Homeદે ઘુમા કેભારતનો વિજય : સ્પીનરો સામે ઈંગ્લેન્ડની શરણાગતિ

ભારતનો વિજય : સ્પીનરો સામે ઈંગ્લેન્ડની શરણાગતિ

Team Chabuk-Sports Desk: આર.અશ્વિનનાં ઓલરાઉન્ડર દેખાવના કારણે ચૈન્નઈના ચેપોક મેદાનમાં રમાય રહેલી બીજી ટેસ્ટમાં ભારતે ઘર આંગણે ઈંગ્લેન્ડની ટીમને ધૂળ ચટાવી દીધી છે. બીજી ટેસ્ટમાં પ્રવાસી ટીમનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો જેની સામે ભારતીય ટીમને વધારે પરસેવો પાડવાની જરૂર નહોતી પડી. ટીમની જીતમાં મહત્વનો દેખાવ આર અશ્વિનનો રહ્યો હતો. લોકલ બોય આર અશ્વિને ચૈન્નઈનાં મેદાનમાં ઓલરાઉન્ડર પ્રદર્શનના સહારે સેન્ચુરી અને પાંચ વિકેટ મેળવી હતી.

પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો વિજય થયા બાદ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે જીત મેળવી ટેસ્ટ સિરીઝ બરાબરી પર લાવી દીધી છે. મેચનાં ચોથા દિવસે 317 રનથી પ્રવાસી ટીમનો પરાજય થયો હતો. ભારતની શાનદાર બેટીંગનાં સહારે 482 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 164 રનનાં સામાન્ય સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.

ભારતની તરફથી અક્ષર પટેલે 60 રન આપી 5 વિકેટ લઈ સબળ દેખાવ કર્યો હતો. આ સિવાય બીજી ઈનિંગમાં પણ પોતાના સ્પીનનો જાદુ ચલાવતા આર.અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી અને પ્રવાસી ટીમ માટે માથાનો દુખાવો સાબિત થયો હતો. કુલદિપ યાદવના ખાતામાં બે વિકેટ ગઈ હતી. જેથી ટીમમાં સ્પીનરોએ જ ઈંગ્લેન્ડની ટીમને પવેલિયન પરત મોકલવામાં મહત્વનો ફાળો નોંધાવ્યો હતો.

ઈંગ્લેન્ડની ટીમના બેટધરોના પ્રદર્શનની જો વાત કરવામાં આવે તો બીજી ઈનિંગમાં મોઈન અલીએ સર્વાધિક 18 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની સહાયતાથી 43 રન નોંધવ્યા હતા. તેનો દેખાવ ટી ટ્વેન્ટી જેવો રહ્યો હતો. કેપ્ટન જો રૂટે પરાજયને ખાળવા માટે 92 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 33 રન કર્યા હતા. જોકે તેની ઈનિંગ તુરંત પૂર્ણ થઈ હતી. ત્રીજા નંબર પર રોરી બર્ન્સે 25 અને ઓલી પોપે 12 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમમાંથી મોઈન અલી સિવાય કોઈનું પણ પ્રદર્શન વખાણવા લાયક નહોતું રહ્યું.

482 રનનો પીછો કરવા માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ત્રીજા દિવસની રમતનાં અંતમાં 53 રન બનાવી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા દિવસના બે સેશન પણ ટીમ નહોતી રમી શકી. લંચ બ્રેક બાદની થોડી ક્ષણોમાં જ રુટ 33 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો. જે પછી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઔપચારિક મેચ જ રહી હતી. લંચ બ્રેક પૂર્ણ થયાનાં માત્ર 20 મિનિટમાં ભારતે વિજય પ્રાપ્ત કરી લીધો હતો.

મેચમાં ભારતીય ટીમના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી ટીમે શરૂઆતથી જ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી રાખી હતી. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગનાં પહેલા દિવસે 6 વિકેટના નુકસાને 300 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ 161 રનની ઈનિંગ રમી હતી. જેની મદદથી ભારતીય ટીમે 329 રન બનાવ્યા હતા.

સામે પ્રવાસી ટીમની ઈનિંગ માત્ર 134 રનમાં આટોપાઈ ગઈ હતી. ભારતીય બોલરના ચુસ્ત પ્રદર્શનના સહારે ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ જતાં 195 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ માટે બીજી ઈનિંગમાં આર.અશ્વિને બોલ બાદ બેટથી પણ ઈંગ્લેન્ડની ટીમને પરેશાન કરતા કારકિર્દીની પાંચમી સેન્ચુરી ફટકારી હતી. જેનાં કારણે ભારતીય ટીમે 286 રનનો સ્કોર નોંધાવ્યો હતો અને ઈંગ્લેન્ડને 482 રનનો પડકાર આપ્યો હતો.

આ પહેલા ઈંગ્લેન્ડની ટીમે ચૈન્નઈના ચેપોક ગ્રાઊન્ડમાં જ ભારતની ટીમને પરાજય આપ્યો હતો. આ જીત સાથે ટેસ્ટ ચેમ્પિયનશીપનાં પોંઈન્ટ ટેબલમાં ભારતે ન્યૂઝિલેન્ડ બાદ બીજા નંબરનું સ્થાન મેળવી લીધું છે. આગામી ટેસ્ટ મેચમાં જીત મેળવતાની સાથે જ ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાનું સ્થાન નોંધાવી દેશે.

હવે સિરીઝનો ત્રીજો મુકાબલો ગુજરાતના અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં થવાનો છે. આ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. જેમાં પ્રથમ વખત આંતરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ દ્વારા તેના શ્રી ગણેશ થશે. સિરીઝ 1-1ની બરાબરી પર થઈ જતા અમદાવાદમાં બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની પણ શક્યતા વર્તાય રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments