Team Chabuk National Desk: મધ્યપ્રદેશના ગુનામાં એક હૈયુ કંપાવી દેતી ઘટના સામે આવી છે. અહીં સાસરિયાઓએ એક ગર્ભવતી પર એવો અત્યાચાર કર્યો જેણે માનવતા પર લાંછન લગાવ્યું છે. સસરા, જેઠ અને દિયરે સગર્ભાના ખભા પર એક બાળકને બેસાડ્યો અને તેને ત્રણ કિલોમીટર સુધી ખુલ્લા પગે ચલાવી. એટલાથી મન ન ભરાયું તો રસ્તામાં સગર્ભા સાથે મારઝુડ કરી. તેને ડંડા અને બેટ વડે નિર્દયતાથી મારવામાં આવી તેના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો.
પતિએ મહિલાને છોડી દીધી હતી. જેથી મહિલા અન્ય પુરુષ સાથે રહેતી હતી. જે મુદ્દે સાસરિયા પક્ષના લોકો ગુસ્સો ભરાયા હતા અને નિર્દયતાની તમામ હદ પાર કરી દીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મામલો સામે આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ઘટના મધ્યપ્રદેશના ગુનાની હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે, મહિલા સાથે આ બનાવ 9 ફેબ્રુઆરીએ ગુનાના એક ગામમાં બન્યો હતો. વીડિયો વાયરલ થતાં 15 ફેબ્રુઆરીએ પોલીસે ગંભીરતા બતાવી હતી. પોલીસે આરોપી સસરા, જેઠ અને દિયર સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.
આ મુદ્દે પીડિતાએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા પતિ સીતારામ તેને સંગાઇ ગામે ડેમા નામના વ્યક્તિ પાસે છોડીને જતો રહ્યો હતો. ડેમા સાથે જ મહિલા રહેતી હતી જ્યાં તેના સાસરિયા પક્ષના લોકો પહોંચી ગયા હતા. તેનો પતિ તેને ત્યાં છોડીને પછી ઈન્દોર જતો રહ્યો હતો.
પતિએ જ્યારે તેને છોડીને જઈ રહ્યો હતો ત્યારે કહીને ગયો હતો કે “હવે હું તને નહીં રાખુ તું ડેમા સાથે જ રહે”. તેણે કહ્યું કે, બાદમાં મારા સસરા ગુંજારિયા વરેલા, જેઠ કુમારસિંહ, કેપી સિંહ અને રતન આવ્યા અને ઘરે જવા કહ્યું. મેં ના પાડી ત્યારે મને માર મારવાનું શરૂ કર્યું. ગામના એક છોકરાને મારા ખભા પર બેસાડી દીધો ત્યારબાદ મને સાંગળથી બાંસખેડી સાસરીમાં ત્રણ કિલોમીટર ખુલ્લાપગે ચલાવી. પીડિતાએ કહ્યું કે, મારા પેટમાં પાંચ મહિનાનો ગર્ભ છે છતાં સસરા અને જેઠ મારા પર અત્યાચાર કરતા રહ્યા. ડંડા, પથ્થર, ક્રિકેટના બેટથી મારા પગમાં મારતા રહ્યા. આ દરમિયાન મારા પતિએ પરિવારને ફોન કરીને મને છોડી દેવા પણ કહ્યું પરંતુ કોઈએ તેમની વાત પણ સાંભળી ન હતી.
આ મુદ્દે એસપીએ કહ્યું કે, સમગ્ર મામલે કુલ ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાંથી ત્રણ લોકોને ઝડપી લેવાયા છે. હાલ તપાસ ચાલુ છે.
વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકો પણ પિશાચી સસરા, જેઠ અને દિયર પર રોષ ઠાલવી રહ્યા છે અને તેમને મહિલાઓનું સન્માન કરતા શીખવવા તેમજ કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત