Team Chabuk-Sports Desk: દીપક ચાહર (Deepak Chahar)ના ઓલરાઉન્ડર પ્રદર્શનના સહારે ભારતે શ્રીલંકા સામે અહીંના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે જીતતાની સાથે સિરીઝ પર કબ્જો મેળવી લીધો છે. દીપકે બે વિકેટ લેવાની સાથે સાથે અર્ધસદી પણ ફટકારી હતી અને ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)ની સાથે આઠમી વિકેટ માટે પચાસ રનની ભાગીદારી પણ નોંધાવી હતી. શ્રીલંકન ટીમે આપેલા 276 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત તરફથી દીપક ચાહરે 82 બોલમાં નોટ આઉટ 69 રન, સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી, જ્યારે ભુવનેશ્વર કુમારે 28 બોલમાં 19 રન ફટકારી આઠમી વિકેટ માટે 84 રનની નોટઆઉટ ભાગીદારી નોંધાવી હતી.
ભુવનેશ્વર અને દીપકે ભારતીય ટીમની લડખડાતી ઈનિંગને એ સમયે સંભાળી હતી જ્યારે ભારત 193 રન પર સાત વિકેટ ગુમાવ્યા બાદ સંકટની સ્થિતિમાં હતું. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 53 જ્યારે મનીષ પાંડેએ 37 રન અને કૃણાલ પાંડ્યાએ 53 રનની ઈનિંગ રમી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ પહેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પહેલી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા તરફથી ચરિથ અસાલાંકાએ 68 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા અને ઓપનિંગ બેટ્સમેન અવિષ્કા ફર્નાન્ડોએ 71 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓની મદદથી શ્રીલંકા 275 રનનો પડકારજનક સ્કોર આપી શકી હતી. પૂંછડિયા બેટ્સમેન ચમિકા કરુણારત્નેએ 33 બોલમાં નોટઆઉટ પાંચ ચોગ્ગાની મદદથી 44 રન જોડ્યા હતા અને ભારતના બોલર્સને પરેશાન કર્યા હતા. તેની તાબડતોડ ઈનિંગના સહારે શ્રીલંકાની ટીમે અંતિમ 10 ઓવરમાં 79 રન એકઠા કરી લીધા હતા. કરુણારત્નેએ અસાલાંકાની સાથે મળી સાતમી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધવી હતી.
ભારતના બોલિંગ પ્રદર્શનની જો વાત કરવામાં આવે તો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 50 રન પર અને ભુવનેશ્વર કુમારે 54 રન પર અનુક્રમે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. દીપક ચાહરે 53 રન આપી બે મહત્ત્વની વિકેટ લીધી હતી. ભારતની શરૂઆતની ઈનિંગ સારી નહોતી રહી. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો 13 અને ઈશાન કિશન 1 રન બનાવી સામાન્ય સ્કોરમાં પવેલિયન ભેગા થઈ ગયા હતા.
લેગસ્પિનર હસારંગાએ 37 રન પર ત્રણ વિકેટ ખેરવી ભારતીય ટીમને ચિંતાજનક સ્થિતિમાં નાખી દીધી હતી. બીજી તરફ કેપ્ટન શિખર ધવન 29 રન પર હસારંગાની બોલ ચૂકી જતા એલબીડબલ્યૂનો શિકાર બન્યા હતા. એ બાદ સૂર્યકુમાર યાદવ અને પંડ્યાએ ભારતીય ઈનિંગને ધીમે ધીમે પાટા પર લાવી હતી. બંને ટીમ વચ્ચે અંતિમ મેચ પ્રેમાદાસ સ્ટેડિયમમાં 23 જુલાઈના રોજ રમાશે. જેમાં શ્રીલંકા એક મેચ જીતી શાખ બચાવવા માટે જ્યારે ભારતીય ટીમ યજમાન ટીમનો વ્હાઈટ વોશ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત