Team Chabuk-Gujarat Desk: રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજનાના ફેઝ-૨ અંતર્ગત રૂા. 27.4 કરોડના ખર્ચે મહારાણી શાંતાદેવી અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર તૈયાર કરાયેલ રૂફટોપ સોલાર પાવર પ્લાટનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ કોરોના મહામારીમાં સેવા આપનાર તબીબોનું ઉર્જા મંત્રી સહિતના મહાનુભાવોએ સન્માન કર્યું હતું.
શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર 3024 સોલાર પેનલ મૂકવામાં આવી છે. જેના મારફતે પ્રતિદિન 3930 વીજ યુનિટ ઉત્પાદિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટના માધ્યમથી 982.8 કિલોવોટ વીજ ઉત્પાદન થશે. આમ, અંદાજિત વાર્ષિક 14 લાખ જેટલા વીજ યુનિટનુ ઉત્પાદન કરવામાં આવશે. આ સૌર ઉર્જાથી મહાગનરપાલિકાના ત્રણ એચટી વીજ બીલોમાં વાર્ષિક અંદાજિત રૂા. 78 લાખની રાહત મળી રહેશે. આ સમગ્ર સોલાર પાવર પ્લાન્ટનુ એમજીવીસીએલ દ્વારા કરવામાં આવશે. સાથો સાથ આ પ્રોજેક્ટથી શહેરની શોભામાં અભિવૃદ્ધિ થવાની સાથે સૌર ઉર્જાને પ્રોત્સાહન મળશે.
રચનાત્મક અભિગમ સાથે નિર્માણ પામેલા સૌર ઉર્જાના પ્રોજેક્ટની સુંદરતા વધારવા રાત્રીના સમયે રૂફટોપ સોલાર સ્ટ્રક્ચરની નીચે ડેકોરેટીવ કલર લાઈટીંગ કરી બ્રિજને સુશોભિત કરવામાં આવ્યો છે. જે લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. વડોદરા ખાતે બનેલો દેશનો સૌપ્રથમ રોડ સોલાર પ્રોજેક્ટ સાડા ચાર વર્ષમાં પૂર્ણ થયો છે.
શહેરના અકોટા ખાતેના સર સયાજીનગર ગૃહ ખાતે સંબોધિત કરતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, વડોદરા શહેર રેસિડેન્સીયલ સૌર ઉર્જાના ઉત્પાદન-વપરાશમાં સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે. રાજ્યના કુલ ઉત્પાદનમાં આશરે 15 ટકા જેટલો હિસ્સો માત્ર વડોદરા શહેરનો જ છે. સૌર ઉર્જાના ઉત્પાદન માટે 37 હજાર જેટલી આવેલી, જેમાંથી અરજીમાંથી 33 હજાર કરતા વધુ ઘરોની છત ઉપર સોલાર પેનલ નાખી દેવામાં આવી છે. આમ, નાગરિકો સૌર ઉર્જાના વપરાશની સાથે વધારે વીજળીનુ વેંચાણ પણ કરી રહ્યા છે. હાલમાં 3 કિલોવોટ વીજ ઉત્પાદન માટે રાજ્ય સરકાર 40 ટકા જેટલી માતબર સબસિડી આપવામાં આવી રહી છે.
રાજ્યના ખેડૂતોના રાત ઉજાગરા ટળે તે માટે રાજ્ય સરકાર ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના લાવી છે. તેમા વડોદરા જિલ્લાના 636 ગામામાંથી 161 ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે. વર્ષના અંત સુધીમાં વડોદરા જિલ્લાના તમામ ગામોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાની પહેલ ગુજરાત રાજ્યે કરી છે.
આગામી વર્ષોમાં વીજળી ઉત્પાદન અને વપરાશ ક્ષેત્રે બહુ મોટા પરિવર્તન જોવા મળશે. કોલસા આધારિત વીજ ઉત્પાદન બંધ કરવા જઈ રહ્યા છીએ. સાથે જ દેશ-દુનિયાની મોટી કંપનીઓ સૌર ઉર્જા ઉત્પાદન માટે રોકાણ કરી રહી છે. ખાસ કરીને ઈ-વિહિકલનો વ્યાપ પણ ખૂબ વધવાનો છે. ઈ-વિહિકલથી લોકોને બચતનો યોગ્ય ખ્યાલ આવવાથી તેના તરફ વળશે. આ માટે રાજ્ય સરકારે ઈ-વિહિકલ પોલીસી પણ જાહેર કરી છે. તેના અંતર્ગત મુખ્ય માર્ગ ઉપર ચાર્જિંગ સ્ટેશનો પણ ખોલવામાં આવશે. તેમ ઉર્જા મંત્રીએ ઉમેર્યું હતું.
કોરોના મહામારીમાં પોતાના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવવા માટે તબીબો અને આરોગ્ય કર્મીઓને વંદન કરતા ઉર્જા મંત્રીએ કહ્યું કે, આ કોરોના વોરિયર્સે 14-14 કલાક કામ કરીને લોકોના જીવ બચાવ્યા છે. ત્યારે તેમનુ જેટલુ સન્માન કરીએ તેટલુ ઓછું છે.
મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી ગુજરાતના ગામડે-ગામડે 24 કલાક વીજળી પહોંચાડી છે. બીજી તરફ ઔદ્યોગીકરણ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો આવતા વીજ માંગમાં વધારો થયો છે. ત્યારે રાજ્ય સરકારે પણ પ્રદૂષણરહિત સૌર ઉર્જા જેવા નવા આયામો ઉભા કર્યા છે. વડોદરા શહેરમાં નવતર પ્રયોગ કરી બ્રિજ ઉપર સોલાર પેનલ લગાવી વીજ ઉત્પાદન શરૂ કર્યું છે. જેનાથી વડોદરા મહાનગરપાલિકાના વીજ બીલમાં 78 લાખની રાહત મળવાની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત