છે જેનાથી મનોરંજન મળી રહે છે. નહીં ચાબુક? ધ ગ્રેટ ઈન્ડિયન પોલિટિકલ સર્કસ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત