Homeગામનાં ચોરેબ્રિટનને બે વડાપ્રધાન આપનારો ભારતનો હીરો

બ્રિટનને બે વડાપ્રધાન આપનારો ભારતનો હીરો

વર્ષ 1674. એ ગોરો ભારતની ધરતી પર ઉતર્યો. આંખોમાં મહત્વાકાંક્ષાનું ઘોડાપુર ઉમટતું હતું. કંઈ કેટલીય ઈચ્છાઓના સૂરજ ઉગતા સ્પષ્ટ દેખાતા હતા. યુરોપની ઠંડીની સાપેક્ષે ભારતની ગરમી સામે તે પોતાના શરીરને કેવી રીતે ટકાવશે એ વાતો તેના મગજમાં હાલ ઝંઝાવાતી તોફાન બનીને ઘુમી રહી હતી. જહાજમાં પહેલી વખત બેઠો ત્યારથી તેને ભારત જેવા દેશમાં પલોઠીવાળીને બેસવાનું મન નહોતું. એણે આખા ભારતમાં આટા ફેરા માર્યા. ને તેની આંખમાં ચમક આવી ગઈ.

રહી રહીને તેને લાગવા લાગ્યું કે જે ભારતમાં છે એ દુનિયાના કોઈ દેશની ધરતી પર નથી. અમેરિકામાં ખાલી કોરી જમીનો છે, જેના માટે રેડ ઈન્ડિયનો અને પોતાનો દેશ પણ ખાલી ખોટું જોખમ ઉઠાવી રહ્યું છે. યુરોપના અન્ય દેશો તો તેના દેશ જેવા જ અલગ ભાતના છે. જ્યાં સાઠીકડા જેવડી સત્તા માટે પણ સમરાંગણ થઈ જાય. પણ ભારત. ભારત ખરાં અર્થમાં સોનાની ચકલી છે.

ભારતમાં ભાડે રહેતા રહેતા તેનાથી એક ગફલો થઈ ગયો. 400 પાઉન્ડનો તેના પર જુર્માનો લાગ્યો પણ એ જુર્માનો તેના માટે પાંચીયા બરાબર હતો. પગમાં ચોંટેલી ધૂળની રજકણો કરતાં પણ વધારે તેની સમૃદ્ધી હતી. અને હવે થોડા સમયમાં જ તેની સમૃદ્ધીમાં અપરંપાર વધારો થવાનો હતો.

1698ની સાલમાં તે મદ્રાસમાં આવ્યો. એ એક બાજીગર વેપારી હતો. પણ હવે તે ઈંગ્લેન્ડની ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પ્રેસિડેન્ટ બની ગયો. આ સમયે દિલ્હીના મુઘલ સમ્રાટ ઓરંગઝેબના શાસનમાં શહેજાદાઓનું યુદ્ધ સપાટી પર ચાલી રહ્યું હતું. મુઘલોમાં નવા બાદશાહની સાથે કેશાકર્ષણનો સિંદ્ધાંત પણ જન્મ લઈ લેતો હતો. અત્યારે તો ઓરંગઝેબ આ દાવાનળનું શમન કરી રહ્યો હતો.

શાહજહાને બાટલીમાં ઉતારી દેનારી ચાલાક અને લે-ભાગુ એવી ઈંગ્લેન્ડની પ્રજાનો આ બાશીંદો ઓરંગઝેબને પણ પટાવી ગયો.

1702ની સાલ આવી ગઈ. તેણે ભારતને બરાબર સમજી લીધું હતું. એક દિવસ તે જહાજ પાસે ઊભો હતો. તેના માથા પર ચિંતા દેખાતી હતી.

જહાજ ચાલ્યું ગયું અને તેણે શાંતિ લીધી. એ જહાજ ચક્રવાતમાં ડૂબી ન જાય તેની એ કામના કરતો હતો. જહાજની સાથે તેણે જે વસ્તુ મોકલેલી તેનાથી તો અઢળક જહાજો ખરીદી શકાય, બનાવી શકાય, આખા સમુદ્ર પર સમુદ્રાન્તિકે બની રાજ કરી શકાય. જહાજમાં એણે એક હીરો બ્રિટન પહોંચાડી દીધો હતો. એ હીરાનું નામ રીજેન્ટ ડાયમન્ડ. નામ કોણે પાડ્યું તે આગળ જોઈશું.

શશી થરૂરના પુસ્તક અંધકાર કાલમાં લખવામાં આવ્યું છે, ‘‘1702ની સાલમાં થોમસ પીટે 24,000 પાઉન્ડમાં આ હીરો એક વેપારી પાસેથી ખરીદ્યો હતો. એ રકમ એ સમયે ખૂબ મોટી હતી. ઈંગ્લેન્ડમાં દરેક વ્યક્તિ એટલી રકમ ન ચૂકવી શકે. આ હીરાને વિશ્વનું શ્રેષ્ઠ રતન કહેવામાં આવતું હતું. 400 કેરેટના હીરાને પાણીના જહાજ મારફતે ઈંગ્લેન્ડની ધરતી પર મોકલવામાં આવ્યો. સાથે તેણે એક પત્ર પોતાના એજન્ટને લખ્યો, આ હીરો મારી સૌથી મોટી ચિંતા છે. હીરો પહોંચી જવાનો પત્ર મળતા જ તેણે મદ્રાસના ગવર્નર પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું.’’

ભારતનું ગવર્નર પદ અને ભવિષ્યમાં પણ લૂંટણખોરી કરી શકે તેવી ક્ષમતા હોવા છતાં થોમસ પીટે રાજીનામું શા માટે આપી દીધું ? રાજીનામું આપવાનું કારણ કે એ હીરો 410 કેરેટનો હતો.

હીરો બ્રિટન પહોંચી ગયા બાદ તે ખૂદ બ્રિટન ગયો. તેણે એક મોટી જમીન ખરીદી લીધી. બ્રિટનની સંસદીય સીટ પણ ખરીદી લીધી. બ્રિટનનાં રાજકારણનો માલેતુજાર શેઠ બની ગયો.

ધીમે ધીમે સમગ્ર બ્રિટન અને ભારતમાં પણ થોમસ પીટ દ્રારા તડફંચી કરી જવામાં આવેલ એ હીરાને લઈ અફવાઓ ફેલાવાની શરૂઆત થઈ ગઈ. બ્રિટનના ઈતિહાસકાર થોમસ કી આ અફવાઓનો ઉલ્લેખ કરતાં લખે છે કે, ‘‘બે મોટી અફવાઓ હતી. પ્રથમ અફવા કે કોઈ દેવતાની મૂર્તિની આંખમાં આ હીરો હતો અને તેને કાઢી લેવામાં આવ્યો હતો. બીજી સૌથી મોટી અફવા એ હતી કે ખાણમાં કામ કરતાં એક મજૂરને આ હીરો મળ્યો હતો. તેણે હીરાને છૂપાવવા માટે પોતાના હાથેથી ઝાંઘમાં કાણું પાડી દીધું અને છુપાવી દીધો.’’

દેવતાની આંખવાળી અફવા સાથે આપણે સહમત ન થઈ શકીએ પણ બીજી અફવા સાથે સહમત થવાનું કારણ એ પણ છે કે હીરો આંધ્રપ્રદેશની કોલારની ખાણમાંથી મળ્યો હતો. એટલે શક્ય છે કે હીરો કોઈ મજૂર ઉઠાવીને લાવ્યો હોય. પણ તેણે પોતાની જાંઘમાં ઈજા કરી છૂપાવ્યો હોય તે વાત અતિશ્યોક્તિસભર લાગી રહી છે. સંભવ છે કે ત્યાં કોઈ મૂર્તિ હોય અને તેની આંખમાં આ હીરો હોય જ્યાંથી તે મજૂરે કાઢ્યો હોય.

આપણે તો બસ સંભાવનાઓ વ્યક્ત કરી શકીએ છીએ. વીકિપીડિયાના સોર્સ પ્રમાણે ત્રીજી અફવા પણ છે કે, એક ગુલામ પાસે એ હીરો હતો. તેને જહાજના અંગ્રેજ કેપ્ટને મારીને લઈ લીધો અને એક ભારતીય વેપારીને વેંચી દીધો.

આ હીરો 15 વર્ષ બાદ થોમસ પીટે ફ્રાન્સની રીજેન્ટ ડક ડી ઓર્લિન્સને કુલ 1,35 000માં વેચ્યો. જે કિંમતમાં તેણે ખરીદ્યો હતો તેનાથી છ ગણી કિંમતે વેચ્યો. એટલે કે બ્રિટનનો એ સમયનો ટાટા-બિરલા થોમસ પીટ બની ગયો. જેને વેંચ્યો તેનું નામ વાંચો. હીરાનું નામ રીજેન્ટ કેમ પડ્યું તેનો જવાબ મળી જશે.

ખરો કિંગ પીંગ તો થોમસ પીટ બની ગયો. એટલો મોટો કિંગ કે તેનો પુત્ર બ્રિટનનો વડાપ્રધાન બન્યો. વિલિયમ પીટ ધ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ગ્રેટ બ્રિટન. સંશયને સ્થાન નથી કે થોમસ પીટે સંસદની સીટ ખરીદી લીધી પછી રાજકારણમાં પોતાનું કદ વધાર્યે રાખ્યું. જેના ફળરૂપે ભવિષ્યમાં મામકાવાદવાળી કરતાં દીકરાને પણ ઘુસાડ્યો. હજુ રાજકારણના સમજણના દુધીયા દાંત ન ફૂટે ત્યાં તો તેનો પૌત્ર વિલિયમ પીટ ધ યંગર બ્રિટનનો 18મો વડાપ્રધાન બન્યો. 24 વર્ષની નાની વયે તે વડાપ્રધાન બની ગયો. તેના નામ પાછળ ‘યંગર’  એટલે જ લગાવવામાં આવતું હતું. બ્રિટનના ઈતિહાસનો સૌથી ઓછી ઉંમરનો વડાપ્રધાન. એક હીરાનાં કારણે મળેલી અઢળક સંપત્તિથી બ્રિટનને ભવિષ્યમાં બે વડાપ્રધાન મળી ગયા.

એલેક્ઝાન્ડર પોપ નામના કટાક્ષકારે થોમસ પીટ અને તે હીરા વિશે આ રીતે લખ્યું છે.

‘‘Asleep and naked as an INDIAN lay

An honest factor stole a gem away;

He pledged it to the Knight, the Knight had wit,

So kept the diamond, and the rogue was bit.’’

હીરો તો પીટ પરિવારને સમૃદ્ધી બક્ષી ફ્રાન્સ બાજુ નીકળી ગયો. હીરા બધા માટે ભાગ્યશાળી નથી હોતા.

ફ્રાંસના સમ્રાટ લુઈ 14માં એ 1717ની સાલમાં ફ્રાંસના પ્રતિનિધિ રહેલા ઓલિનના ડ્યુક ફિલીપ બીજા પાસેથી ખરીદ્યો હતો. એ હીરાની વારસાગત રેસ શરૂ થઈ. 1722ની સાલમાં લુઈ 15માંએ તેને પોતાના તાજમાં જડી દીધો. લુઈ 16માં પાસે પણ એ જ સ્થાને રહ્યો. 1792માં ફ્રાંસની ક્રાંતિ થઈ તો કોઈ તેને ચોરી ગયું. પાછો મળી ગયો અને હરતાં ફરતાં 1801ની સાલમાં મહાન નેપોલિયન બોનાપાર્ટ પાસે આવી પહોંચ્યો. નેપોલિયનને હીરો એટલો પસંદ આવ્યો કે પોતાની તલવારની મૂઠમાં તેને રાખ્યો. તલવારની મૂઠમાં રાખ્યા પછી વોટર્લૂની લડાઈમાં નેપોલિયન હારી ગયો, એમ પણ અનુમાન લગાવી શકાય.

તેની હાર થતાં જ તેની બીજી પત્ની હીરાને લઈ ઓસ્ટ્રીયા ભાગી ગઈ. તેના પિતાએ ફ્રાન્સ સાથેના સુવાળા સંબંધોને લઈ હીરો ફ્રાન્સને પરત કરી દીધો. ત્યાંથી ફ્રાંસ રિટર્ન આવ્યો અને લુઈ 18માં, ચાર્લ્સ 10માં અને નેપોલિયન ત્રીજાના તાજમાં રહ્યો.

1887 પછી તેને લૂવ્ર મ્યૂઝિયમના હવાલે કરી દેવામાં આવ્યો. પેરીસના લૂવ્ર સંગ્રહાલયની મુલાકાત લો તો ત્યાં આ હીરો છે. અને છેલ્લે ઉપરની માહિતીના સોર્સિસ શશી થરૂરની અંધકાર કાલ-વીકિપીડિયા અને કેટલીક વેબસાઈટો. ગૂગલ દેવ પાસે જઈ હીરો જોવા ધક્કો ન ખાવો પડે એટલે હાલની તસવીર નીચે આપીએ છીએ.

426નો હતો ત્યાંથી 410નો થયો અને પછી ઘસી ઘસીને 140નો કરી નાખ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments