Homeદે ઘુમા કેજ્યારે મહિલાઓનાં કારણે પ્રથમ પુરુષ ક્રિકેટ વિશ્વકપની શરુઆત થઈ

જ્યારે મહિલાઓનાં કારણે પ્રથમ પુરુષ ક્રિકેટ વિશ્વકપની શરુઆત થઈ

Team Chbauk– Sports Desk: વેસ્ટ ઈન્ડિઝ! એ ટીમ જેની એક સમયે ક્રિકેટ વિશ્વમાં બોલબોલા હતી અને અત્યારે જેને ક્વોલિફાઈ થવા માટે પણ લોઢાના ચણા ચાવવા પડે છે. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને ઝિમ્બાબ્વે જેવી એક સમયે સાઇડ લાઇન થઈ ગયેલી ટીમોની સામે રમી તેને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પડ્યું છે. 2022ના ટી ટ્વેન્ટી વિશ્વકપમાં તો વેસ્ટ ઇન્ડિઝની ટીમ ક્વોલિફાઈ સુદ્ધાં પણ નહોતી કરી શકી. પણ આ લેખનો આરંભ વેસ્ટ ઈન્ડિઝથી એટલા માટે કારણ કે પ્રથમ એક દિવસીય ક્રિકેટ મેચનો વિશ્વકપ વિન્ડીઝે જીત્યો હતો. ફિટનેસમાં અડીમખ. શરીરમાં ઈજા નહીં. વિરોધી ખેલાડીઓને ઈજા પહોંચાડવાની પૂરતી તૈયારી. છથી સાત ફૂટ પૂરાં ખેલાડીઓ. આંખો લાલચોળ. વિભીષિકાનું બીજું નામ એટલે વેસ્ટ ઈન્ડિઝ.

પણ જે વિશ્વકપની જગતમાં કીર્તિ બોલાતી હોય એ ક્રિકેટ શું ઓલિમ્પિકમાં હતું? હતું. રમાયું હતું. ફ્રાન્સ વિરુદ્ધ મહાન બ્રિટનનો વિજય થયો હતો. અને અંતે ઓલિમ્પિક કમિટિને એવું લાગ્યું કે ક્રિકેટને અહીં ન હોવું જોઈએ. જોકે હવે ફરી ક્રિકેટ ઓલિમ્પિકમાં આવવાનું છે.

ઈ.સ 1971માં વનડે ક્રિકેટનો જન્મ થયો હતો. માત્ર ચાર વર્ષના ગાળામાં તેને વિશ્વકપ તરીકેનું બહુમાન મળી ગયું. એવું નહોતું કે એક કરતા વધારે ટીમો પહેલી વખત રમી રહી હોય. વર્ષ 1912ની સાલમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમો ત્રિકોણીય ટૂર્નામેન્ટ રમી હતી. આ ટૂર્નામેન્ટ રદ્દ કરવામાં આવી, કારણ ત્યાંની આબોહવા હતી. આબોહવાની સામે હજુ ટક્કર લઈ શકાય, મેચના દિવસોમાં ફેરફાર કરી શકાય, પરંતુ મુખ્ય કારણ હતું જનતાની નિષ્ક્રિયતા. આયોજકો કરવા ગયા હતા કંસાર અને થઈ ગઈ થૂલી.

World cup

પણ પુરુષોનું એકચક્રિય શાસન ધરાવતી આ રમતને લોકપ્રિય બનાવવાનું કામ મહિલાએ કર્યું એમ કહેવામાં અત્યોક્તિ નથી. વર્ષ 1973માં મહિલા ક્રિકેટ વિશ્વકપનું ઈંગ્લેન્ડ ખાતે આયોજન થયું હતું. જેમાં યજમાન ઈંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જય થયો હતો. 20 જૂન 1973નાં રોજ જમૈકા અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમો વચ્ચે ટક્કર થઈ. લંડનનું ક્વી ગ્રીન મેદાન. ઇતિહાસ સર્જવા માટે મહિલાઓ તૈયાર હતી અને વરસાદ પણ! એવો ધોધમાર વરસાદ ત્રાટક્યો કે ટોસ પણ ન થઈ શક્યો. બંને ટીમને એક એક પોંઈન્ટ સાથે હતાશ થઈ નીકળવું પડ્યું. ખરો મેચ 23 જૂન 1973ના રોજ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ અને યંગ ઈંગ્લેન્ડ વચ્ચે રમાયો. જેમાં સાત વિકેટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો વિજય થયો. મહિલાઓ કરતાં પુરુષ ક્રિકેટ વધારે લોકપ્રિયતા ધરાવતો હોવાથી અંતે પુરુષ ટીમો વચ્ચે યુદ્ધ કરાવવાનું નક્કી થયું.

પણ એવું કેવી રીતે બની શકે કે પુરુષોના કારણે જે રમત લોકભોગ્ય બની હોય તેમાં મહિલાઓનાં વિશ્વકપનું પ્રથમ આયોજન થાય? જેક હેયવર્ડ નામનો ઈંગ્લેન્ડનો એક વેપારી. જે પૈસા ખૂબ કમાતો અને સાથે દાન પણ એટલું જ કરતો. મહિલા વિશ્વકપનું આયોજન થાય એટલા માટે તેણે ચાલીસ હજાર પાઉન્ડનું આંધણ કરી નાખ્યું હતું. અર્થઘટન કરીએ તો આજના સમયમાં વિશ્વકપની સીમાડાઓ ટપી ગયેલી લોકપ્રિયતા આ ભાઈની દાનવૃત્તિના કારણે જ શક્ય બની છે.

7 જૂનનાં રોજ પ્રથમ પુરુષ વિશ્વકપના શ્રી ગણેશ થયા. જે 21 જૂન સુધી ચાલવાનો હતો. નામ પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ. પ્રુડેન્શિયલ કંપની દ્વારા તેને સ્પોન્સર કરવામાં આવેલ. જે બ્રિટનની મલ્ટિનેશનલ ઇન્સયોરન્સ કંપની છે. અર્થવ્યવસ્થાના સમાચાર વાંચવાનો રસ હોય તો એમાં ક્યાંક આડું આવતું હશે…. ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ. ઓવર પણ પચાસની નહીં પરંતુ સાઈઠની એટલે ટકવા માટે ટચૂક ટચૂક રમો તો પણ ચાલે. અને આ ટચૂક ટચૂકનો નમૂનો ભારતના એક ખેલાડીએ વિશ્વકપની પ્રથમ મેચમાં જ દેખાડી દીધો. મેદાન પર ઉપસ્થિત દર્શકોની આંખોમાં રીતસરનું ઘારણ વળી ગયું.

પ્રથમ બેટીંગ કરતાં ઈંગ્લેન્ડની ટીમે 60 ઓવરમાં એ સમયનો સર્વાધિક અને તોતિંગ કહેવાતો 334 રનનો પહાડ ઊભો કરી દીધો. ક્રિકેટ વિવેચકોનું માનવું હતું કે ત્રણસો પારનો સ્કોર એટલે ટીમનો વિજય! એટલે જ ભારતની ટીમ માટે આ સ્કોરને ઓળંગવો લગભગ અશક્યવત્ લાગતો હતો. ડેનિસ એમિસ નામના ખેલાડીએ ભારતીય બોલર્સની પીદુડી લઈ નાખી અને 147 બોલમાં 18 ચોગ્ગાની મદદથી 137 રન ફટકારી દીધા. જે ઈંગ્લેન્ડની ટીમને આટલો સ્કોર કરવામાં ફળદાયી નીવડ્યા. ભારતની ટીમ ઈંગ્લેન્ડની ટીમની માત્ર ચાર જ વિકેટ ખેરવી શકી. સૈયદ આબીદ અલીએ સર્વાધિક 2 વિકેટ લીધી. હવે મેદાન પર ભારતીય બેટર્સની એન્ટ્રી થઈ. આશ્ચર્યજનક રીતે ભારતની માત્ર ત્રણ જ વિકેટ પડી. 60 ઓવર્સ પણ રમી. પણ 334ના પહાડને ઓળંગી ન શક્યું. ભારત હજુ ટેસ્ટ મેચના સ્વરૂપમાંથી બહાર નીકળ્યું ન હોય એમ લાગતું હતું. અને ટેસ્ટના ખેલાડી તરીકે જ વિશ્વખ્યાતિ ભોગવી રહેલા શ્રી સુનીલ ગાવસ્કરે 174 બોલમાં 36 રન જ કર્યાં. ભારત પૂરી 60 ઓવરમાં 132 રન જ કરી શક્યું અને ઈંગ્લેન્ડનો 202 રનથી વિજય થયો. એ પછી તો અફવાઓનું માર્કેટ ગરમ થઈ ગયું. કેટલાક કહેતા કે ગાવસ્કરને કેપ્ટન સાથે વાંધો પડતા એ ધીમું રમ્યો, કેટલાક કહેતા હતા કે રનરેટને નુકસાન ન થાય એટલે છેલ્લે સુધી ટકવું જરૂરી હોવાથી ગાવસ્કર ટચૂક ટચૂક રમ્યા, કેટલાકનું એવું માનવું હતું કે ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર્સની જગ્યાએ સ્પીનર્સ હોવાથી ગાવસ્કરને ગમતું નહોતું.

આવું કેવી રીતે થયું તેના વિષે ગાવસ્કરે સ્વયં કહેલું કે, “હું અસંખ્ય વખત સ્ટમ્પથી હટી ગયો, કે જેથી બોલ્ડ થઈ જાઉં. આ જ એક પદ્ધતિ હતી. જેથી હું એ સમયની માનસિક પરિસ્થિતિથી બચી શકું. પણ હું તો રન પણ નહોતો બનાવી શકતો અને આઉટ પણ નહોતો થઈ રહ્યો. મારી સ્થિતિ એક મશીન જેવી હતી જે માત્ર ચાલી રહ્યું હતું.”

પ્રથમ વિશ્વકપના ગ્રુપ-Aમાં માત્ર બે વખત જ એવું થયું કે પ્રથમ દાવ લેનારી ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય. એક વખત ભારત ઈસ્ટ આફ્રિકા જેવી નબળી ટીમ સામે જીત્યું. જેમાં ઈસ્ટ આફ્રિકાએ 120 રન કર્યાં હતા અને ભારત દસ વિકેટે જીતી ગયું હતું. બીજી વખત ભારત અને ન્યૂઝીલેન્ડનો સામનો થયો. જેમાં ભારતે 230 રન કર્યાં તો ન્યૂઝીલેન્ડે 233 રન કરી જીત મેળવી લીધી. સૌથી ઓછો સ્કોર શ્રીલંકાએ નોંધાવ્યો. જે વિન્ડીઝ સામે 86 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

ક્નોકઆઉટ સ્ટેજમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની જંગ છેડાઈ. ઓસ્ટ્રેલિયાનો ચાર વિકેટે વિજય થયો. મેચ નિરસ રહી કારણ કે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 96 રનમાં પવેલિયન ફરી ગઈ હતી. બીજી ક્નોકઆઉટમાં ન્યુઝિલેન્ડ અને વિન્ડીઝ વચ્ચે ટક્કર થઈ. જેમાં વિન્ડીઝ પાંચ વિકેટે જીતી ગયું.

હવે ફાઇનલ. 21 જૂન 1975. લોર્ડ્સનું ઐતિહાસિક ક્રિકેટ મેદાન. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને ભંયકર ભૂલનું પ્રદર્શન કરતાં ખતરનાક વેસ્ટ ઈન્ડિઝને બેટીંગ માટે આમંત્રણ આપ્યું. વિન્ડીઝના બેટર્સ જ્યારે ટાંપીને જ બેઠાં હોય એમ ઓસ્ટ્રેલિયાની બોલિંગ લાઈન અપ પર તૂટી પડ્યા. પણ ઓસ્ટ્રેલિયાનો જુસ્સો કાયમ હતો. આરંભિક ત્રણ બેટર્સને ન્યૂનતમ આંકડાઓ પર પવેલિયનમાં બેસાડી દીધા. અહીંથી રોહન કનહાઈ અને સુકાની ક્લાઈવ લોય્ડ્સે ઈનિંગ સંભાળી. રોહને 55 રન કર્યાં તો કેપ્ટન લોય્ડ્સે 108 રનની કેપ્ટન ઈનિંગ રમી. પ્રથમ વિશ્વકપ, પ્રથમ ફાઈનલ, પ્રથમ કેપ્ટન ઈનિંગ! કુલ રન આઠ વિકેટના નુકસાન પર 291. ઓસ્ટ્રેલિયા નસીબનું બળીયું હતું કે વિસ્ફોટક રિચાર્ડ્સ માત્ર પાંચ રનમાં આઉટ થઈ ગયો.

જીત માટે ઓસ્ટ્રેલિયાના બેટર્સે વિન્ડીઝની તગડી બોલિંગ લાઈન અપ સામે ભીષણ યુદ્ધ કર્યું. પણ અંતે વિન્ડીઝનો વિજય થયો. ઓસ્ટ્રેલિયા 274 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. વિન્ડીઝના સુકાની અને લેફ્ટ હેન્ડેડ બેટર ક્લાઈવ લોય્ડસનું એક ખૂબ સરસ વિધાન છે. જેને રમત સાથે સંકળાયેલા દરેક ખેલાડીએ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ, “When your eyes go, and your legs go, and your fans go; then it’s time for you to go too.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments