Team Chabuk-Gujarat Desk: વરસાદી વાદળ અલોપ થઈ જવાના કારણે આ વર્ષે હવે ચિંતાના વાદળ ઘેરાયા છે. પ્રિ-મોન્સૂનમાં મેઘરાજાએ બોલાવેલી રમઝટ હવે દૂર ક્ષિતિજે તાકતા પણ દેખાતી નથી. તાત પણ આ કારણે વ્યાકુળ બન્યો છે. આમ જ ચાલ્યું તો ચોમાસા વિનાનો એક મહિનો ખાલીખમ પસાર થઈ જશે. આંકડાઓ પર નજર કરવામાં આવે તો આ વર્ષે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 4.83 ઈંચ અને મોસમનો 14.63 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે.
બીજી બાજુ ઉનાળાનો પ્રકોપ પણ બરકરાર છે. રોજની 40થી 43 ડિગ્રી ગરમી નોંધાવાની વાત તો સામાન્ય થઈ ચૂકી છે. પ્રિ-મોન્સૂન વિદાયની સાથે ઉનાળો લાંબું ખેંચતો હોય તેવું લાગે છે. વરસાદ પડે પછી અસહ્ય બફારામાંથી મુક્તિ મળે તેવી આપણે ત્યાં સામાન્ય વ્યાખ્યા છે. જોકે આ વ્યાખ્યા પણ હાલનાં સંજોગોને જોતા અમૂર્ત બની ગઈ છે. ઉનાળાનો તો જાણે પ્રારંભ થયો હોય એમ પોતાનો રોષ ઠાલવી રહ્યો છે.
ખેડૂતોએ વાવેતરનું આગોતર આયોજન કરી નાખ્યું હતું અને કેટલીય ઈચ્છાઓનાં ફણગા મનમાં ફૂટ્યા હતા. પણ મેઘરાજાના પારોઠના પગલાંએ તેમનો ખેલ બગાડી દીધો છે. વરસાદે ન માત્ર ખેડૂતોને પણ અન્ય કેટલાક લઘુ ઉદ્યોગોને પણ નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતી ન્યૂઝ-18નો રિપોર્ટ દર્શાવે છે કે વરસાદે પાછા પગલાં કરતા છત્રી અને રેનકોટ વેચનારાઓની માઠી બેસી ગઈ છે. રંગબેરંગી છત્રીઓ તો બજારમાં આવી ગઈ છે પણ તેની રોનક હોવી જોઈએ એવી દેખાતી નથી.
કોરોનામાં ઉદ્યોગ ધંધાને મોટી થપાટ પડી હતી. કેટલાક લોકો છત્રી વેચી રૂપિયા કમાવાનું વિચારી રહ્યા હતા પણ તેમાંય શૂન્યઅવકાશ સર્જાતા હવે મુસીબતો સાંબેલાધાર બની છે. આમ જ રહ્યું તો 2020નાં ખરાબ વર્ષ બાદ 2021નાં વર્ષમાં પણ કંઈ મોટો તફાવત દેખાતો નથી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જગતના તાતની ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસુ સારું રહેવાની આશા હતી જે પણ ઠગારી નીવડી છે. સારા વરસાદના આગમનને પગલે મકાઈ, કપાસ, સોયાબીનનું વાવેતર કરી લાખ લાખ એષણાઓનાં પુલ બાંધ્યા હતા જે પણ કડડભૂસ થઈ ચૂક્યા છે. હવે મેઘરાજાએ પણ હાથ તાળી દઈ દેતા ખેડૂતો માટે એવો મિત્ર બન્યો છે જે પાન ખાઈ ચાલ્યો જાય!
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ માટે એક મજબૂત સિસ્ટમની તાતી જરૂરિયાત છે. આપણે જાણીએ છીએ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રીય થતી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ આપે છે. સૌ પહેલા કેરળથી શરૂઆત થાય છે. એ પછી મુંબઈ અને પછી ગરવી ગુજરાતનો વારો આવે છે. હવામાન વિભાગે આ અંગે એ પણ જણાવ્યું કે, અત્યાર સુધી લો પ્રેશર ન બન્યું હોવાના કારણે આકાશી આફત સર્જાય છે. હાલની સ્થિતિ મુજબ તો જુલાઈ મહિનાના બીજા સપ્તાહ બાદ જ ચોમાસુ જામશે તેવી વકી છે.
ભારતની વાત કરવામાં આવે તો ત્રીસ જૂન બાદ ઉત્તર ભારત અને રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોને છોડીએ તો ચોમાસુ સમગ્ર દેશમાં તેની હાજરી નોંધાવી ચૂક્યું છે અને પછી કાયમી ગેરહાજર રહેવું હોય તેમ સાયોનારા પણ કરી ચૂક્યું છે.
આ સમગ્ર વિષય પર પ્રકાશ પાડતા હવામાન વિભાગના ડાયરેક્ટર મહાપાત્રા સાહેબે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા ચોમાસાની આશા છે જેનાથી ખેડૂતોને મદદ મળે. દેશમાં આ વર્ષે 101 ટકા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેમણે આંકડાઓની વાત માંડતા જણાવ્યું હતું કે, 40 ટકા સામાન્ય વરસાદની સંભાવના છે. 22 ટકા સામાન્ય કરતાં વધારે અને 12 ટકા સંભાવના મહત્તમ વરસાદની છે. હવે જોવાનું એ રહે છે કે મેઘરાજાના આ રિસામણા પૂરા થઈ કોરીધાકોર ઉર્વરાને ભીંજવી મૂકે છે કે નહીં. અંતે તો બસ પ્રતિક્ષા એ જ કાળા માથાના માનવીની મૂડી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત