Team Chabuk-Gujarat Desk: કોઈક વખત ચોર પર અણધારી આફત આવી જાય. અણીના સમયે ચોરી કરેલી વસ્તુ જ દગો આપે. આવું બન્યું છે જામનગર જિલ્લામાં, જ્યાં બે ટેણીયાઓએ એક્ટિવા ચોરી કર્યું પણ પેટ્રોલ પૂરું થઈ જતાં માલિકના હાથે જ ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બની છે જામનગર શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર. 12 વર્ષના બે ટેણીયાઓએ મહામુસીબતે એક્ટિવા ચોરી કરી પણ પેટ્રોલ પુરુ થઈ ગયું. માલિક પોતાના વાહનને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યો અને આ ચોર બારકસોને લોકોની મદદ વડે પકડી પાડ્યા અને પોલીસ હવાલે કર્યા. લોકો પણ આવડી અમથી ઉંમરમાં આટલું મોટું સાહસ કરનારા ટેણીયાઓને જોઈ આશ્ચર્યચકિત્ત થઈ ગયા હતા.

બાર-બાર વર્ષના ટેણીયાઓએ ભણવાની ઉંમરે ચોરીનું પગલું કેમ ભર્યું તે ચિંતાનો અને સવાલનો વિષય છે. ચોરી કરી અને પેટ્રોલ પૂર્ણ થઈ જતાં આ ટેણકીઓ વાહન સાઈડમાં મૂકી રફુચક્કર થવાના પ્રયાસમાં જ હતા. એટલામાં વાહનનો મૂળ માલિક પોતાની એક્ટિવા શોધતો આવી પહોંચ્યો હતો. તેણે લોકોને એકઠા કર્યાં હતા અને ટેણીયાઓના પરાક્રમથી અવગત કર્યા હતા.

બંનેને પકડી પાડ્યા બાદ એલસીબીને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમના માટે પણ આ વિસ્મયનો મુદ્દો હતો કે ચોરી અને આવડા અમથા બાળકો? આ બંને ટેણીયાઓને પોલીસ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેમણે જીજે-10-બીક્યુ 9155, જીજે-10-બીબી 1991 અને જીજે-10-બીપી 3957ના ત્રણ એક્ટિવાની અલગ અલગ જગ્યાએથી ચોરી કરી છે. પોલીસે ત્રણે મોટરસાઈકલનો કબ્જો લીધો અને ટેણીયાઓ પર ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ બંને સગીર મિત્રો છે. બેઉની વય બાર વર્ષની છે. બંને ચાની દુકાનમાં કામ કરે છે. એક્ટિવા ફેરવવાનો અનહદ શોખ હોય આ માટે જ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ખાલી ફેરવવાનો શોખ હોવાથી, જ્યાં સુધી ગાડીમાં પેટ્રોલ હોય ત્યાં સુધી જ ફેરવતા હતા અને જે જગ્યાએ પેટ્રોલની ટાંકી પૂર્ણ થઈ જાય ત્યાં તેને જામનગરના રખડતા ઢોરની માફક રખડતું મૂકી દેતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત