HomeસિનેમાવાદSquid Game: નેટફ્લિક્સને પણ લાલચ છે....

Squid Game: નેટફ્લિક્સને પણ લાલચ છે….

ઝાલાવાડી જલજીરા: વિચાર ત્યાં જ હતો. વર્ષોથી. પેઢીઓથી જોતા આવીએ છીએ, પરંતુ એ એક વિચારમાં કોઈ નજીવું પરિવર્તન લાવે તો એ કેટલો સર્જનાત્મક બની જતો હોય છે. સર્જનાત્મક પણ હાનિકારક. શીતલના સ્વાંગમાં રહેલો પુરુષ! ગાંધીને મહામાનવ કહેવા માટે તુમ્બાડનું ક્વોટ પૂરતું છે, “The world has enough for everyone’s needs, but not for everyone’s greed.” ટોલ્સટોયની વાર્તા How much land does a man need?ના નાયક ફેહોમનું સ્મરણ થયા વિના નથી રહેતું. જેને અંતે તો મળે છે માત્ર છ ફૂટ જમીન. જેમાં એણે શાંતિથી ઉંઘવાનું છે. વિક્રમ વેતાલમાં પતિ પર આંખ મીંચી ભરોસો મૂકી દેતી પત્નીની વાર્તા એ બોધપાઠનું ઉચ્ચ શિખર છે.

જ્યારે કોઈ પર વધારે ભરોસો મૂકો છો ત્યારે બે જ ઘટના ઘટે છે. એક, કાં તો એ વ્યક્તિનું જીવનભર વ્યસન થઈ જાય છે અને કાં તો તમને જીવનભરનું લેસન મળી જાય છે. સ્ક્વિડ ગેમના (Squid Game) પાત્ર ચો-સંગ જેવા તમારી આજુબાજુ કેટલાય હશે. એ હોશિયાર હશે, પણ તેની સામે સ્પર્ધામાં ઉતરો ત્યારે એ કહે એમ ન કરાય. સ્ક્વિડ ગેમથી રાજકોટનું સંદેશ અખબાર યાદ આવે છે. પાંચ-સાત વર્ષ પહેલા એણે વ્યાજંકવાદનો મુદ્દો છેડ્યો હતો. રોજે પાછળનું પાનું ખોલો એટલે વ્યાજંકવાદના શીર્ષક હેઠળ એક બે અહેવાલો આંખે ચડી જાય. નિવાસી તંત્રી ત્યારે પ્રસન્ન ભટ્ટ હતા. પૈસા આપવા અને પછી ધાકધમકીથી માગનારાઓ વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કોઈ કોઈ વખત તો આત્મહત્યાના અહેવાલ પણ આંખે ચડે. ગઈકાલે જેની આપવિતી સાંભળી હોય એ થોડા દિવસ પછી હોય પણ નહીં. સ્ક્વિડમાં પણ આવા જ ચિંતિત લોકોનો શંભૂમેળો છે.

એમના માટે સ્ક્વિડ (Squid Game) સ્વર્ગ છે, જે આટલી યાતનાઓ આપ્યા પછી પણ બદલામાં કંઈક આપવા ઈચ્છે છે. જ્યારે મનુષ્યોની વચ્ચે તેમને નરક જેવી અનુભૂતિ થાય છે. રોજ ઉઠવું, પૈસા માટે ભાટકવું અને ખાલી હાથે પાછા ફરવું. અહીં તે રોજ મરે છે. સ્કિવડ તો તેમના માટે નરકાતીત છે. જ્યાં એક જ વખત મરવાનું છે. માણસોની વચ્ચે જીવાતી જિંદગીમાં તો વારંવાર મરવાનું છે.

લકની સાથે તુલના તો ન જ કરાય. લકમાં એવો માલ મસાલો હતો કે રિલીઝ થઈ ત્યારે અખબારોએ બરાબરનો મેથીપાક આપેલો. 2009માં જે નવા નવા કોલમિસ્ટો બનેલા એ પણ રિવ્યૂવીર બની આશિર્વાદ આપતા હતા. એ લક જેના પરથી બની તે સ્પેનિશ ફિલ્મ ઈન્ટેક્ટોમાં મેજીક રિયાલીઝમની થીમ હતી અને લકમાં એવું કંઈ હતું જ નહીં. સ્ક્વિડ ગેમમાં લાલચની થીમ છે. એ વૃદ્ધ ડોસો કેટલુંય ખોટું બોલ્યો પણ એક વાત તો સાચી જ બોલી.

વૃદ્ધની અંદર એક બાળક જીવતું હોય છે. વૃદ્ધ બાળકોની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે. એ વૃદ્ધ ડોસો એની જ નિશાની છે. ડોસો શીખવે છે કે, તમારી ટીમ ફક્ત યંગ અને શક્તિશાળી હોય એનાથી તમે જીતી ન શકો પણ ટીમમાં એક અનુભવી ખેલાડી હોવો જોઈએ. જેને જગત આખાનું ભાન હોય. જે તાકાતથી નહીં ટેકનિકથી કામ લેતો હોય. બાકીના પાત્રો થ્રીલ ઉત્પન્ન કરવા માટે સર્જાયેલા છે.

હા, ખેંચવામાં આવી છે. પાંચ એપિસોડમાં સરસ રીતે પૂર્ણ થઈ શકતી હતી. દોઢ કે બે કલાકની ફિલ્મમાં આટલું મટિરિયલ સમાવવામાં આવે તો લક જેવી સ્થિતિ થઈ જાય. છેલ્લો એપિસોડ ખૂબ લંબાવવામાં આવ્યો છે. નેટફ્લિક્સ લાઘવમાં નથી માનતી એ નેટફ્લિક્સ રસીયાઓની જાણકારીમાં હશે જ. ઉપરથી એક સિઝનમાં, સંક્ષિપ્તમાં, પૂર્ણ કરી દર્શકોનું હ્રદય જીતી શકી હોત, પણ નેટફ્લિક્સ એક ધંધો છે. એને લાલચ છે. તેને એના દર્શકોની સિનેમેટિક રગની ખબર છે. એને ખબર છે માણસના મનોરંજનના લાલચની.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments