Team Chabuk– Sports Desk: જૂન મહિનો ઈંગ્લેન્ડમાં પ્રકૃત્તિનો મહિનો હોય. એક સામાન્ય પરિવેશ ભાખોળિયા ભરતું ઊભું થાય. આકાશ ઉઘડેલું અને ભરેલું ભરેલું લાગે. વિહંગોની ચહલપહલ વધી જાય. આતપસેનની ઋતુનો આરંભ થઈ જાય. ઈંગ્લેન્ડની આતપ એટલે શરીરમાં તાપ જીલવાના દહાડાઓ. સફેદ શરીરની અંદર સૂર્યના કિરણો ભીષ્મની બાણશૈય્યાની જેમ ઉતરે. દેહને વ્હાલુકડા મારા ઉનાળા જેવું લાગે. એ જૂન મહિનામાં જ ઈંગ્લેન્ડમાં દેડકાની એક પ્રજાતિ બ્રિટનદર્શન માટે નીકળે. એ જૂન મહિનો એટલે ઈંગ્લેન્ડમાં ક્રિકેટનો મહિનો. સ્ટેડિયમમાં માત્ર તાળીઓનો ગડગડાટ સંભળાય. બ્રિટનના સભ્ય સમાજ અને ભદ્ર મનુષ્યલોકની અહીં ઝાંખી થાય. જોકે એ ભદ્ર મનુષ્યના ચિન્હો પણ આથમતા જઈ રહ્યા છે. ઈંગ્લેન્ડનું સ્ટેડિયમ પણ હવે ગાલીગલોચનો પ્રયોગ કરતું થઈ ગયું છે. વિરોધી ટીમના દર્શકોનાં મનમાં બળતરાના બીજ શબ્દોથી હોમવાની ક્રિયા તો ક્યારની ચાલુ થઈ ગઈ છે. આટલા મસમોટા સ્ટેડિયમમાં આપણને ભાગ્યે જ તેના દર્શન થાય. કે પેલો “દર્શક સ્લેજિંગ” નામનો શબ્દ વિશ્વ નિહાળી ન લે એટલે કેમેરો ત્યાં પોતાની ગરદન જ ન ફેરવે!
**
વર્ષ હતું 1979નું. બીજો વિશ્વકપ. એનું નામ પણ પ્રુડેન્શિયલ કપ રાખવામાં આવેલું. ફેરબદલ માત્ર એ રહી કે કેનેડાની ટીમે અહીં શ્રીલંકાની સાથે વાજતેગાજતે પ્રવેશ કર્યો હતો. તમામ આઠ ટીમોને રાઉન્ડ રોબિન પ્રમાણે રમવાનું હતું. રાઉન્ડ રોબિન એટલે કે ગ્રુપની એક ટીમ બાકીની તમામ ટીમો સામે એક એક વખત રમે. ફ્રેન્ચ ભાષાની પાસે રુબન નામનો એક શબ્દ છે. લાંબા સમયે તેનું રિબન થયું અને તેમાંથી અપભ્રંશ થઈ રોબિન થઈ ગયું. જો એક ટીમ દરેક ટીમની સામે બે વખત રમતી હોય તો એનો પણ શબ્દ છે. તેને કહેવાય ડબલ-રાઉન્ડ રોબિન. ખેલ વિશ્વમાં નિષ્પક્ષતાનું બીજું નામ રાઉન્ડ રોબિન છે, કે જ્યાં એક ટીમને દરેક ટીમની સામે કૌવત દાખવવાની તક મળે છે. જાણકારી અહીં સુધી બરાબર છે, નહીં તો રાઉન્ડ રોબિનનું આંકડાકીય ગણિત મગજનો ભુક્કો બોલાવી નાખવાનું પણ સામર્થ્ય ધરાવે છે. એ માત્ર ગણિત અને ભૌતિકશાસ્ત્રીઓનાં પલ્લે પડે એવી વાત છે.
9 જૂન 1979ના રોજ પરંપરાગત હરીફ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજા વિશ્વકપના પ્રથમ મેચમાં ટક્કર થઈ. જેમાં ઈંગ્લેન્ડનો છ વિકેટે વિજય થયો. ભારત ગ્રુપ-બીમાં હતું. અને તેનો સામનો પૂર્વ વિજેતા વિન્ડીઝ સામે હતો. ભારતે તમામ વિકેટ ગુમાવી 190 રન કર્યાં અને બીજી બેટીંગ કરનારી વિન્ડીઝની ટીમ જીતી ગઈ. ભારત તરફથી ગુડપ્પા વિશ્વનાથે સર્વાધિક 75 રન કર્યાં હતા. જ્યારે વિન્ડીઝ તરફથી ગોર્ડેન ગ્રિનેજે નોટ આઉટ 106 રનની ઈનિંગ રમી હતી. ભારતનું બોલિંગ પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. હરિયાણા હરિક્કેન તરીકે ઓળખાતા કપિલ દેવે ડેસમન્ડ હેન્સ નામેરી ઓપનરની એક વિકેટ લીધી હતી. બાકીના બોલર્સ બસ ઈંગ્લેન્ડનો ઉનાળો ખાતા ખાતા પીટાતા રહ્યા હતા.
ભારતનો બીજો મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હતો. જેમાં પણ તેની હાર થઈ હતી. ભારતે 183 રન કર્યાં હતા. જે મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીનો વ્યક્તિગત સ્કોર છે. સૌરવ ગાંગુલીએ 183 શ્રીલંકા સામે 1999નાં વિશ્વકપમાં જ ફટકાર્યા હતા. ભારતીય ટીમમાં ગાવસ્કર સિવાય કોઈ બેટર ચાલ્યો નહીં અને ન્યૂઝીલેન્ડના ઓપનર બ્રૂસ એડગરે નોટ આઉટ 84 રનની ઈનિંગ રમી ટીમને જીત અપાવી દીધી. શ્રીલંકા સામે પણ ભારતની સળંગ ત્રીજી હાર થઈ.
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ જીત્યું. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનમાં વિન્ડીઝ. છતાં પાકિસ્તાન વિશ્વકપના નોકઆઉટ ચરણમાં પહોંચનારી પ્રથમ એશિયન ટીમ બની. પણ પ્રથમ એશિયન ટીમ ભારત, જેને વિજેતા થવાનું શ્રેય આગામી વિશ્વકપમાં મળવાનું હતું. વિસ્મય એ કે સેમીફાઈનલમાં જે ટીમનો પ્રથમ દાવ આવ્યો એમણે જ જીત પ્રાપ્ત કરી અને ફાઈનલની ટિકિટ લીધી. વધારે વિસ્મય એ વાતનું કે જે ટીમ હારી તેમણે જ ટોસ જીત્યા હતા. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડે ક્ષેત્ર રક્ષણ પસંદ કર્યું, તો વિન્ડીઝ અને પાકિસ્તાનમાં પાકિસ્તાને ક્ષેત્ર રક્ષણ પસંદ કર્યું. વિસ્મય હજુ બાકી છે.
બીજી સેમિફાઈનાલિસ્ટ ટીમે પણ બોધપાઠ ન લીધો. ત્યાં સુધી કે ફાઈનલમાં પહોંચનારી યજમાન ઈંગ્લેન્ડની ટીમે પણ કંઈ ન શીખ્યું અને વિન્ડીઝ સામે ફાઈનલમાં ટોસ જીતી પ્રથમ ક્ષેત્ર રક્ષણ પસંદ કરી લીધું. અને… અને વિન્ડીઝની ટીમે ઈંગ્લેન્ડની બેટીંગ લાઈન અપનો ખુડદો બોલાવી દીધો. ઈંગ્લેન્ડ માટે કાળરાત્રી સાબિત થયો વિન્ડીઝનો વન ડાઉન બેટ્સમેન. જેના બેટની વચ્ચે બોલ આવે તો સમજવું કે એ હવે કોઈ ફિલ્ડરના હાથમાં નહીં આવે. જો મેદાનમાં એનો દિવસ હોય તો બાકીના બધા ખેલાડીઓનાં દિવસનો દુકાળ ચાલુ થઈ જાય. નામ સર વિવિયન રિચાર્ડ્સ, કામ…. બોલર્સની કારકિર્દીનો સૂર્યાસ્ત કરી દેવો. તેણે 157 બોલમાં, 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 138 રન ફટકારી દીધા. એ દિવસે તેનું બેટ તલવારની જેમ ચાલતું હતું અને તેનાં શિકાર ઈંગ્લેન્ડના અનુભવી બોલર્સ બની રહ્યા હતા. રિચાર્ડ્સના કારણે જ વિન્ડીઝ સતત બીજો વિશ્વકપ જીતી એમ કહેવાય, કારણ એવું છે કે રિચાર્ડ્સ અને કોલિસ કિંગ જેણે 66 બોલમાં 86 રનની એ સમયની T20 ઈનિંગ રમી, એ સિવાય કોઈ બેટર્સ રનમાં પોતાનું યોગદાન નહોતું આપી શક્યું. કોલિન ક્રોફ્ટ અણનમ શૂન્ય રહ્યો જ્યારે તેની અગાઉના ચાર બેટર્સ તો ઝીરોમાં આઉટ થઈ ગયા હતા. એટલે એક રીતે રિચાર્ડ્સને આઉટ કરવામાં જો ઈંગ્લેન્ડ સફળ નિવડી હોત તો વિશ્વકપની ટ્રોફી તેના હાથમાં જ હતી. તેનો ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લેવાનો નિર્ણય પણ આમ તો બરાબર જ હતો, પણ તેમણે કોર્સના સૌથી અઘરા સવાલ રિચાર્ડ્સ માટે કોઈ તૈયારી નહોતી કરી. આ એવો સવાલ હતો જેને વિકલ્પમાં પણ ન કાઢી શકાય. એવો અઘરો સવાલ હતો કે ગમે એટલી વખત ગોખો યાદ જ ન રહે. એવો અઘરો સવાલ હતો કે તેની તૈયારી ન કરો અને બીજા બે સવાલ [ગોર્ડન ગ્રીનેજ અને ક્લાઈવ લોયડ્સની] ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો તો પણ પાસિંગ ગુણ પણ ન આવે. કારણ કે ઉપરોક્ત બે સવાલ પણ મુશ્કેલ છે.

ઈંગ્લેન્ડે બેટીંગ સમયે મેદાનમાં સંઘર્ષ કર્યો. પણ તેનાં પ્રમુખ ચાર બેટર્સ સિવાય કોઈ ડબલ ફિગરમાં પણ ન પહોંચી શક્યું. ઓપનિંગ બેટર્સ માઈક અને જ્યોફ બોયકોટે અડધી સદી ફટકારી દીધી છે. હવે બાકીના ખેલાડીઓએ ધીમી ગતિથી સ્કોરની નજીક પહોંચવાનું છે. પણ વિન્ડીઝના બોલિંગનું ઉતુંગ શીખર ભયાવહ હતું. એમાં વરસાદ પણ આવે, તોફાન પણ આવે, હિમશીલાઓ પણ ગબડી પડે, જે માઉન્ટ એવરેસ્ટ પર થતું હોય છે એવું લોર્ડ્સના ગ્રાઉન્ડમાં ઈંગ્લેન્ડના સાત બેટર્સ સાથે થયું. પરિણામ એ આવ્યું કે બીજો પ્રુડેન્શિયલ વિશ્વકપ પણ વિન્ડીઝ આંચકી ગઈ. West Indies won by 92 runs….!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત