Homeવિશેષસિંહાસન બત્રીસી : તારામતીની વિક્રમાદિત્યની વિદ્રાન અને કલાકારોના સન્માનની વાર્તા

સિંહાસન બત્રીસી : તારામતીની વિક્રમાદિત્યની વિદ્રાન અને કલાકારોના સન્માનની વાર્તા

Team Chabuk : અઢારમી પુતળી તારામતીએ કંઈક આ પ્રકારે વિક્રમાદિત્યની કલાકારો અને વિદ્રાનોને પ્રોત્સાહન આપતી કથા કહી.

રાજા વિક્રમાદિત્યની ગુણગ્રાહિતાનો કોઈ જવાબ નહોતો. એ વિદ્રાનો તથા કલાકારોને ખૂબ જ સન્માન આપતા હતા. તેમના દરબારમાં એકથી એક ચડીયાતા વિદ્રાન તથા કલાકાર હાજર હતા, છતાં અન્ય રાજ્યોમાંથી આવીને પણ કલાકારો પોતાની યોગ્યતા સાબિત કરતા હતા અને મહારાજા વિક્રમાદિત્ય તેમને પુરસ્કાર આપી તેમની યોગ્યતાને નવાજતા હતા.

એક દિવસ વિક્રમના દરબારમાં દક્ષિણ ભારતના કોઈ રાજ્યનો એક વિદ્રાન આવ્યો તેનું માનવું હતું કે વિશ્વાસઘાત આ વિશ્વનું સૌથી નીચ કર્મ છે. તેણે રાજાને પોતાનો વિચાર ગળે ઉતારવા માટે એક કથા સંભળાવી.

આર્યવર્તમાં ખૂબ સમય પહેલા એક રાજા હતો. તેનો રાજીખુશીમાં મહાલતો વિશાળ પરિવાર હતો. ને તો પણ તેણે સત્તર વર્ષની એક રુપવતી કન્યા સાથે વિવાહ કર્યા. એ નવી રાણીના રૂપ પર એટલો મોહિત થઈ ગયો હતો કે એક ક્ષણ પણ તેનાથી વિખૂટો નહોતો પડતો.

એ ઈચ્છતો હતો કે દરેક વખતે તેનો ચહેરો તેની સામે હોય. એ નવી રાણીને દરબારમાં પણ પોતાની સામે જ બેસાડવા લાગ્યો. તેની સામે કોઈ પણ કંઈ પણ બોલવાનું સાહસ નહોતા કરતા, પણ તેની પીઠની પાછળ બધા તેનો ઉપહાસ કરતા હતા.

રાજાના મહામંત્રીને આ વાત યોગ્ય ન લાગી. તેણે એકાંતમાં રાજાને કહ્યું, ‘મહારાજા નવી રાજકુમારી તો ઠીક છે. પણ તેના આવા ઠાઠમાઠ ? આપને ખબર નથી પણ આપની દરબારમાં બધા મજાક ઉડાવે છે. મને એ યોગ્ય નથી લાગતું. જો તમે હરપળે નવી મહારાણીનો જ ચહેરો જોવા ઈચ્છો છો તો તેની તસવીર બનાવીને રાજસિંહાસનની સામે રાખી દો. આ રાજ્યમાં તો ગાદી પર રાજાના એકલા બેસવાની જ પરંપરા રહી છે. જેથી નવી રાણીને તમે દરબારમાં તમારા સિંહાસન પર લાવો તો એ અશોભનીય છે.’

મહામંત્રી રાજાનો યુવાકાળથી મિત્ર હતો. રાજા તેની વાત ગંભીરતાથી લેતો હતો.

તેણે મહામંત્રીને કહ્યું, ‘તમારી દરેક વાત હું માનું છું. તો કૃપા કરીને તમે જ એક સારા ચિત્રકારને શોધો. જે મહારાણીનું સુંદર ચિત્ર બનાવી શકે.’

મહામંત્રીએ એક ખૂબ યોગ્ય ચિત્રકારને બોલાવ્યો. ચિત્ર બનીને રાજ દરબારમાં આવ્યું તો દરેકના મુખે તેની પ્રશંસા થતી હતી. નાનામાં નાની વસ્તુને પણ ચિત્રકારે ચિત્રમાં ઉતારી હતી. ચિત્ર એવી રીતે ઉપસતું હતું કે જાણે નાની રાણી હમણાં કંઈક બોલી પડશે. રાજાને પણ ચિત્ર ખૂબ જ પસંદ આવ્યું. એટલામાં તેની નજર ચિત્રકાર દ્વારા બનાવવામાં આવેલી નાની રાણીની જાંઘ પર ગઈ. જેના પર ચિત્રકારે ચોક્કસાઈથી એક તલ બનાવી દીધું હતું. રાજાને શંકા ગઈ કે રાણીના ગુપ્ત અંગો પણ ચિત્રકારે જોયા છે. ક્રોધિત થઈ તેણે ચિત્રકારને કહ્યું, ‘સાચું બોલ તે રાણીના ગુપ્તાંગો પણ જોયા છે? તું નીચ છે. તું પાપી છે. એક નાનો અમથો ચિત્રકાર પોતાની મર્યાદાનું ભાન ભૂલી આવું કરશે તેવી મને પહેલા ખબર હોત તો તને મહેલમાં ઘુસવા જ ન દેત.’

ચિત્રકારે પૂરી શાલીનતાથી તેમને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, ‘મહારાજા પ્રકૃતિએ મને સૂક્ષ્મ દૃષ્ટી આપી છે. જેથી હું છુપાયેલી વસ્તુને પણ જોઈ શકું છું. તેની અનુભૂતિ કરી શકું છું. તલ તો તેનું જ પ્રમાણ છે અને મેં તલને તેની સુંદરતામાં વૃદ્ધિ કરવા માટે જ દેખાડવાની કોશિશ કરી છે.’

રાજાને તેની વાતમાં જરા પણ વિશ્વાસ ન આવ્યો. તેણે જલ્લાદોને બોલાવ્યા અને કહ્યું, ‘આ નીચનેં ગીચ જંગલમાં લઈ જાવ અને માથું કાપી નાખો. બીજું કે તેની આંખો કાઢી મારી સમક્ષ પ્રસ્તુત કરો. જેથી તે મરાયો છે તેનું પ્રમાણ મને મળે.’

મહામંત્રી બુદ્ધિશાળી હતો. તેને ચિત્રકારની તમામ વાતો સત્ય હોવાની ખબર હતી. રસ્તામાં તેણે જલ્લાદોને લોભ આપીને ચિત્રકારને મુક્ત કરાવી દીધો અને એક હરણને મારી તેની આંખ કાઢી રાજાને વિશ્વાસમાં લઈ લીધો.

ચિત્રકારને મહામંત્રી પોતાના ભવનમાં લાવ્યો અને ચિત્રકાર વેશ બદલીને તેમની સાથે જ રહેવા લાગ્યો.

થોડા દિવસો પછી રાજાનો પુત્ર શિકાર કરવા માટે જંગલમાં ગયો. એક સિંહ તેની પાછળ પડી ગયો. રાજકુમાર જીવ બચાવવા માટે વૃક્ષ પર ચડી ગયો. ત્યાં તેની નજર વૃક્ષ પર રહેલા એક રિંછ પર પડી. રિંછથી તે ડરવા લાગ્યો પણ રિંછે તેને નિશ્ચિત રહેવાનું કહ્યું.

રિંછ તો બોલ્યું, ‘હું પણ તારી જ માફક સિંહના જવાની રાહ જોઈ ઉભડક જીવે બેઠો છું. આપણે બેઉં ભાઈઓ.’

સિંહ ભૂખ્યો હતો. એ વૃક્ષ પરનાં બંને જીવનું મારણ કરવાની તાકમાં બેઠો હતો. સિંહ જવાનું નામ નહોતો લઈ રહ્યો. રાજકુમારને ઉંઘ આવવા લાગી. હવે તે વધારે સમય જાગી શકે એમ નહોતો. ઉંઘતા ઉંઘતા ક્યાંક પડી જશે તો એટલે રિંછે રાજકુમારને પોતાના તરફની ડાળખીએ બોલાવી લીધો અને કહ્યું, ‘તું ઉંઘી જા, જ્યારે તું ઉંઘીશ તો હું ચોકીદારી કરીશ, હું ઉંઘુ ત્યારે તારે ચોકીદારી કરવાની.’

રાજકુમાર ઉંઘી ગયો અને રિંછ તેની ચોકીદારી કરવા લાગ્યો. નીચેથી સિંહ બોલ્યો, ‘એ રિંછ તું આમ દગો ન કરી શકે. આપણે વન્યજીવ છીએ. એક જ જંગલમાં રહેવાનું છે. તો શું કામે હાથ ન મીલાવી લઈએ. તું માણસનો ભરોસો કરમાં. એને ધક્કો મારી દે. હું તેને ખાઈ અહીંથી ચાલ્યો જઈશ. તારો જીવ બચી જશે.’

રિંછે કહ્યું, ‘જંગલના નિયમ જે હોય તે. મેં તેને વચન આપ્યું છે. હું મારા વચન પર અડગ છું. હું તેને નહિ ફેંકીશ.’

ચાર કલાકની ઉંઘ પછી રાજકુમાર જાગી ગયો. હવે ઉંઘવાનો વારો રિંછનો હતો. રિંછ ઉંઘ્યો અને રાજકુમાર નીચે ઊભેલા સિંહ પર નજર રાખવા લાગ્યો. સિંહે તેને પણ સાણસામાં લેવાની કોશિશ કરી, ‘રાજકુમાર તું રિંછને નીચે ફેંકી દે. જો તું તેને નીચે ફેંકી દે છે તો હું ધરાઈને તેને ખાઈ જઈશ અને તને રાજમહેલ જવા માટે મોકળો માર્ગ મળી જશે.’

રાજકુમાર સિંહના પેંતરામાં આવી ગયો. તેણે રિંછને ધક્કો માર્યો. રિંછને આ વાતની પહેલાંથી જ ખબર હતી કે સિંહ રાજકુમારને સાણસામાં લેવાનો પ્રયત્ન કરશે. તેણે ડાળખી પકડીને જ રાખી હતી. રાજકુમારનું અધમ કૃત્ય જોઈ એ તેના પર ખીજાયો. એટલો ગુસ્સે ભરાયો અને એટલી ખરીખોટી સંભળાવી કે રાજકુમારની અંતરઆત્મા દુભાતા તે મૂંગો થઈ ગયો.

આખરે સિંહ કંટાળીને બીજા શિકારની શોધમાં ચાલ્યો ગયો. રિંછ પોતાના રસ્તે પડ્યો અને રાજકુમાર મહેલ તરફ ગયો. મહેલમાં પ્રવેશતા જ રાજકુમારને બધાએ પૂછવાનો પ્રયત્ન કર્યો પણ તે બોલી નહોતો શકતો.

મહેલમાં ઘણા મોટા વૈદ્ય આવ્યા પણ રાજકુમારને બોલતો ન કરી શક્યા. આ વાતની ખબર મહામંત્રીના ભવનમાં છુપાયેલા ચિત્રકારને પડી ગઈ. તે રાજકુમારના એકલા પડવાની જ પ્રતીક્ષા કરતો હતો.

સમય મળતા તે રાજકુમારની પાસે આવ્યો. મૂંગા રાજકુમારના ચહેરાના હાવભાવ જાણીને તેણે ભાળ મેળવી લીધી. તેણે સાંકેતિક ભાષામાં રાજકુમારને પૂછ્યું, ‘શું આત્મગ્લાનિથી પીડિત થઈને તું તારી વાણી ગુમાવી ચૂક્યો છો?’

રાજકુમાર તેની વાત સાંભળીને રડવા લાગ્યો. રડતા જ તેના પર મનોવૈજ્ઞાનિક અસર પડી અને તેની વાણી ખૂલી ગઈ. રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે વેશપલટો કરી મહામંત્રીની સાથે રહેતા વ્યક્તિને પૂછ્યું, ‘તે આ કેવી રીતે કર્યું ?’

‘બસ એવી જ રીતે જેવી રીતે અનુમાન કરી મહારાણીની જાંઘનું તલ દોર્યું હતું.’ રાજાને ખબર પડતા વાર ન લાગી કે આ એ જ ચિત્રકાર છે જેનો તેણે વધ કરવાની આજ્ઞા આપી હતી. મહારાજાએ ચિત્રકારની માફી માગી અને તેને ઈનામ આપી રવાના કર્યો.

એ દક્ષિણના વિદ્રાનની આટલી મોટી અને બોધદાયી કથા સાંભળીને મહારાજા વિક્રમાદિત્ય અત્યાધિક પ્રસન્ન થયા અને તેને પણ એક લાખ સુવર્ણમુદ્રાઓ આપી ખુશ કરી દીધો.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments